સોનુ સદીઓથી કિમતી ધાતુ રહી છે અને નોટબંધી જેવા સત્તાધીશોના નખરાથી પણ આ મૂડી બચી જતી હોય છે. વચ્ચે વચ્ચે જોકે નોટબંધીની જેમ ઘરેણાબંધી આવવાની છે એવી અફવાઓથી ખાસ કરીને મહિલાઓ બહુ રોષે ભરાઇ રહી છે. નોટબંધીમાં પણ મહિલાઓને જ સૌથી વધુ નુકસાન થયું હતું. તેમણે ખાનગીમાં બચત કરીને રાખી હતી તે બધી ખુલ્લી પડી ગઈ. વૃદ્ધાઓની મરણમૂડી હાથમાંથી જતી રહી હતી. સોનુ પણ એ જ રીતે મરણમૂડીની જેમ અને જીવનના આધારની જેમ સાચવીને રાખવામાં આવે છે.
દુનિયાને કાયમ એ વાતની નવાઈ રહી છે કે ભારતમાં સોનાની ખાણો એટલી નથી, પણ સૌથી વધુ સોનુ ભારતના લોકો પાસે છે. તેનું કારણ એ કે સદીઓથી વેપાર દ્વારા સોનુ અને ચાંદી ભારત આવતા રહ્યા. ભારતના વહાણવટીઓ છેક આફ્રિકા, અરબ દેશો અને અગ્નિએશિયાના દેશોમાં વેપાર કરવા જતા હતા. મરીમસાલા, રેશમ, કાપડ વેચીને આવતા અને બદલામાં સોનુ, ચાંદી, હીરા મોતી લઈને આવતા.
આફ્રિકાની ધરતીમાં ઠેર ઠેર સોનુ અને હીરા ભરેલા છે. પણ તેના પર છે ગાઢ જંગલો. ગાઢ જંગલોમાં રાની પશુઓ ફરતા હોય એટલે આ કિમતી ધાતુઓ કાઢવી સહેલી હોતી નથી. પણ યુગો વીતતા ગયા તેમ ધીમે ધીમે જમીનમાંથી કિમતી ધાતુઓ ખોદાતી રહી છે. બુર્કીના પાસો નાનો દેશ છે અને ગરીબ છે, પણ તેની ધરતીના પેટાળમાં ખજાનો છે. જંગલોની રક્ષા પણ હાલના સમયમાં જરૂરી બની છે એટલે જંગલોમાં વૃક્ષો કાપવા કે ખોદકામ કરવાની મનાઈ છે. પરંતુ ખાનગીમાં ખોદકામ ચાલતુ રહે છે અને તેમાંથી કાચું સોનુ કાઢવામાં આવે છે. કેટલાક ઊંડા જંગલોમાં ઝરણાં વહેતા હોય તે જમીનમાંથી કાચા હીરાને બહાર કાઢતા રહે છે. અહીં તો ખોદકામની પણ જરૂર નથી, માત્ર તળિયેથી કાંપને ટોપલામાં ભરવાનો અને પાણી નીતારીને પથ્થરો, કાંકડા, ખડકના ટુકડામાંથી હીરાનો ટુકડો મળે તો શોધી કાઢવાનો.
પરંતુ હાલના સમયમાં બુર્કીના ફાસોમાં સોનુ ખોદવાનું કામ મોટા પાયે શરૂ થયું છે. સીરિયામાં આઈએસના આતંકવાદીઓ પર ભીંસ વધી તે પછી તેમાંથી ઘણા ભાગીને આફ્રિકા તરફ જવા લાગ્યા હતા. બગદાદીને ઠાર કરી દીધા પછી હવે વધારે આતંકવાદીઓ આફ્રિકાના સહારાના રણના કિનારે આવેલા દેશોમાં જવા લાગ્યા છે. બુર્કીના ફાસોના કેટલાક ગામોના લોકો કહે છે કે ગયા વર્ષે જ કેટલાક આતંકવાદીઓ અહીં આવ્યા હતા. તે લોકોએ આવીને સોનુ નીકળતું હોય તેવા વિસ્તારોમાં જઈને કબજો કર્યો હતો.
સરકારે જંગલોનું રક્ષણ કરવા માટે ચોકિયાતો મૂક્યા હતા, પણ ટ્રકો ભરીને આવેલા આ આતંકવાદીઓ પાસે આધુનિક રાઇફલો હતી. તેમની સામે લડવાનો કોઈ અર્થ નહોતો એટલે ચોકિયાતો નાસી ગયા હતા. સેનાના જવાનો પણ તેમનો સામનો કરી શકે તેમ નહોતા. એક શંકા એવી છે કે સરકાર પણ ખાનગીમાં તેમને કામ કરવા દેવા માગે છે, કેમ કે તેમને હટાવવા માટે છેલ્લા દોઢ વર્ષમાં કોઈ ગંભીર પ્રયાસો થયા નથી.
