ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર દિગ્દર્શિત વેબસિરીઝ ‘તાંડવ’ના વિવાદ વિશે લખતાં પહેલાં સોમવાર, 18 જાન્યુઆરીએ દિલ્હી હાઈ કોર્ટે એક ઈન્ટરેસ્ટિંગ ચુકાદો આપ્યો એના વિશે વાત કરવી છે. બન્યું એવું કે, ઍડવોકેટ ચૈતન્ય રોહિલાએ કોર્ટને અરજ કરી કે આ ‘વૉટ્સૅપ’વાળા ફેબ્રુઆરીથી એમની પ્રાઈવસી પોલિસી બદલે છે તે જોખમી છે. એનાથી વપરાશકારોની બધી માહિતી એ લોકો પાસે જતી રહેશે, વગેરે. ઍડવોકેટની અરજ સાંભળી જસ્ટિસ સંજીવ સચદેવાએ ચુકાદો આપતાં કહ્યુઃ “સાંભળો, ન તો વૉટ્સૅપ લેવું ફરજિયાત છે, ન એની પ્રાઈવસી પોલિસી સ્વીકારવી…” નામદાર જસ્ટિસે અરજીકર્તાને સવાલ કર્યોઃ “તમારી સમસ્યા શું છે? આ તો પ્રાઈવેટ કંપનીએ બનાવેલી ઍપ છે… એની ટર્મ્સ-કન્ડિશન ન ગમે તો ન લો. બીજી કોઈ ઍપ લો… મોટા ભાગની મોબાઈલ ઍપ્સ લેતી વખતે એની ટર્મ્સ-કન્ડિશન વાંચો તો આશ્ચર્ય થશે કે તમે શેની શેની મંજૂરી એને આપો છો… અરે ગૂગલ મૅપ્સ પણ તમારા વિશેની રજેરજ માહિતી લે છે.”
-અને હવે ‘તાંડવ…’
રાજકીય મહત્વાકાંક્ષા પૂરી કરવા ગમે તે હદે જતા રાજકારણીઓ અને દેશની પ્રખ્યાત યુનિવર્સિટી (‘જેએનયુ’ને બદલે અહીં ‘વીએનયુ’-‘વિવેકાનંદ યુનિવર્સિટી’) પર રમાતા છાત્ર-રાજકારણની વાત કહેતી ‘તાંડવ’ એક ચીલાચાલુ પોલિટિકલ થ્રિલર છે, જેના લેખક છે 2019માં આવેલી અનુભવ સિંહાની ‘આર્ટિકલ 15’ની વાર્તા લખનારા ગૌરવ સોલંકી. આ વેબસિરીઝના અમુક દશ્ય સામે જનાક્રોશ વ્યક્ત થયા બાદ સર્જકોએ બિનશરતી માફી માગી, પણ એનાથી સંતોષ નથી. વિવિધ રાજ્યોમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. 9 હફ્તાની આ સિરીઝ જે ઓટીટી પ્લેટફૉર્મ પર મૂકવામાં આવી એ ‘એમેઝોન પ્રાઈમ’ના કર્તાહર્તા તથા એના લેખક-દિગ્દર્શકની પૂછપરછ કરવા ઉત્તર પ્રદેશની પોલીસટીમ મુંબઈ આવી ગઈ.
પ્રારંભમાં પેલો વૉટ્સૅપ-કેસનો ચુકાદો ટાંકવાનો આશય એ છે કે ભૂતકાળમાં સુપ્રીમ કોર્ટે અવારનવાર આવા ચુકાદા આપ્યા છેઃ ‘ન ગમે તો ન જુવો…’ પણ હવે આપણે એ ચુકાદાથી ઘણા આગળ નીકળી ગયા છીએ. જો કે, એ તો હકીકત છે કે છેલ્લા થોડા સમયથી અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના છોગા હેઠળ (ખાસ કરીને ઓટીટી પ્લેટફૉર્મ પર) કંઈ પણ એલફેલ બતાવવામાં આવે છે. ‘પાતાલ લોક,’ ‘મિરઝાપુર,’ ‘સેક્રેડ ગેમ્સ,’ વગેરેના દાખલા તાજા છે. ‘તાંડવ’ની વાત કરીએ તો આ સિરીઝના જે નારદ મુનિ અને શંકર ભગવાનના સીન-સંવાદ પર હોબાળો થયો છે એ ટોટલ બિનજરૂરી છે, વાર્તામાં એના હોવાથી કોઈ ફેર પડતો નથી અને જાણીજોઈને માત્ર સનસનાટી સર્જવા અને કૉન્ટ્રોવર્સી ઊભી કરવા ઘુસાડવામાં આવ્યો છે… આ અંગત અભિપ્રાય આખી સિરીઝ જોઈને લખું છું.
દરમિયાન, બોલિવૂડ-કેન્દ્રિત ઓટીટી ઈન્ડસ્ટ્રી (શૅરબજારવાળા પાસેથી શબ્દસંજ્ઞા ઉછીની લઈએ તો) ફૂલગુલાબી તેજીમાં છે. એક બાજુ એ હજારો નવી નોકરી સર્જી રહી છે (ઍક્ટર-રાઈટર-ટેક્નિકલ સ્ટાફ, વગેરે) તો બીજી બાજુ લેખક-દિગ્દર્શકોને અવનવા એક્સપરિમેન્ટ કરવાની તક આપી રહી છે, જે સામાન્ય રીતે બોલિવૂડ મૂવીમાં નથી બતાવી શકતા એ અહીં બતાડે છે. જો એની પર (ઓટીટી પર) મૂકવામાં આવતી મનોરંજન સામગ્રી વિશે બન્ને પક્ષને સંતોષ થાય એવા નિયમ ઝટ નહીં ઘડાય તો એની પર આવતું એન્ટરટેન્મેન્ટ ચીલાચાલુ બનતું જશે અને એનો લાભ ફોરેનની સિરીઝને મળી જશે.
આમ પણ, આપણે ત્યાં એક મોટો વર્ગ ‘ધ ક્રાઉન’ અને ‘ડાર્ક’ અને ‘અપલોડ’ અને ‘ઑરેન્જ ઈઝ ધ ન્યુ બ્લૅક,’ વગેરેમાં જ રચ્યોપચ્યો રહે છે. આશરે 66 કરોડ ઈન્ટરનેટ કનેક્શન ધરાવતા ભારતના રસિકોમાં લોકપ્રિય થવા 60 જેટલા ઓવર ધ ટૉપ (ઓટીટી) પ્લેટફૉર્મ આમ પણ અંદરોંદર હંસાતુંસી કરી રહ્યાં છે. બીજી બાજુ એની પર મૂકવામાં આવતી સામગ્રીના નિયમન વિશે અથવા શું બતાવવું શું ન બતાવવું એ વિશે લાંબા સમયથી ચર્ચા-વિચારણા ચાલી રહી છે. હવે સમય આવી ગયો છે એની પર મહોર લગાવવાનો.
(કેતન મિસ્ત્રી)