આ વર્ષ ભલે સતત મોંકાણના સમાચારનું વર્ષ રહ્યું, સાથે જ 2021 મહાનની હરોળમાં આવતા ફિલ્મ સર્જક સત્યજિત રેની જન્મશતાબ્દિનું વર્ષ છે. આ અવસરે નેટફ્લિક્સે સત્યજિત રેની ચાર લઘુ કથા પર આધારિત ચાર એપિસોડ્સ મૂક્યા, જેનું ટાઈટલ છેઃ ‘રે’. સર્જકો છેઃ અભિષેક ચૌબે, વાસન બાલા અને શ્રીજીત મુખર્જી (એમણે બે એપિસોડ્સ ડિરેક્ટ કર્યા છે).
આશરે કલાક-કલાકના ચાર એપિસોડ્સમાં મને અભિષેક ચૌબે દિગ્દર્શિત ‘હંગામા હૈ ક્યોં બરપા’ સ્પર્શી ગયોઃ મૂળ વાર્તાનું ઈન્ટરપ્રિટેશન, કથાકથનની શૈલી, ચાતુર્યવાળી ભાષા, એક સમયે કૂપે તરીકે પ્રખ્યાત વૈભવશાળી રેલ-કમ્પાર્ટમેન્ટ, સેપિયા કલર્સ અને એ બધાંને ટપી જાય એવા પાવર હાઉસ પરફોર્મન્સઃ મનોજ બાજપેયી-ગજરાજ રાવ-રઘુવીર યાદવ-મનોજ પાહવા.
વાર્તાનાં બે મુખ્ય પાત્ર છેઃ મુસાફિર અલી (મનોજ બાજપેયી) અને અસલમ બેગ (ગજરાજ રાવ). એક ટ્રેનપ્રવાસમાં બન્નેની સીટ સામસામે આવી છે. અસલમમિયાંને લાગે છે કે એણે મુસાફિર અલીને ક્યાંક જોયા છે. બન્ને વચ્ચે વાર્તાલાપ શરૂ થાય છે ને એમાંથી કેટલાંક પુરાણાં રહસ્ય બહાર આવે છે. મસ્તમિજાજી ગઝલગાયક મુસાફિર અલીને સાંભરે છે કે દસેક વર્ષ પહેલાં એણે આ જ અસલમ બેગની અણમોલ ‘ખુશબક્ત’ ખીસાઘડિયાળ ચોરેલી.
હવે મુસાફિર શું કરશે? એક સમયે જેમની ‘ધોબીપછાડ દિલ્લી સે અગ્રે તક’ પ્રસિદ્ધ હતી એવા કુસ્તીબાજ અસલમ બેગને યાદ આવી જશે તો? સીધીસાદી લાગતી આ કથામાં બેહતરીન વળાંક છે, જે આપણને આશ્ચર્યમાં પાડી દે છે.
આ પહેલાં ‘ઈશ્કિયા’, ‘ઊડતા પંજાબ’, ‘સોનચીડિયા’ જેવી ફિલ્મ સર્જનાર અભિષેકના આ એપિસોડનાં કેટલાંક શાનદાર પાસાંમાંનું સૌથી મહત્વનું પાસું એટલે એનું લેખન. મુલાયમ, મખમલી બોલી ઉર્દૂના પાશવાળા સંવાદ, મરક મરક હસાવી જતી રમૂજ. જુઓ, ‘પયમાના’ અને ‘પયખાના’ વચ્ચેના ભેદ વિશેની ચર્ચા, અને પછી બેગ (ગજરાજ રાવ)નું કહેવું, “યે જો કૂછ ભી કરકે પી જાને જો જઝબા હૈ ના, બડા પસંદ હૈ હમે”… એવું લાગે, જાણે રેલ-કૂપેમાં મુશાયરો ચાલી રહ્યો છે. જો સત્યજિત રે હયાત હોત તો એમણે અવશ્ય નીરેન અને અભિષેકના બરડા થાબડ્યા હોત.
આપણા માટે ગર્વ લેવા જેવી વાત છે કે વિદ્યાનગર-કલાનગર જેવાં બિરુદ મેળવનારા ભાવનગરમાં જન્મેલા, ગિજુભાઈ બધેકાએ સ્થાપેલી ‘દક્ષિણામૂર્તિ’ની ગુજરાતી માધ્યમની શાળામાં ભણેલા યુવા લેખક નીરેન ભટ્ટનું લેખનકર્મ દુનિયાના 180 જેટલા દેશોના મનોરંજનપ્રેમીએ જોયું-બિરદાવ્યું. નીરેન સાથે થયેલી ટૉકમાં એણે કહ્યું કે “હંગામા હૈ ક્યોં બરપા લખવાનો સૌથી મોટો પડકાર હતોઃ સત્યજિત રેની વાર્તા છે એ વિસારે પાડી દેવું. મૂળ વાર્તાનો માત્ર આત્મા લઈ એક આખું ખોળિયું રચવાનું હતું. એક માણસના મગજમાં ચાલતા વિચાર માત્ર પરથી એક કલાકનો એપિસોડ રચવાનો હતો.”
યસ… યસ, મૂળ ટૂંકી વાર્તામાં બરીન ભૌમિક (અહીં મુસાફિર અલી)ના મનોજગતમાં ચાલતી કૉમેન્ટરી માત્ર છેઃ ટ્રેનનો આ સહયાત્રી મને ઓળખી જશે ને વર્ષો પહેલાં મેં એમની ખીસાઘડિયાળ ચોરેલી એ એમને યાદ આવી જશે તો? આટલી વાત પરથી પ્રેક્ષકનો રસ જળવાઈ રહે એવાં સ્ક્રીનપ્લે-સંવાદ લખવાનાં હતાં. આ માટે નીરેને પાત્રોની એક બૅક સ્ટોરી રચી, થોડા પ્રસંગ ઉમેર્યા, સ્વાદ મુજબ રમૂજ ભભરાવી…
અહીં એક સવાલ નીરેન તથા આપણી ભાષાના સર્જકોને પૂછવાનું મન થાય કે દેશ-દુનિયાની કોઈ પણ ભાષાના સાહિત્યકારો સામે ટટાર ઊભા રહી શકે એવા આપણા અણમોલ ખજાના જેવા ઝવેરચંદ કાળીદાસ મેઘાણી, કનૈયાલાલ માણેકલાલ મુનશી, ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી-ધૂમકેતુ, વગેરે વગેરેની કૃતિઓ પર એન્થોલોજી ક્યારે?
નીરેન કહે છેઃ “અફ કોર્સ, હું એની પર કામ કરી જ રહ્યો છું. થોડી રાહ જુઓ. જો બધું સમુંસૂતરું પાર પડશે તો મેઘાણીની વેવિશાળનું અડેપ્શન આવનારા સમયમાં જોવા મળશે.”
ક્યાબ્બાતઃ મૂકો ત્યારે લાપશીનું આંધણ…
તા.ક. ગુરુવારે સવારે આ કોલમ લખાઈ રહી હોય છે ત્યારે જ વૉટ્સઍપ એક ગમગીન કરી મૂકે એવા સમાચાર આપે છેઃ ગુજરાતી ચિત્રપટ-રંગભૂમ-ટીવીસિરિયલના મોટા ગજાના અભિનેતા અરવિંદ રાઠોડનું અમદાવાદ ખાતે અવસાન. એમના વિશે એક અલાયદા લેખનું આયોજન કરેલું છે એટલે હાલ તો, ઈશ્વર એમના આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.
કેતન મિસ્ત્રી