રાબેતા મુજબ ૨૯ જૂને ફિલ્મ જર્નલિસ્ટ, મિત્ર દિલીપ ઠાકૂરનો મેસેજ આવી ગયોઃ “દેવ આનંદની ‘દેસ પરદેસ’ની રિલીઝને આજે ૪૬ વર્ષ થયાં.”
વૉટ્સઍપના એ નોટિફિકેશન-રણકારે મસ્તિષ્કમાં કંઈકેટલી સ્મૃતિ રણઝણાવી દીધી. સંયોગથી ૩૦ જૂને દેવ આનંદના પુત્ર સુનીલ આનંદનો ૬૯મો જન્મ દિવસ ગયો. સ્વિત્ઝરલેન્ડના ઝુરીકમાં જન્મેલા સુનીલ પિતા સાથે પંચાવન વર્ષ સાથે રહ્યા, ‘નવકેતન’ની ૧૯ ફિલ્મનાં નિર્માણ સંભાળ્યાં, ‘આનંદ ઔર આનંદ’, ‘કાર થીફ’માં અભિનય કર્યો, ફિલ્મ ડિરેક્ટ પણ કરી. ૨૦૧૧માં દેવ આનંદે લંડનની ‘મેફેર હોટેલ’ના સ્વીટમાં છેલ્લા શ્વાસ લીધા ત્યારે સુનીલ એમની સાથે હતા.
-પણ આપણે વાત કરીએ ‘દેસ પરદેસ’ની. આશરે પોણાત્રણ કલાકની ફિલ્મમાં લગભગ ઈન્ટરવલ વખતે ગામડાંની નિરક્ષર ગૌરી (ટીના મુનિમ)ની એન્ટ્રી થાય છે. નવી વહુનાં લાલચટાક વસ્ત્રમાં સજ્જ લંડન જતી ગભરુ ગૌરીનો પહેલો જ વિમાનપ્રવાસ છે. એની વહારે આવે છે વીર સહાની (દેવ આનંદ). આ હતો ટીના મુનિમ-અંબાણીનો બોલિવૂડપ્રવેશ.
૧૯૭૮માં રિલીઝ થયેલી ‘દેસ પરદેસ’ ઈલ્લિગલ ઈમિગ્રન્ટ્સની કથા-વ્યથા પર બનેલી ફિલ્મ હતી. જાનના જોખમે પરદેશમાં ગેરકાયદે ઘૂસતા વસાહતીઓ વિશેના સમાચાર વાંચીને દેવ આનંદને ફિલ્મ બનાવવાનો આઈડિયા આવ્યો. ૧૯૭૦ના દાયકામાં આ સળગતી સમસ્યા હતીઃ બેરોજગારીથી ત્રસ્ત અને વિદેશની આરામદાયક જિંદગી, હરિયાળા ડૉલર, પાઉન્ડ કમાવાની દેશના યુવાનોની લાલચનો લાભ ભ્રષ્ટ એજન્ટો ઉઠાવતા હતા.
આમ પણ ચકચાર જગાવી ગયેલી ઘટના કે અમુક મુદ્દા દેવ આનંદનું ધ્યાન ખેંચતાં. ઈલ્લિગલ ઈમિગ્રન્ટ્સ વિશેના સમાચાર વાંચ્યા બાદ એમણે રાઈટર સૂરજ સનીમ સાથે મળીને કથા-પટકથા લખીઃ પંજાબના ખેડૂતપરિવારનો સમીર સાહની (પ્રાણ) પાઉન્ડ કમાવા યુ.કે. જાય છે, પણ પછી એના પત્ર-સમાચાર આવતા નથી. મોટા ભાઈની ભાળ મેળવવા વીર સાહની (દેવ આનંદ) લંડન જાય છે, જ્યાં એને ઈસ્ટ ઈન્ડિયાથી ગેરકાયદે યુકેમાં ઘુસાડતા એજન્ટો તથા એના શિકાર બનેલા વસાહતીઓની પીડા વિશે ખબર પડે છે.
તે વખતે દેવ આનંદ ત્રણ ફિલ્મ પર કામ કરી રહ્યા હતા. કોઈ ફિલ્મ-પ્રોડક્શન કંપનીમાં એકસાથે ત્રણ ફિલ્મનું કામકાજ ચાલતું હોય એવી આ વિરલ ઘટના. દરેક ફિલ્મ આનંદભાઈ બનાવી રહ્યા હતાઃ ચેતન આનંદ ‘જાનેમન’ બનાવી રહ્યા હતા, વિજય આનંદ ‘બૂલેટ’ અને દેવ આનંદ ‘દેસ પરદેસ’. આજે પિસ્તાળીસ વર્ષ પછી પણ આ ફિલ્મ એવરગ્રીન લાગે છે, આજે પણ ગેરકાયદે પરદેશ જવાનું ઝનૂન યથાવત્ છે.
