વરસાદી માહોલ મસ્ત જામ્યો છે, ઍટલિસ્ટ મુંબઈમાં. અમારું મકાન જ્યાં ઊભું છે એ સાંકડી લેન બન્ને બાજુએ પુરબહારમાં ખીલેલી વનરાજી ને એની ઉપર કાળાંડિબાંગ વાદળોને લીધે વિશળ પેન્ટિંગ જેવી લાગવા માંડી છે. બટ હેય, જો તમે એમ સમજતા હો કે આપણે વર્ષાઋતુનાં ફિલ્મગીતોની વાતો માંડવી છે તો તમે રૉંગ છો. વાત કરવી છે હિંદી સિનેમાસંગીતમાં જૂનના મહિમાની.
આપણા ગીતકારોએ દરેક અવસર, દરેક પ્રસંગ, દરેક ઋતુનાં ગીત લખ્યાં છે. આપણે જૂનની વાત કરીએ. થોડા સમય પહેલાં પુરાણી ફિલ્મો દેખાડતી ચૅનલ પર 1960માં આવેલી ‘મુડ મુડ કે ના દેખ’ જોયેલી એમાં એક ગીત હતું. ફિલ્મની હીરોઈન અનિતા ગુહા હીરો ભારત ભૂષણ. હા, ભારત ભૂષણ હીરો… કોઈ શક? શબ્દો છેઃ “હૈ યે જૂન કા મહિના… આયે બડા રે પસીના… મર ગઈ ગરમી સે લે ચલ શિમલા બાબુ…”
મનોજકુમાર ‘અમાનત’ નામના ચિત્રપટમાં ગર્લફ્રેન્ડ સાધનાની જુવાનીને મહિના સાથે સરખાવે છે, પણ પરટિક્યુલર મન્થ નથી કહેતા. એટલું જ કહે છેઃ “તેરી જવાની… તપતા મહિના, અય નાઝનીના, છૂ લે તો આયે પસીના.” ગીત સાંભળીને થયેલું કે, યાર, ગર્લફ્રેન્ડને અડકવાથી જેને પરસેવો છૂટી જતો હોય એ પ્યાર શું કરવાનો… હેંને?
એથીયે પહેલાં હિંદી સિનેમાનું એક યાદગાર ગીત જે આજેય ડોલાવી મૂકે છેઃ “મેરે પિયા ગયે રંગૂન…” એના એક અંતરાના આ શબ્દો જુઓઃ “તુમ બિન સાજન, જનવરી-ફરવરી બન ગએ મઈ ઔર જૂન… તુમ્હારી યાદ સતાતી હૈ… જિયા મેં આગ લગાતી હૈ!” બહોત ખૂબઃ હે સાજન, તમારા વિના ફૂલગુલાબી જાન્યુઆરી-ફેબ્રુઆરી બની ગયા છે અકળાવતા-પીગળાવતા મે અને જૂન… તમારી બહુ યાદ આવે છે.
જો કે એક ગીત એવું છે, જેની યાદ મને અવારનવાર સતાતી હૈઃ ન કેવળ જૂનમાં, પણ બીજા મહિનામાં સુધ્ધાં. એ ગીત છેઃ “આજા મેરી જાન યે હૈ જૂન કા મહિના, પલકો કી છાંવ મેં બીઠા લે ઓ હસીના…” મેહમૂદ-અરુણા ઈરાની પર પિક્ચરાઈઝ થયેલું આ ગીત 1970ના દાયકામાં આવેલી ‘જવાબ’ ફિલ્મનું છે. ટિપિકલ મદ્રાસી નિર્માણ. મોટા ભાગનાં પાત્રોનાં સરસમજાના વાળ હોવા છતાં મદ્રાસી સ્ટાઈલની વિગ ને જાડી મૂછો. જો કે મેહમૂદને એમાં ક્લીન શેવ બતાવવામાં આવેલો. ફિલ્મના ડિરેક્ટર રમન્નાએ જવાબની તમિળ આવૃત્તિમાં આ ગીત દક્ષિણના દિગ્ગજ કલાકાર શિવાજી ગણેશન-ભારતી પર ચિત્રિત કરેલું.
અહીં એક ઈન્ટરેસ્ટિંગ વાત તમારી સાશે શૅર કરવાનું મન થાય છે. મુંબઈમાં રમેશ જૈન નામના અમારા એક મિત્ર છે. હિંદી સિનેમાસંગીતના દુર્દાન્ત શૌકીન. એ હદે શૌકીન કે એમણે ‘જવાબ’નું સૉંગ એમની અને એમનાં વાઈફ પર શૂટ કરાવ્યું છે. રીતસરનું પિક્ચરમાં સૉંગ-પિક્ચરાઈઝેશન થાય એમ જ. એ વિડિયો જોઈને મને મળ્યો જૂન મહિનાનો આ ટોપિક.
એમ તો 1958માં આવેલી ‘12 ઓ’ક્લૉક’ નામની ફિલ્મમાં પણ જૂન મહિનાનો ઉલ્લેખ છે. મુંબઈના કોઈ બગીચામાં હાફ સ્લીવનું શર્ટ ને શિર પર હૅટ ધારણ કરેલા જૉની વૉકર હાથ હલાવવાની પોતાની જાણીતી અદામાં ગર્લફ્રેન્ડને માનુનિ (એ અભિનેત્રીનું નામ યાદ નથી આવતું)ને રિક્વેસ્ટ કરતાં કહે છેઃ “દેખ ઈધર અય હસીના, જૂન કા હૈ મહિના… ડાલ જૂલફો કા સાયા, આ રહા હૈ પસીના.” જી.પી. સિપ્પીએ પ્રોડ્યૂસ કરેલી આ ફિલ્મના ડિરેક્ટર હતા પ્રમોદ ચક્રવર્તી. ગુરુ દત્ત-વહિદા રેહમાન-રેહમાન-જૉની વૉકર જેવા કલાકારોને ચમકાવતી બ્લૅક ઍન્ડ વ્હાઈટ ‘12 ઓ’ક્લૉક’ને સિનેઈતિહાસકારો કેટલીક બેહતરીન મર્ડર મિસ્ટરી મૂવીમાંની એક ગણાવે છે.
બીજાં આવાં કોઈ સૉંગ તમને સૂઝે છે સૂઝે છે તો શૅર કરોને, યાર.
કેતન મિસ્ત્રી