માહિતીના મહાસાગર જેવા ઈન્ટરનેટ પર વાંચવા મળે છે કે રામગોપાલ વર્માની ‘રંગીલા’ આ વર્ષે ૨૯ વર્ષ પૂર્ણ કરીને 30મા વર્ષમાં પ્રવેશશે. બાસુ ચેટરજીની ‘ચિત્તચોર’ તથા ‘રજનીગંધા’ની યાદ અપાવતી રોમાન્ટિક ‘રંગીલા’ ૧૯૯૦ના દાયકાની કેટલીક અવિસ્મરણીય ફિલ્મોમાંની એક છે. એ સમય મારધાડવાળી ફિલ્મોના ઘોર કળિયુગમાં સ્વર્ગસ્થ નિર્માતા જામુ સુગંધની ‘રંગીલા’ તાજી લહેરખીની અનુભૂતિ કરાવી ગયેલી.
હિંદી સિનેમાની બૅકઅપ ડાન્સર મિલી (ઊર્મિલા માતોંડકર), ફિલ્મટિકિટનાં કાળાં બજાર કરતો તથા પોતાના એરિયામાં ‘વર્લ્ડ ફેમસ’ ટપોરી મુન્નો (આમીર ખાન) અને ઍક્શન હીરો રાજકમલ (જેકી શ્રોફ)ના પ્રણયત્રિકોણની વાર્તાવાળી, એ.આર. રેહમાનનાં દિલડોલ સ્વરાંકનથી ‘રંગીલા’ ફિલ્મરસિકોને જલસો કરાવી ગયેલી.
‘રંગીલા’માં અચ્યુત પોતદાર અને રીમા લાગુથી લઈને રામમોહન, અવતાર ગિલ, ગુલશન ગ્રોવર જેવા ધરખમ કલાકાર હતા, પણ અત્યારે યાદ કરીએ તો નવાઈ લાગે કે એમાં કેટલા બધા મહેમાન કલાકારો હતા. જેમ કે મધુર ભંડારકર, રેમો ડીસોઝા, આદિત્ય નારાયણ (“હો જા રંગીલા” સોંગમાં), શમ્મી, તે વખતના પ્રથમ હરોળમાં બિરાજતા સિનેમેટોગ્રાફર ડબ્લ્યુ.બી. રાવ, વગેરે. રામગોપાલ વર્માનો રિયલ યંગ બ્રધર બનેલો મિલીનો યંગ બ્રધર.
-અને ‘રંગીલા’ને ફોર મૂન લગાડનારા કેટલાક ગુજરાતી કલાકારો તેમ જ ગુજરાતી કનેક્શન પણ કમાલનું છે. જેમ કે ગુજરાતી રંગભૂમિના ઉમદા કલાકાર રાજેશ જોશી. મુન્નાનો જિગરી દોસ્ત પક્યા. રામુએ એમને એક-બે દિવસ માટે બોલાવેલા, પણ રાજેશભાઈનું કામ રામુને એટલું ગમી ગયું કે પક્યાના કૅરેક્ટરને નવેસરથી ઘાટ આપવામાં આવ્યો અને ધી એન્ડ સુધી એમનો રોલ રાખવામાં આવ્યો. ‘રંગીલા’ બાદ એ ‘સત્યા’, ‘અફલાતૂન’ તથા ‘સરફરોશ’ જેવી ફિલ્મમાં ચમકેલા. કમનસીબે ‘રંગીલા’ની રિલીઝનાં ત્રણેક વર્ષ બાદ માત્ર ૨૯ વર્ષની વયે એમનું અવસાન થયું.
– કોઈ પણ ફિલ્મનો પાયો હોય છે કથા-પટકથા-સંવાદ. આ ડિપાર્ટમેન્ટ સંભાળ્યો સ્વર્ગીય નીરજ વોરાએ. નીરજભાઈએ ફિલ્મમાં ભૂમિકા પણ ભજવી. યાદ હોય તો, ફિલ્મી પાર્ટીના સીનમાં એ મિલી આગળ ફેંકતા હોય છેઃ “પ્રકાશ મેહરાને ફોન કરી અમિતાભને જંજીર મેં અપાવી, શ્રીદેવીને હિંદી મેં શીખવી”, વગેરે. જાણીતા લેખક-દિગ્દર્શક સંજય છેલ પણ ફિલ્મના લેખનકાર્ય સાથે સંકળાયેલા હતા.
