લાંબા સમયથી, કહો કે વર્ષોથી મારા જેવા સિનેમાપ્રેમી જેમના સહયોગની પ્રતીક્ષા કરી રહ્યા હતા એ શાહરુખ ખાન-રાજકુમાર હીરાણી એક એવો ડ્રામા લઈને આવ્યા છે, જે આપણું રંજન કરે છે, સાથે સાથે (ડ્રામા) અકારણ ખેંચાતો હોય એવી પ્રતીતિ પણ કરાવે છે. ‘ડંકી’ના વિષયમાં મનોરંજન સાથે આવરી લેવામાં આવેલી સામાજિક નિસબતને જરૂર વખાણવી રહી, પણ ઠેકઠેકાણે કથાકથન સગવડિયું અને અતાર્કિક લાગે છે.
પહેલાં શીર્ષકની વાત. સની દેઓલ ગુસ્સામાં આવીને, કાનના પરદા ચિરાઈ જાય એવી ચીસ પાડીને જમીનમાંથી ઉખાડે છે એ ડંકી સાથે આ ‘ડંકી’ને કાંઈ લેવાદેવા નથી. વસ્તુ એ છે કે દેશના અમુક પ્રાંતના યુવાનો જીવ જોખમમાં મૂકીને, પાસપૉર્ટ-વિસા વગર ઈન્ગ્લેન્ડ, અમેરિકા જવા અતિવિકટ એવો ગેરકાયદે રુટ અપનાવે છે. હ્યુમન ટ્રાફિકર્સ એટલે આવા લોકો પાસેથી તગડી રકમ લઈ એમને સરહદ પાર કરાવતા એજન્ટની ભાષામાં આવા રુટને ‘ડૉન્કી’ ફ્લાઈટ’ કહે છે. ડિરેક્ટર રાજકુમાર હીરાણીએ, કોઈની લાગણી ન દુભાય એટલે ડૉન્કીના બદલે ‘ડંકી’ શીર્ષક રાખી, લંડન જવાની ઘેલછાને કેન્દ્રમાં રાખીને કૉમેડી-ડ્રામા રચ્યો છે.
હીરાણી અને એમના રાઈટરો અભિજાત જોશી-કનિકા ઢિલ્લોંએ પંજાબના લાલ્ટૂ ગામની વાર્તા માંડી છે. વાર્તા કહેવા સર્જકોએ ફ્લૅશબૅકનો સહારો લીધો છે. લાલ્ટૂ ગામના કેટલાક યંગસ્ટર્સ મન્નૂ (તાપસી પન્નૂ), બુગ્ગુ (વિક્રમ કોચર), બલ્લી (અનિલ ગ્રોવર), વગેરે બેકારીથી કંટાળીને લંડન જઈને પાઉન્ડ કમાવાનાં સપનાં જુએ છે. પણ જવું શી રીતે? એક તો ગરીબ ને પાછું અંગ્રેજી આવડે નહીં. વિસા આપે કોણ? એવામાં ગામમાં ભૂતપૂર્વ ફૌજી હાર્ડી (શાહરુખ ખાન) આવે છે. હાર્ડી એ બેકાર લોકોનો ગ્રુપ લીડર બનીને પગપાળા, સમુદ્રમાર્ગે, જંગલ એમ વિવિધ ઈલ્લિગલ તરીકાથી એમને બોર્ડર ક્રૉસ કરાવી લંડન પહોંચાડવા નીકળી પડે છે. આ અતિવિકટ પ્રવાસ દરમિયાન હાર્ડીના દિલમાં મન્નૂ પ્રત્યે કૂણી લાગણી જન્મે છે, પણ મન્નૂને લંડન પહોંચવા સિવાય બીજા કશામાં રસ નથી. રાણીના દેશ સુધી પહોંચવામાં એમણે કેવી કેવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે એ તમારે જઈને જોવાનું.
1970ના દાયકામાં, હાલ જેમની જન્મશતાબ્દી ઊજવાઈ રહી છે તે દેવઆનંદે ઈલ્લિગલ ઈમિગ્રન્ટ્સની સમસ્યા પર ‘દેસ-પરદેસ’ બનાવેલી (દેવઆનંદ, ટીના મુનિમ, પ્રાણ, પ્રેમ ચોપરા, વગેરે). તો આ વર્ષના એપ્રિલમાં મલ્હાર ઠાકર-મોનલ ગજ્જર-હેમિન ત્રિવેદીને ચમકાવતી (ડિરેક્ટર મનીષ સૈની) ‘શુભ યાત્રા’ આવી. પંજાબી ભાષામાં તો આ વિષય પર ઘણી ફિલ્મો આવી છે.
અલબત્ત, આ બધી ફિલ્મને ‘ડંકી’ સાથે સરખાવવાનો આશય નથી, પણ જ્યારે રાજુ હીરાણી-અભિજાત જોશી-કનિકા ઢિલ્લોં જેવા ધુરંધરોએ આ વિષય પર સર્જેલી, બે કલાક ચાળીસ મિનિટની ફિલ્મ જોવા જઈએ ત્યારે, અફ કોર્સ, ખૂબ બધી અપેક્ષા લઈને જઈએ. અપેક્ષા હોય ડિટેઈલિંગની (ફિલ્મમાં એક તબક્કા સુધી તો સર્જકો આપણને રુટ જ કહેતા નથી), થોડા વધુ મર્મ-નર્મની. વચ્ચે વચ્ચે ટુચકા આવ્યા કરે છે, પણ એકસૂત્રતા નથી અને રમૂજમાં ભાગ્યે જ નાવીન્ય છે. હા, વિદેશ જવા જરૂરી એવા IELTS કોચિંગ (નોંધો બમન ઈરાનીને), વિકી કૌશલનો સબ-ટ્રૅક, લંડનમાં એન્ટ્રી, કોર્ટરૂમ સિક્વન્સ મજેદાર બન્યા છે. શાહરુખ-તાપસીની લવસ્ટોરીવાળો પાર્ટ અને એમની જોડી અને શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો, કેમિસ્ટ્રી (હેંહેંહેં) બનતી નથી. એન્ડ ટાઈટલ્સમાં ગેરકાયદે જતા ભારતીય ઈમિગ્રન્ટસના આંકડા, હૈયું બેસી જાય એવી તસવીરો સાથે આપવામાં આવ્યા છે.
ફિલ્મમાં કલાકારો ચમકે છે અને સરસમજાની આવતી કાલનાં સપનાં સાકાર કરવા ગમે તે હદે જતા યુવાનોની બેહાલીનો ચિતાર મળે છે. પરંતુ પટકથા નિરાશ કરે જ છે, અરે, અમુક જગ્યાએ તો કઢંગી લાગે છે, જે રાજુ હીરાણી ઍન્ડ કંપની પાસેથી અપેક્ષિત ન હોય.
ટૂંકમાં ‘ડંકી’ સરેરાશ અને સ-રસની બોર્ડર પર છે. ફિલ્મના સંદર્ભમાં આજકાલ સોશિયલ મિડિયા પર આજકાલ એક શબ્દ સતત અથડાતો રહે છે એ વાપરીને કહીએ તો, ડિસન્ટ વન-ટાઈમ વૉચ છે.