વાહ ભઈ વાહ… આસો માસમાં બીજા નોરતે સમાચાર આવે છે કે આશા પારેખને સો ટચના સોના જેવા પ્યૉર, ભારત સરકારના ‘દાદા સાહેબ ફાળકે એવૉર્ડ’થી સમ્માનિત કરવામાં આવશે. પ્યૉર એટલા માટે કેમ કે આજકાલ અડધો ડઝનથી વધારે પ્રાઈવેટ દાદા સાહેબ ફાળકે એવૉર્ડ મળે છે. હશે. આજે એટલે કે, 30 સપ્ટેમ્બરે, પાટનગરમાં 68મા ‘નેશનલ એવૉર્ડ્સ એનાયત સમારંભ’માં એવૉર્ડ અર્પણ થશે.
પ્રાણલાલ ને બચુભાઈ એમ બે નામ ધરાવતા મહુવાના કપોળ શ્રેષ્ઠી તથા દાઊદી વહોરા સુધાબહેનનું એકમાત્ર સંતાન આશાજી મોહનદાસ કરમચંદ ગાંધી સાથે બર્થ-ડે શૅર કરે છેઃ ૨ ઑક્ટોબર, ૧૯૪૨. આશાબહેનના પિતા પ્રાણલાલભાઈની મુંબઈના સી.પી. ટૅન્ક વિસ્તારમાં પેઈન્ટ હાર્ડવેરની દુકાન હતી. આશા પારેખના દાદાજી મોહનદાસ મોતીલાલ પારેખ એટલે ‘નેક પરવીન,’ ‘જય ગણેશ’ જેવી ફિલ્મોના ફાઈનાન્સર.
પંચાણુંથી વધુ ફિલ્મોમાં કામ કરનારાં તથા ‘સીબીએફસી’ (‘સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન’)નાં ચૅરપર્સન રહી ચૂકેલાં આશાબહેન 1950, 1960ના દાયકામાં હિટ ગર્લ તરીકે પ્રખ્યાત હતા. એમનો ફિલ્મપ્રવેશ બડો ડ્રામેટિક હતો, જે એમણે મને એક લાં….બા ઈન્ટરવ્યુમાં જણાવેલોઃ
૧૯૫૮ની સાલ. ‘રામ રાજ્ય’ તથા ‘બૈજુ બાવરા’ જેવી ફિલ્મના સર્જક વિજય ભટ્ટે લોકપ્રિય ક્લાકાર રાજેન્દ્રકુમાર તથા નવોદિત અભિનેત્રી આશા પારેખને લઈને ‘ગુંજ ઊઠી શેહનાઈ’ બનાવવાનો આરંભ કર્યો. બેએક દિવસ શૂટ થયેલી ફિલ્મ પરદા પર જોતાં એમને લાગે છે કે સોળ વર્ષની આશા જામતી નથી. એમણે આશા પારેખને કહી દીધું, “કાલથી શૂટિંગ પર આવવાની જરૂર નથી. તારું કામ સારું છે, પણ સ્ટારમટીરિયલ તારામાં નથી.”
અમિતા-રાજેન્દ્ર કુમારને ચમકાવતી ‘ગુંજ ઊઠી શેહનાઈ’ સુપર હિટ નીવડી. આ તરફ ‘ફિલ્મિસ્તાન સ્ટુડિયો’ના સહસ્થાપક શશધર મુખરજી અને લેખક-દિગ્દર્શક નસીર હુસેન શમ્મી કપૂરને લઈને ‘દિલ દેકે દેખો’ બનાવવાની જાહેરાત કરે છે. હીરોઈન માટે બે નવા ચહેરાના સ્ક્રીન-ટેસ્ટ લેવાનું નક્કી થાય છેઃ આશા પારેખ અને સાધના.
આશાજી કહે છેઃ “ઍક્ચ્યુઅલી, સ્ક્રીન-ટેસ્ટના દિવસે સાધના આવી જ નહીં એટલે મારા જ શૉટ્સ લેવાયા. બીજી સવારે કહેણ આવ્યું, આપ ‘દિલ કે કે દેખો કી’ હીરોઈન હો. ભૂરી આંખોવાળો ફાંકડો હીરો શમ્મી કપૂર, ઉષા ખન્નાનું દિલડોલ સંગીત અને હીરોઈન તરીકે હું- ફ્રૅશ ચહેરો. મુંબઈના નૉવેલ્ટી થિએટરમાં મેં પપ્પા-મમ્મી સાથે દિલ દે કે દેખોના પ્રીમિયર શોમાં હાજરી આપી. એ રાતે જ હવા જામી ગઈ કે ફિલ્મ અને નવી હીરોઈન સુપર હિટ છે.”
અચ્છા, શમ્મી કપૂર સાથે પહેલી મુલાકાત કેવી હતી?
જવાબ આપતાં આશાબહેન કહેલું, “હું તે વખતે ૧૬-૧૭ વર્ષની. શમ્મીજી સ્ટાર હતા. મને વાંચનનો બેહદ શોખ. નૈનિતાલ, રાણીખેતના ખુશનુમા વાતાવરણમાં ફાજલ સમયમાં હું અમેરિકન નવલકથાકારોની નૉવેલ વાંચતી. શમ્મીજીને પણ વાંચનનો-મ્યુઝિક્નો બેહદ શોખ. અમે નવલક્થાની, ફિલ્મસંગીતની ચર્ચા કરતાં. એમનાં પત્ની ગીતા બાલી પણ શૂટિંગમાં આવતાં. ગીતાજી મારી પર વહાલ વરસાવતાં અને કહેતાં “શમ્મી, આપણે આશાને દત્તક લઈ લઈએ.”
એ રીતે આશા પારેખ માટે ગીતા બાલી આન્ટી હતાં અને શમ્મી કપૂર અંક્લ. કામ કર્યું ત્યાં સુધી બન્ને એક્બીજાને “કૈસે હો, ચાચા?” “બોલો, મેરી ભતીજી” એ રીતે સંબોધતાં.
પહેલી ફિલ્મ સુપર હિટ થયા બાદ શમ્મી કપૂર તો આશા પારેખનો ફેવરીટ હીરો બની ગયો. એમની સાથે બીજી ત્રણ ફિલ્મમાં કામ કર્યું, જેમાં સૌથી જાણીતી હતી: ‘તીસરી મંઝિલ’ (૧૯૬૬).
શમ્મી કપૂરની જેમ ‘દિલ દે કે દેખો’ની સફળતા બાદ આશા પારેખે લેખક-નિર્માતા-દિગ્દર્શક નસીર હુસેનની અનેક ફિલ્મોમાં કામ કર્યું- ‘દિલ દે કે દેખો,’ ‘જબ પ્યાર કિસીસે હોતા હૈ,’ ‘ફિર વોહી દિલ લાયા હૂં,’ ‘તીસરી મંઝિલ,’ ‘બહારોં કે સપનેં,’ ‘પ્યાર કા મૌસમ,’ ‘કારવાં.’
આશાબહેન, ફાળકે એવૉર્ડ માટે ચિત્રલેખાપરિવારનાં આપને ખૂબ ખૂબ અભિનંદન