કબજો જમાવ્યા પછી આતંકવાદીઓએ આસપાસના ગામોના લોકોને બોલાવ્યા. તેમને કહ્યું કે નમાજ પઢો અને પછી કામે લાગો. આસપાસના જંગલોમાં ફરી વળો અને જ્યાંથી સોનુ મળતું હોય તે માટી ખોદીને લાવો. આ રીતે છેલ્લા દોઢેક વર્ષથી આખું તંત્ર ગોઠવાઈ ગયું છે. ગામ લોકો આસપાસના ઉજ્જડ ક્ષેત્રોમાં ફરી વળે છે અને ખાણો ખોદીને કાચું સોનુ લાવે છે. તેને ગાળવા માટે બીજે મોકલી દેવાતું હતું. જોકે શાંતિથી કામ ચાલે છે તેવું પણ નથી. વચ્ચે વચ્ચે હુમલા પણ થાય છે, પણ આતંકવાદીઓ શક્તિશાળી હોવાથી ફરીથી કબજો જમાવી દે છે. સોનુ કાઢીને તેમાંથી આતંકવાદીઓને કમાણી થાય છે, સાથે તેનો ફાયદો સ્થાનિક લોકોને થાય છે એટલે તેમનો સાથ મળે છે. કમાણી થવા લાગી એટલે બુર્કીના ફાસોની સરહદે આવેલા બીજા દેશોમાં પણ આ પ્રવૃતિ ફેલાઈ છે. માલી અને નાઇઝરમાં પણ ગેરકાયદે રીતે સોનાની ખાણો બની ગઈ છે. આંતરરાષ્ટ્રીય એજન્સીઓના અંદાજ અનુસાર વર્ષે 2 અબજ ડૉલરથી વધુનું સોનુ નીકળી રહ્યું છે.
આ નાણાનો ઉપયોગ કરીને સ્થાનિક લોકોને જેહાદમાં જોડવાનું કામ પણ થઈ રહ્યું છે. થોડી મોટી ઉંમરના લોકોને મજૂરીએ લગાડાય છે, જ્યારે યુવાનોની ભરતી જેહાદ માટે કરવામાં આવે છે. તેમને હથિયારો આપીને વધારે વિસ્તારમાં જઈને લોકો પાસે સોનુ કઢાવવાનું કામ થાય છે. લાદેન માર્યો ગયો તે પછી અલ કાયદા વિખેરાવા લાગ્યું હતું. અલ કાયદામાં જોડાવા માટે આફ્રિકામાં સદીઓથી વસી ગયેલા અરબ અને આફ્રિકન મુસ્લિમો પણ આવતા હતા. આ બધા લોકો આફ્રિકા પાછા ફર્યા અને ગેરકાયદે સોનુ કાઢવાના ધંધામાં લાગ્યા હતા. તેમાં હવે આઇએસમાંથી પાછા આવેલા આતંકીઓ પણ જોડાઈ રહ્યા છે.
સોનાની દાણચોરી દુનિયામાં વધશે તેની ચિંતા તો છે જ, પણ બીજી એક ચિંતા પણ વધી રહી છે. સીરિયા, ઇરાક, તુર્કીમાં લડાઇ જેવા માહોલથી નાસીને આવેલા જેહાદી ત્રાસવાદીઓ હવે આફ્રિકામાં જમા થવા લાગ્યા છે. બુર્કીના ફાસો, માલી, નાઇઝર અને પશ્ચિમ આફ્રિકાના ઉજ્જડ દેશોમાં ટોળકીઓ બનવા લાગી છે. સહરાના રણની અસરને કારણે અને પાંખા જંગલોને કારણે વસતિ ઓછી છે. આવી જગ્યાએ હવે સોનુ કાઢવા સાથે ત્રાસવાદી અડ્ડા બની રહ્યા છે. મોટી સંખ્યામાં સ્થાનિક લોકોની પણ ભરતી કરવામાં આવી રહી છે એટલે સરકારી સેનાની સામે ત્રાસવાદી ટોળીઓ મજબૂત બનવા લાગી છે. મધ્યપૂર્વમાંથી ભાગીને આવેલા ત્રાસવાદીઓ માટે અહીં આશ્રય સ્થાન પણ બન્યું છે. પશ્ચિમ આફ્રિકાથી મોરોક્કો થઈને યુરોપમાં ઘૂસી જવું સહેલું છે. તેના કારણે એક નવું જોખમ ઊભું થઈ રહ્યું છે.
બીજી બાજુ સોનાનો ગેરકાયદે વેપાર વધી રહ્યો છે અને દાણચોરી વધી રહી છે. અહીં ભારતે પણ ચિંતા કરવી પડે, કેમ કે દાયકાઓથી ભારતને સોનાની દાણચોરી સતાવતી રહી છે. વચ્ચે વચ્ચે દાણચોરી બંધ થઈ જાય, પણ ફરી પાછી શરૂ થાય. આ વખતે ફરીથી ભારતમાં દાણચોરી શરૂ થાય તેવી શક્યતા છે, કેમ કે કાચુ સોનુ કાઢ્યા પછી તેને ગાળવા માટે ભારતમાં પણ મોકલાઈ રહ્યું છે તેમ માનવામાં આવે છે.
