સમાચાર મહાદેવની નગરી વારાણસીથી આવ્યા. સમાચાર જ નહીં, બલકે સમાચારની ખરાઈ કરતો વિડિયો પણ આવ્યો. વિડિયોમાં જોઈ શકાય છે કે એક ડરામણું ભૂત ઘરના છાપરા પર ચાલી રહ્યું છે. વિડિયો વિશે અમુક લોકોએ કહ્યું કે “બકવાસ છે, આ તો અમુક વિસ્તારની કોઈ મશ્કરી વ્યક્તિએ સફેદ ચાદર ઓઢીને ટિકટૉક વિડિયો બનાવી એને વાઈરલ કરી મૂક્યો છે.” તો અમુકે કહ્યું, “ના ના, સાવ સાચો વિડિયો છે. કોઈ અવગતિયો જીવ હશે બિચારો, મણિકર્ણિકા પર અધજલતી ચિતા પરથી ઊભો થઈને આવ્યો છે…” એ પછી તો બાબા વિશ્વનાથના શહેરમાં આ ભૂત ક્યારેક બગીચામાં ટહેલતું પણ દેખાયું. એવા પણ સમાચાર આવ્યા કે દહશતનો માહોલ ભાળી પોલીસે આ મામલામાં કેસ નોંધી કારવાહી કરવાનું મન બનાવી લીધું છે.
હશે. મને નવાઈ એ વાતની લાગી કે ઘણા સમય પછી મેલ ઘોસ્ટે ફિમેલ ઘોસ્ટની મોનોપોલી તોડી. ફિલ્મોની વાત કરીએ તો અત્યાર સુધી આપણે સફેદ સાડી (ભૂતને સફેદ વસ્ત્રો જ શા સારુ પસંદ છે એ પણ એક સંશોધનનો વિષય છે, નહીં?) ધારણ કરેલું ભૂત જોતા આવેલા. ક્યારેક નધણિયાતી પુરાની હવેલીમાં હાથમાં મીણબત્તી લઈને દર્દભર્યું ગીત ગાતી. અચ્છા, હવેલીમાં એકમાત્ર કૅરટેકર રામુ કાકા જ રહેતા હોય, જેમને આખો હિસ્ટરી ખબર હોય. ક્યારેક ઘોર અંધારી રાતે, વરસતા વરસાદમાં શ્વેત વસ્ત્રો ધારણ કરી લિફ્ટ માંગતી હોય. કોઈ ભલો માણસ (હીરો) લિફ્ટ આપવાનું કબૂલે, ભૂત કારમાં બેસે એટલે વાઈપર કામ કરતા બંધ થઈ જાય, કારની હેડલાઈટ લબૂકઝબૂક થવા માંડે, ધમાકેદાર બૅકગ્રાઉન્ડ મ્યુઝિક વાગે… હીરો પૂછે કે “ઈતની રાત કો ઐસી સૂમસામ સડક પર તુમ્હારે જૈસી એક અકેલી ઔરત…” એટલે પેલી “ચહેરા પર કોઈ પણ જાતના ભાવ લાવ્યા વિના કહેઃ અમારે માટે શું રાત ને શું દિવસ…”
-અને લિફ્ટ માંગનારી સ્ત્રી એ બીજું કોઈ નહીં, પણ ભૂત જ છે એની પ્રતીતિ થઈ જાય.
1949માં આવેલી ‘મહલ’ થી ‘કોહરા,’ ‘બીસ સાલ બાદ’ કે પછી રામસેબંધુઓની જથ્થાબંધ ફિલ્મોની આવી એક પૅટર્ન રહી છે. રામસેબંધુની એક ફિલ્મમાં પુરાની હવેલીમાં રહેવા આવેલાં અમુક કપલ્સને સવારે રામુ કાકા ટાઈપ (મેહમૂદ) નાસ્તો પીરસે છે. અને પછી ધડામ્ સંગીત સાથે પરદા પર એક ખોપડીનો ક્લોઝ અપ દેખાય છે. પ્રેક્ષક અને બ્રેકફાસ્ટ ટેબલની આસપાસ ગોઠવાયેલાં કપલ્સ કંઈ સમજે એ પહેલાં મેહમૂદ ઠાવકા મોંએ કહે છેઃ “કિચન મેં ઔર કોઈ બર્તન નહીં થા ઈસલિયે ખોપડી મેં કૉફી લાયા…” કોઈ ફિલ્મમાં રામસેએ યતી બતાડીને પણ આપણને ડરાવેલા તો કોઈમાં ધરતીમાંથી નીકળતા ભૂતના પંજાથી.
જો કે છેલ્લા થોડા સમયથી ભૂત (હિંદી સિનેમામાં) બદલાયા છે. 1992માં આવેલી રામગોપાલ વર્માની ‘રાત’ (રેવતી) થી લઈને ‘રાઝ,’ ‘ફૂંક,’ ‘1920,’ ‘ડરના મના હૈ,’ ‘રાગિણી એમએમએસ,’ ‘13 બી,’ ‘એક થી ડાયન,’ ‘હૉરર સ્ટોરી,’ વગેરે નવી ભૂતફિલ્મોની હીરોઈનો ટિપિકલ વુમન ઈન વ્હાઈટ નથી. રામસેબંધુ વિક્રમ ભટ્ટ બાદ રામગોપાલ વર્માએ પણ ઘણી ભૂતિયા ફિલ્મો બનાવી, પણ તે પછી તેઓ ‘રામ ગોપાલ વર્મા કી આગ’ના રવાડે ચડી ગયા.
વિદેશી ભૂતિયા ફિલ્મોની આખી સૃષ્ટિ જ નિરાળી. ‘એક્ઝોર્સિસ્ટ’થી લઈને ‘આઈ નો વૉટ યૂ ડીડ લાસ્ટ સમર,’ ‘ધ શાઈનિંગ,’ ‘ધ કન્જરિંગ,’ ‘હેરિડિટેરી,’ વગેરે ફિલ્મો ઉપરાંત એમાં ‘કેસ્પર’ કે ‘વુધરિંગ હાઈટ્સ’ કે ત્રણ મશ્કરા તાંત્રિકોની વાત કહેતી ‘ઘોસ્ટબસ્ટર્સ’ જેવી ફિલ્મનાં પ્યારાં ભૂત પણ જોવા મળે.
આ તો થઈ ડૅડી અને દાદાને ડરાવતી ભૂતિયા ફિલ્મોની વાત. આપણે આશા રાખીએ કે વારાણસીવાળી બીજે ક્યાંય ન થાય નહીંતર અમુક સમય પછી બહાર નીકળવાની (ઍક્ચ્યુઅલી ન નીકળવાની) ગાઈડલાઈન્સ બહાર પાડવી પડશે. ખરેખર, આ ટિકટૉક વિડિયો બનાવીને વાઈરલ કરવાનું ઝનૂન એક નવા લેવલ પર પહોંચી ગયું છે.
-અને હા, ભૂત વિશેની તમારી કોઈ ફેવરીટ ફિલિમ હોય તો જણાવજો.