ઘર ફૂટે ઘર જાય

        ઘર ફૂટે ઘર જાય

 

લોકોના ઘર વિશે એ ઘરમાં રહેતા કુટુંબના સભ્યોને જેટલી માહિતી હોય છે તેટલી બીજા કોઈને નથી હોતી. એ જ રીતે બે ભાગીદારો ભેગા કોઈ ધંધો કરતાં હોય ત્યારે એ ધંધા વિશે તેમજ ધંધાને લગતી જે કોઈ ગુપ્ત માહિતી હોય તે વિશે આ ભાગીદારોને જ ખબર હોય છે. આ કારણથી કુટુંબ અથવા મિત્રતા અથવા ભાગીદારી વિગેરેમાં જ્યારે ખટપટો ઊભી થાય અને અત્યાર સુધી એક સંપ રહી કામ કરતાં કુટુંબના સભ્યો જ એકબીજા સામે થઈ જાય ત્યારે આ મતભેદના કારણે તેમના બધા ભેદ ખૂલી જાય અને પરિણામે બહારનો શત્રુ અથવા પ્રતિસ્પર્ધી જીતી જાય.

ઇ.સ. 1757માં થયેલા પ્લાસીના યુદ્ધમાં સિરાજ-ઉદ-દૌલાની મોટી સેના સામે પ્રમાણમાં ઓછી સંખ્યામાં કહી શકાય એવા અંગ્રેજોએ જીત્યા તેના ત્રણ મુખ્ય કારણો હતા. પહેલું, અંગ્રેજ સેના શિસ્તબદ્ધ અને કેળવાયેલી હતી. બીજું, તેમની પાસે આધુનિક શસ્ત્રો હતા અને ત્રીજું પણ સૌથી અગત્યનું કારણ સિરાજ-ઉદ-દૌલાનો સેનાપતિ મીર જાફર ફૂટી ગયો હતો જેને કારણે મોટી ખુવારીને અંતે સિરાજ-ઉદ-દૌલા હાર્યો અને પ્લાસીની આ જીતથી ઇસ્ટ ઈન્ડિયા કંપની અને અંગ્રેજ સલ્તનતનો મજબૂત પાયો નખાઈ ગયો. ઇતિહાસ નોંધે છે કે પ્લાસીના યુદ્ધમાં 700 અંગ્રેજ સૈનિકો, 100 તોપચી, 2100 ભારતીય સિપાહી, 100 ગનર, 50 નાવિકો અને 8 ગોલંદાજ હતા. તે સામે સિરાજ-ઉદ-દૌલા પાસે 15000 ઘોડેસવાર સૈનિકો અને 35000 ની સેના હતી.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)