ખાણોમાંથી ગેરકાયદે રીતે કાચું સોનુ કાઢ્યા પછી તેને રિફાઇન કરવું જરૂરી હોય છે. આફ્રિકામાં તેની બહુ વ્યવસ્થા નથી. સોનાને ગાળવા માટે ટોગોમાં મોકલી દેવામાં આવે છે. ટોગોમા સોનુ તૈયાર થાય તે પછી સાઉદી અરેબિયા અને તુર્કી મોકલવામાં આવે છે. ઘણીવાર યુરોપમાં સ્વિત્ઝર્લેન્ડ અને આ તરફ ભારત સુધી પણ મોકલવામાં આવે છે. આ રીતે વર્ષે 50 ટન સોનુ તૈયાર થતું હોવાનું અનુમાન છે. ખાણો બની છે ત્યાં સરકારી સેના પણ જઈ શકતી નથી. 2018માં ગેરકાયદે ખાણો બનવા લાગી પછી સરકારે તપાસ માટે અધિકારીઓને મોકલ્યા હતા, પણ હુમલા કરીને તેમને ભગાડી દેવાયા હતા. જોકે હવે સેટેલાઇટની સુવિધા ઉપલબ્ધ છે, એટલે આકાશમાંથી કેટલીક તસવીરો લેવામાં આવી હતી. આ તસવીરો પરથી ખ્યાલ આવે છે 2200 જેટલી ખાણો બની ગઈ છે. તેમાંથી બુર્કીના ફાસોના 25 ચોરસ કિમીના વિસ્તારમાં જ લગભગ 1000 સોનાની ખાણો ખોદી દેવામાં આવી છે. બુર્કીના ફાસોના ખનીજ મંત્રાલયના મંત્રી ઓમર ઇદાણીના જણાવ્યા અનુસાર ઇસ્લામી ત્રાસવાદીઓએ કેટલીક ખાણોમાં કબજો કરી લીધો છે. સંરક્ષિત વન વિસ્તારમાં તેઓ ઘૂસી ગયા છે અને બાળકો પાસે ત્યાં કામ કરાવાય છે.
ટોગોમાં સોનાની ખાણો એટલી નથી, પણ ત્યાંથી સોનાનો વેપાર મોટા પાયે થાય છે. તેનો અર્થ એ જ થયો કે ગેરકાયદે સોનુ સૌ પહેલાં અહીં જ પહોંચે છે. ઘાના, નાઇઝરના વેપારીઓ પણ મોટા પાયે ગેરકાયદે સોનુ ખરીદે છે અને પછી તેને દુનિયાભરમાં પહોંચતું કરવાનું કામ કરે છે. દરિયો પાર કરીને સામે જ આવેલા સાઉદી અરેબિયામાં સૌથી વધુ સોનુ પહોંચે છે. સાઉદીમાં રિફાઇનરીઓ ધમધમતી રહે છે અને સોનાની લગડીઓ તૈયાર થાય છે. તે જ સોનુ પછી વેચાવા માટે દુબઇ, અબુ ધાબી, મસ્તક, કુવૈતમાં પહોંચે છે. 2018માં સંયુક્ત આરબ અમિરાતે 7 ટન સોનુ આયાત કર્યું હતું. તેની સાથે સાથે ગેરકાયદે સોનુ કેટલું વેચાયું હશે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.
ભારતના પ્રવાસીઓ પણ દુબઇ જાય ત્યારે ત્યાંથી સોનાના આભૂષણો ખરીદી લાગે છે. કેટલાક તો નિયમિત ખેપ મારે છે. જતી વખતે કોરા જવાનું અને આવતી વખતે આખા શરીરે સોનાના ઘરેણાં પહેરેલા હોય. ગેરકાયદે સોનુ રિફાઇન કરવા સાઉદી અરેબિયા આવે છે, પણ સત્તાવાર રીતે તે સોનાની ખરીદી સંયુક્ત આરબ અમિરાતમાંથી કરે છે. સ્વિટ્ઝર્લેન્ડ અને ભારતની પણ સોનાની સત્તાવાર ખરીદી દુબઇ વગેરેમાંથી વધારે થાય છે. તેની સાથોસાથ કેટલું ગેરકાયદે સોનુ ખરીદાતું હશે તેનો કોઈ અંદાજ નથી. સાથે જ અરબ દેશોમાંથી દરિયા માર્ગે ગુજરાત અને મુંબઇ સુધી કેટલી દાણચોરી થતી હશે તેનો અંદાજ પણ લગાવવો મુશ્કેલ છે.
શું હવે સરકાર એવું બહાનુ કાઢશે કે ઇસ્લામી આતંકવાદીઓ સોનાના વેપારથી તગડાં થઈ રહ્યાં છે. તે સોનુ ભારતમાં દાણચોરીથી પહોંચે છે અને તેની કમાણી ત્રાસવાદીઓના હાથમાં થાય છે. આ અટકાવવા માટે નોટબંધી જેવી સોનાબંધી આવશે?