દેવ આનંદ, ટીના મુનિમ, પ્રાણ, અજિત, બિંદુ, પ્રેમ ચોપરા, મેહમૂદ, અમજદ ખાન, લંડનના ગોરા સાહેબ મિસ્ટર બાન્સની ભૂમિકામાં ડૉ. શ્રીરામ લાગુ, વગેરે કલાકારોવાળી ‘દેસ પરદેસ’નું જોરદાર જમાપાસું હતું અમીત ખન્નાનાં ગીત ને રાજેશ રોશનનું સંગીત. રાજેશ રોશનની સિનેમાસંગીતની સુરાવલી વહેતી થઈ ૧૯૭૪-૧૯૭૫માં, ‘કુંવારા બાપ’ અને ‘જુલી’થી. ‘નવકેતન’ની ફિલ્મોમાં આમ તો આર.ડી. બર્મનનું મ્યુઝિક હોય, પણ ગીતકાર અમીત ખન્ના નવા આવેલા રાજેશ રોશનને દેવ સાહેબ પાસે લઈ ગયેલા.
‘દેસ પરદેસ’નાં ગીતો એ હદે સુપરડુપર હિટ થયાં કે આજેય સાંભળવાં ગમે છે. રાજેશ રોશને મને એક વાર કહેલું કે “તૂ પી ઔર જી… સોંગનું સ્વરાંકન એમને માટે અઘરું હતું. દેવ સાહેબનો આગ્રહ હતો કે ગીતો સ્ટિરિયોફોનિક સાઉન્ડમાં રેકોર્ડ કરવાં. તૂ પી ઔર જી… પહેલું રેકોર્ડ થયું. મને કંઈ સમજાય નહીં. સદભાગ્યે આર.ડી. બર્મનની ટીમના અનુભવી સ્વરકાર મનોહારીસિંહ અને કેરસી લૉર્ડ રેકોર્ડિંગ રૂમમાં હાજર. એમણે મને સહાય કરી. કિશોરકુમારે પૂરી ઊર્જા કામે લગાડી ગીત રેકોર્ડ કર્યું ને સુપરહિટ થયું. લતા મંગેશકરના સ્વરમાં સંગીતબદ્ધ થયેલું ‘આપ કહે ઔર હમ ન આયે’ પણ ડિફિકલ્ટ કમ્પોઝિશન હતું.”
‘દેસ પરદેસ’ રિલીઝ થઈ ત્યારે એમાં બતાવવામાં આવેલી ‘સૅમ નૅમ પબ’ને પ્રેક્ષકો ઈસ્ટ લંડનની સાચી પબ માની બેઠેલા. એક્ચ્યુઅલી એ પબ આર્ટ ડિરેક્ટર ટી.કે. દેસાઈએ મુંબઈના મેહબૂબ સ્ટુડિયોમાં તૈયાર કરાવડાવેલી. આ માટે એમને બેસ્ટ આર્ટ ડિરેક્ટરનો એવોર્ડ મળેલો.
‘દેસ પરદેસ’ ૨૯ જૂન, ૧૯૭૮ના રોજ રિલીઝ થઈ એ જ દિવસે રાજ કપૂરની ‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’ પણ રિલીઝ થવાની હતી. દેવ સાહેબ ઈચ્છતા હતા કે બન્ને સાથે રિલીઝ થાય, પણ રાજ કપૂરે પોતાની ફિલ્મ વહેલી રિલીઝ કરી કાઢી. મજાની વાત એ કે દેવ આનંદે ‘સત્યમ્ શિવમ્ સુંદરમ’ને ‘ગંદી’ ફિલ્મ કહીને ઉતારી પાડેલી. પત્રકાર વીર સંઘવી એમના પુસ્તક ‘અ રુડ લાઈફ’માં નોંધે છેઃ “દેવ આનંદે એવું કહેલું કે કેમેરા સતત ઝીનત અમાનનાં અંગઉપાંગ પર ફોકસ કરે છે… ઈટસ અ ડર્ટી ફિલ્મ”.