અય મેરે વતન કે લોગોંને ગબ્બરસિંહના જન્મ સાથે શું સંબંધ?

વીતેલા (72મા) પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ ટીવી પર આવતા સિંગિંગ રિઆલિટી શો ‘ઈન્ડિયન આઈડલ’ના એક નિર્ણાયક વિશાલ ડડલાનીએ દેશભક્તિના યાદગાર ગીત વિશે ખોટા સમય-સંદર્ભ આપતાં સોશિયલ મિડિયમ નામે ટ્વિટર વિરોધવર્ષાથી ધણધણી ઊઠ્યું. શોમાં એક સ્પર્ધકે કવિ પ્રદીપરચિત, સી. રામચંદ્ર સ્વરાંકિત “અય મેરે વતન કે લોગોં, ઝરા આંખ મેં ભર લો પાની” ગીત રજૂ કર્યું. લતા મંગેશકરના કંઠે ગવાયેલા આ ગીત વિશે ડડલાનીએ એવું કહી નાખ્યું કે આ ગીત 1947માં દેશ આઝાદ થયા બાદ પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુની પ્રશસ્તિમાં રજૂ થયેલું. એ પછી ટ્વિટર ડડલાનીના નામનો એક આખ્ખો ટ્રેન્ડ શરૂ થયોઃ #ઈન્ડિયન આઈડલમાંથી વિશાલ ડડલાનીની હકાલપટ્ટી કરો. જો કે ભૂલ સમજાતાં ડડલાનીએ માફી માગી લીધી ને માંડ મામલો શાંત પડ્યો.

આ આખી કૉન્ટ્રોવર્સી, “અય મેરે વતન કે લોગોં” તથા હિંદી સિનેમાના એક યાદગાર પાત્ર, ગબ્બરસિંહને શું લેવાદેવા? એ જાણવા આપણે ઘડિયાળના કાંટા ઊંધા ફેરવી 1970ના દાયકામાં જવું પડશે, જ્યારે ફિલ્મઈતિહાસની એક સીમાસ્તંભ રૂપ ફિલ્મ ‘શોલે’નું સર્જન થઈ રહ્યું હતું. સલીમ-જાવેદની કથા-પટકથા-સંવાદ તૈયાર હતાં, બેંગલોરથી કલાકના અંતરે આવેલા રામનગરમમાં લેખક-જોડીની કલ્પનાનું રામગઢ ગામ ખડું થઈ ગયું, કલાકારો નક્કી થઈ ગયા. શૂટિંગના મહિના પહેલાં જાહેખબર આપવામાં આવીઃ ‘સિપ્પી ફિલ્મ્સનું નવું નજરાણુઃ રમેશ સિપ્પી દિગ્દર્શિત ‘શોલે’નું શૂટિંગ આવતા મહિનાથી શરૂ. કલાકારોઃ ધર્મેન્દ્ર-અમિતાભ બચ્ચન-સંજીવકુમાર-ડેની ડેન્ઝોંગ્પ્પા-હેમામાલિની-જયા ભાદુરી, વગેરે.’ હા, ડેની ભજવવાના હતા ગબ્બરસિંહનું પાત્ર. પણ પછી ફિલ્મમાં બને એમ અચાનક આ સત્યઘટનામાં નાટ્યાત્મક વળાંક આવ્યોઃ

ડેનીએ ફિરોઝ ખાનની ‘ધર્માત્મા’ ફિલ્મ સાઈન કરી રાખેલી, જેનું ઘણું શૂટિંગ (ખાસ તો ડેનીનાં દશ્ય) અફઘાનિસ્તાનમાં થવાનું હતું, પણ સરકારી મંજૂરી મળતી નહોતી. ‘શોલે’નું શૂટિંગ શરૂ થવા આડે થોડા દિવસ બાકી હતા ત્યારે તમામ મંજૂરી મળી ગઈ, ડેનીએ ભારે હૈયે ‘શોલે’ છોડવી પડી. હવે, રાતોરાત ગબ્બરસિંહનું પાત્ર ભજવી શકે, શૂટિંગ માટે સમય ફાળવી શકે એવા ઍક્ટરને ક્યાંથી શોધવો? એક તબક્કે રણજિત તથા પ્રેમ ચોપરાનાં નામ વિચારવામાં આવ્યાં, પણ રમેશ સિપ્પીનું મન માનતું નહોતું. એવામાં ‘શોલે’ના સહલેખક જાવેદખાનને યાદ આવ્યો એક કલાકાર, જેનું નાટક એમણે દસેક વર્ષ પહેલાં દિલ્હીના ‘યુવા મહોત્સવ’માં જોયેલું. મશહૂર ઍક્ટર જયંતનો બેટો અમજદ ખાન. સલીમખાન પણ એને ઓળખે. એ રીતે સલીમ-જાવેદે અમજદનું નામ સૂચવ્યું, સિપ્પી ફિલ્મ્સની ઑફિસના નાનકડા બગીચામાં એનો ટેસ્ટ-ફોટોગ્રાફ્સ લેવામાં આવ્યા. જો કે રમેશ સિપ્પીની એક દ્વિધા હતીઃ ઍક્ટર સારો છે, જવાન છે, એના વિચારો તરોતાજા છે, પણ એને ઓળખે કોણ? છેવટે અંતરાત્માનો અવાજ સાંભળી એમણે અમજદ ખાનના નામ પર મહોર મારી દીધી. વીસેક દિવસમાં, 1973ના ઑક્ટોબરથી ‘શોલે’નું શૂટિંગ શરૂ થઈ ગયું. બાકી ઈતિહાસ.

-અને હવે પેલા સવાલઃ “અય મેરે વતન કે લોગોં” અને ગબ્બરસિંહને શું લેવાદેવા? જવાબ છેઃ લતાદીદીએ 1963ની 27 જાન્યુઆરીએ દિલ્હીના રામ લીલા મેદાનમાં આ ગીત રજૂ કર્યું એ પછી પાટનગરના તાલ કટોરા મેદાનમાં યોજાયેલા યુવા મહોત્સવમાં અમજદ ખાને જે નાટક ભજવેલું એનું નામઃ ‘અય મેરે વતન કે લોગોં,’ જે પેલા અમર ગીત પરથી રાખવામાં આવેલું. નાટકમાં અમજદ મિલિટરી અફ્સર બનેલા. લગભગ એવો જ ગેટઅપ એમનો ‘શોલે’માં રાખવામાં આવ્યોઃ ઑલિવ ગ્રીન પેન્ટ-શર્ટ, વજનદાર બૂટ, કારતૂસનો પટ્ટો, વગેરે.

તો, 72મો પ્રજાસત્તાક દિન, ડડલાનીએ ટીવી-શોમાં મારેલો ભીંડો અને એ પછીના વિવાદ નિમિત્તે આ ઘટનાનું સ્મરણ થયું ને સાઈ મકરંદ દવે કહે છે એમ, “ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ…” એ ન્યાયે આ ગમતાંનો ગુલાલ કર્યો છે.

 (કેતન મિસ્ત્રી)