મગ ચોખા ચડી રહેવા

 

       મગ ચોખા ચડી રહેવા

 

ખિચડી ચડવા મૂકી હોય તો મગ અને ચોખા ભેગા કરી એમાં જરૂરી પાણી ઉમેરી એને ધીમા તાપે આગ પર ચડવા દેવાય છે. આગની ગરમી પાણીને ઊકાળે અને તેમાં મગની અથવા તુવેરની દાળ અને ચોખા ધીમે ધીમે પાકતાં જાય, એમાં બે વસ્તુ અગત્યની છે.

પહેલી એને એકદમ તાપ ના આપી દેવાય નહીં તો એ તળિયેથી દાઝે અને ઉપર કાચું રહે. આથી ઊલટું માંડ અને માફકસર તાપથી ચઢે તો ધીરે ધીરે સીજીને દાળ અને ચોખા ચઢીને એકરસ થઈ જાય અને આ ખિચડી ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે. આ કહેવત મગ ચોખા ચઢી રહેવાનો અર્થ ખિચડી ચઢીને તૈયાર થઈ જવી એટલે કે કોઈ પણ વાત એના સમય મુજબ પાકીને તૈયાર થવી તેવો થાય.

આ ઉપરાંત આ કહેવત ખૂબ ભૂખ લાગવી તે અર્થમાં પણ વપરાય છે અને ખૂબ ચાલવાથી કે અત્યંત પરિશ્રમથી થાકીને ટેં.. થઈ જવું એ અર્થમાં પણ વપરાય છે. માણસ થાક્યો હોય અને એને નીંદર આવી જાય તે સ્થિતિમાં પણ આ કહેવત વાપરી શકાય.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)