અત્યારે આ ક્ષણે લેપટોપ જ્યારે મારી આંગળી ટપટપ અવાજ સાથે આ લખી રહી છે ત્યારે વાતાવરણમાં દીપિકા પદુકોણની ભગવી બિકીની, શાહરુખ ખાનનું લીલું લિનન શર્ટ અને વૈભવી મર્ચંટની શૃંગારિક કોરિયોગ્રાફી વિશે, ‘પઠાન’ નામની ફિલ્મ વિશે મોટો અવાજ, ગુસ્સાવાળો ઘોંઘાટ ચાલી રહ્યો છે. લગભગ એ જ સમયે એટલે 16 ડિસેમ્બરે હોલિવૂડની એક ફિલ્મ રિલીઝ થઈ છે ‘અવતારઃ ધ ઑફ વૉટર…’ રિલીઝ થઈ એટલું જ નહીં, પણ, બૉક્સ ઑફિસ પર એણે ભૂક્કા કાઢી નાખ્યા છે. ઍડવાન્સ બૂકિંગ, વગેરે જોઈ ત્રિરાશિ માંડતાં જાણકારો કહે છે કે આશરે સાડાત્રણ હજાર કરોડ રૂપિયાના ખર્ચે બનેલી ‘અવતાર’નો બીજો ભાગ ભારતમાં શુક્રવાર, 16 ડિસેમ્બરે એટલે કે પહેલા દિવસે આશરે 35થી 40 કરોડ રૂપિયાનો ધંધો કરશે.
પચીસ વર્ષ પહેલાં ‘ટાઈટેનિક’ જેવી અસ્સલ હિંદી સિનેમા ટાઈપ ફિલ્મ (અમીર લડકી, ગરીબ લડકા, લડકીનો અમીર મંગેતર, મારામારી, જહાજનું ડૂબવું, વગેરે) બનાવનારા જેમ્સ કેમરને 2009માં ‘અવતાર’ બનાવેલી. ફિલ્મ એ હદે સુપરહિટ થયેલી મારા જેવા કરોડો સિનેમાપ્રેમી વાટ જોતા’તા કે આ શ્રેણીની બીજી ફિલ્મ ક્યારે આવે? હવે એ આતુરતાનો અંત આવ્યો છે. આજે વહેલી સવારે ફિલ્મ જોઈને અને લખ્યો આ અફસોનો…
2009માં આવેલી અવતારનો સમયકાળ હતો સન 2154. પેંડોરા નામની એક અલૌકિક સૃષ્ટિ (બોલિવૂડવાળાની ભાષામાં કહીએ તો, કબીલા)માં નાવિ તરીકે ઓળખાતા ભૂરી ત્વચાવાળા ને પૂંછડીવાળા લોકો શાંતિથી વસે છે. આ સૃષ્ટિ પર કબજો કરવા અમેરિકન બિઝનેસમૅન પોતાના ભાડૂતી સૈનિકો દ્વારા હુમલો કરે છે કેમ કે પેંડોરમાં કુદરતી ખનિજોનો ભંડાર છે. નાવિસમાજ વચ્ચે રહીને એમનો મદદકર્તા યોદ્ધા જૅક સુલી (સૅમ વર્ધિંગ્ટન) પેંડોરાવાસીઓની સહાય કરે છે, પેલા બિઝનેસમૅન અને એના ભાડૂતી સૈનિકોને હંફાવી પાછા પૃથ્વી પર મોકલી દે છે.
13-13 વર્ષથી જે સિક્વલ પર જેમ્સભાઈ ઊંધું ઘાલીને મચી પડેલા એમાં આપણે ફરી એક વાર પેંડોરાની કાલ્પનિક સૃષ્ટિમાં પ્રવેશી જઈએ છીએ. જૅક સુલી અને પત્ની નેતિરી (ઝોઈ સેલ્ડાના) હવે માવતર બની ગયાં છે, એમની પર ત્રણ સંતાનની જવાબદારી છે. આ ફિલ્મ પરિવાર વિશેની, પરિવારનું રક્ષણ કરવા વિશેની ફિલ્મ છે. પરિવારની રક્ષા કાજે જૅક બીજા કબિલામાં સૅટલ થાય છે. અહીંના સરપંચ છે તોનોવારિ (ક્લિફ કર્ટિસ) અને એની પત્ની (કૅટ વિન્સ્લેટ). પહેલી ફિલ્મમાં જેમ્સ કેમરેને લીલાંછમ્મ ગાઢ જંગલની સૃષ્ટિ સર્જેલી તો અહીં જળસૃષ્ટિ છે. સમુદ્રની અંદર વસતી પ્રજા જળક્રીડામાં માહેર છે. જૅક અને એનો પરિવાર પણ સ્વિમિંગ આદિ શીખી લે છે. જો કે પેલા હરામખોર દુશ્મનો એને શોધતા અહીં પણ પહોંચી જાય છે.એમનાથી જૅક પરિવારને કેવી રીતે બચાવે છે એની આ કહાણી છે.
આ ચમત્કારિક જળસૃષ્ટિનો અનુભવ આંખથી નહીં, દિલથી લેવાનો છે, સિનેમા ક્ષેત્રે એક નવો ઈતિહાસ રચતા વિઝ્યુઅલ્સ, પાગલ કરી મૂકતું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક, સિનેમેટોગ્રાફી જોવા-સાંભળવાનાં નથી, અનુભવવાનાં છે.
ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ આશરે દસ લાખ ગૅલન પાણીના જંગી ટાંકામાં કલાકારોને ઉતારીને કરવામાં આવ્યું. કોઈ કલાકાર-કસબીને સ્કુબા ડાઈવિંગ કિટ પહેરવાની છૂટ નહીં. કેમ કે સ્કુબાનાં માસ્ક પહેરવાવાળા શ્વાસ લે તો પાણી પર પરપોટા આવે, જે નૅચરલ ન લાગે. આને બદલે કલાકારોને પાણીમાં શ્વાસ કેમ લેવો એની તાલીમ આપવામાં આવી. જેમ્સજીની ‘ટાઈટેનિક’ની હીરોઈન કૅટ વિન્સ્લેટે પાણીમાં સાત-સાડાસાત મિનિટ શ્વાસ રોકીને પોતાના શૉટ્સ આપ્યા, જ્યારે 72 વર્ષી સિગૉનીએ પ્રૅક્ટિસ વખતે છ મિનિટ શ્વાસ રોકી રાખ્યા. આમ પણ પાણી સાથે જેમ્સ કેમરનને સ્પેશિયલ પ્યાર છે, એની વાત ફરી ક્યારેક.
હવે સન 2024, 2026 અને 2028નાં વર્ષોમાં ‘અવતાર’ના ત્રણ પાર્ટ આવશે. આજે રિલીઝ થયેલા બીજા પાર્ટના શૂટિંગ વખતે આગામી ફિલ્મના અમુક ટુકડા શૂટ કરવામાં આવ્યા. એક સર્જક પોતાની 40 વર્ષની કારકિર્દીમાં 15-16 વર્ષ એક જ વિષયને લઈને જીવે એ પણ એક ફિલ્મનો વિષય ગણાય, નહીં?