![]()
તમાશાને તેડું ના હોય |
માણસ જન્મજાત કૌતુકપ્રિય છે. કુતૂહલ પ્રેરે અને કંઈક ને કંઈક નવું હોય એ બાબત એને હમ્મેશાં આકર્ષિત કરે છે. ભગવદગોમંડલ મુજબ તમાશા શબ્દનો અર્થ થાય ‘ઘણા લોકો જોવા મળે એવો ખેલ અથવા રમત’. આમ, આ પ્રકારની કોઈ ઘટના ઘટી રહી હોય ત્યારે માનવસહજ કુતૂહલ અથવા રસથી પ્રેરાઈને લોકો ભેગા થવા માંડે છે. મદારી અથવા બાજીગર પોતાનું કરતબ બતાવતા હોય કે પછી ભવાઇ કે શેરી નાટક ભજવાતું હોય, ધીરે ધીરે લોકો ભેગા થવા માંડે છે.
આ ભેગા થવાની પ્રક્રિયા સ્વયંભૂ હોય છે. એને માટે કોઈ આમંત્રણપત્રિકા અથવા પાસ છપાવવા પડતા નથી. કોઈને આગોતરું આમંત્રણ પણ આપવું પડતું નથી. એટલે કહેવત પડી ; તમાશાને તેડું ના હોય’. ક્યારેક બે માણસો ઝગડતા હોય ત્યારે પણ એ તમાશો જોવા આજુબાજુ લોકોનું ટોળું ભેગું થતું હોય છે એટલે તે અર્થમાં પણ આ કહેવત વાપરી શકાય.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