રાજેશ જોશી અને નીરજ વોરા ઉપરાંત ગુજરાતી કલાકારોમાં જૅકી શ્રોફ, રાજીવ મહેતા (ફાઈવ સ્ટાર હોટેલના વેઈટર), હાસ્યકલાકાર-કવિ નીતિન દેસાઈ (બસસ્ટૉપ પર મુન્નાને સાડાપાંચ વાગ્યાનો સમય જણાવનારા) તથા ફ્રૅન્ડલી અપિરિયન્સમાં શેફાલી છાયા, સેટ પર મમ્મી સાથે નખરાં કરતી તથા સીઝન ન હોવા છતાં સીતાફળ મિલ્ક શેક મગાવતી હીરોઈન ગુલબદનજીની ભૂમિકામાં.
‘રંગીલા’માં મિલી (ઊર્મિલા માતોંડકર)નું મિડલ ક્લાસ ઘર બતાવવામાં આવ્યું છે એ નીરજ વોરાનું સાસરું છે. મુંબઈના સાંતાક્રુઝ વિસ્તારમાં આવેલી હંસરાજ વાડીના આ ઍક્ચ્યુઅલ ઘરમાં શૂટિંગ કરવામાં આવેલું.
દક્ષિણમાંથી જેમના સંગીતના સૂર દેશભરમાં રેલાયેલા એ એ.આર. રેહમાનનાં તમિળ ગીતો હિંદીમાં ડબ થતાં, પણ ‘રંગીલા’ એમની પહેલી હિંદી ફિલ્મ હતી. ફિલ્મનું એક સુપર હિટ સોન્ગ “તન્હા તન્હા યહાં પે જીના” જાવેદ અખ્તર લખવાના હતા, પણ છેલ્લી ઘડી સુધી એ લખી ન શક્યા ત્યારે ઈસ્માઈલ દરબારે રામગોપાલ વર્માને સૂચવ્યું મેહબૂબ કોટવાલ નામના ગીતકારનું નામ. એમણે તત્કાળ એ લખ્યું, રેહમાને ફટાફટ કમ્પોઝ કરી કાઢ્યું. આજે ગીત સાંભળીએ તો માનવામાં ન આવે બાવીસ વર્ષની કન્યા જે ગીત ગાઈ રહી છે એનું પ્લેબૅક (તે વખતે) ૬૧ વર્ષી આશા ભોંસલેએ આપેલું.
મુંબઈના બાન્દ્રા વિસ્તારમાં રંગબેરંગી પક્ષીઓની દુકાન ધરાવતા મેહબૂબભાઈએ પછી તો રેહમાન સાથે જોડી બનાવી ‘તક્ષક’થી લઈને ‘બૉમ્બે’, ‘દૌડ’ તથા ‘ડોલી સજાકે રખના’ જેવી પાંત્રીસથી વધુ ફિલ્મનાં ગીત લખ્યાં. એ.આર. રેહમાનરિચત ‘માઁ તુઝે સલામ’ પણ લખ્યું.
હવે, ધારો કે ‘રંગીલા’ની સિક્વલ ‘રંગીલા રિટર્ન્સ’ બને તો મુન્નો કાળાબજારિયો મટીને મલ્ટિપ્લેક્સનો માલિક કે પ્રોડ્યુસર બનશે? બ્લૅકમાં ટિકિટ ખરીદવી પડે એવી ફિલ્મોય ક્યાં આવે છે? હેંને? ઍક્ટ્રેસ મિલી ફિલ્મને બદલે વેબ-સિરીઝમાં કામ કરતી હશે? અને રાજકમલજી? એમને કેવું કૅરેક્ટર આપવું? ઍની આઈડિયા?