પંચાતિયાનાં છોકરાં ભૂખે મરે

 

પંચાતિયાનાં છોકરાં ભૂખે મરે

 

પંચાતિયો એટલે પંચાત કરવાની ટેવવાળો. આ પંચાત શબ્દ પંચાયત ઉપરથી આવ્યો છે. ગામમાં અથવા સમાજમાં કોઈ પણ મુદ્દે ચર્ચાઓ કરી એ અંગે મંતવ્ય ઊભું કરવાનું અથવા ચુકાદો આપવાનું કામ પંચ અથવા પંચાયત કરે છે. આમ પંચ અથવા પંચાયતનું કામ જ પારકાની ચિંતા કરવાનું અથવા ચર્ચા કરવાનું છે.

આ અર્થમાં પંચાતિયો એટલે ભાંજગડ કરનાર માણસ. આ પ્રકારના વ્યક્તિ પારકી પંચાતમાં જ રોકાયેલા રહે છે. જેની સાથે એને કાંઇ લેવાદેવા ન હોય એવી બિન ઉપયોગી અને બિન ઉપજાઉ વાતો પાછળ એ સમય બગાડે છે. સ્વાભાવિક છે આમ થવાને કારણે તે પોતે કોઈ પણ પ્રકારનું ઉપજાઉ અથવા પૈસા મળે તેવું કામ કરી શકતો નથી. આવક ન હોય એટલે પાછળ પરિવારની સ્થિતિ હાંડલા કુસ્તી કરે તેવી થાય. આ સંદર્ભમાં આ કહેવત બની છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)