સાબૂ દસ્તગીરઃ હૉલીવૂડમાં અસલી ભારતીય હીરો

દીપિકા પદુકોણ ફરી એક વાર અમેરિકા જઈને હૉલીવૂડની ફિલ્મ કરવાની છે. આ અગાઉ તે ટ્રિપલ એક્સઃ રિટર્ન ઑફ જેન્ડર કેજ નામની ફિલ્મ કરી ચૂકી છે. પ્રિયંકા ચોપરા તો હવે હૉલીવૂડમાં જ સ્થાયી થઈ ગઈ છે. ક્વૉન્ટિકો ટીવી સિરિયલમાં તેની મુખ્ય ભૂમિકા વખણાઇ હતી અને અમેરિકામાં તે જાણીતી થઈ હતી. પછી ‘બે વૉચ’ જેવી ફિલ્મો પણ આવી. અનુપમ ખેર પણ હાલમાં અમેરિકામાં એક સિરિયલમાં કામ કરી રહ્યા છે. તેમણે ભારત આવીને તે માટે બહુ ગૌરવ સાથે વાત કરી હતી કે મધ્યમ વર્ગનો એક છોકરો અમેરિકા જઈને ડૉલર કમાઈ રહ્યો છે.

હૉલીવૂડમાં બીજા પણ કેટલાક ભારતીય કલાકારો કામ કરે છે અને અગાઉ કરી ચૂક્યા છે, પણ બહુ જૂના સમયે, જ્યારે ભારતમાં પણ હજી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તૈયાર થઈ રહી હતી ત્યારે અનુપમ ખેર કરતાંય ગરીબ ઘરનો એક યુવક અમેરિકા જઈને ફિલ્મો કરતો થયો હતો. તેનું નામ હતું સાબૂ દસ્તગીર, મહાવત પરિવારનો ગરીબ છોકરો હતો. મૈસુરુના મહારાણા પ્રથમથી જ હાથીઓ રાખતા હતા. વિશાળ હસ્તદળ તેઓ નિભાવતા, સેના માટે પણ અને મંદિર માટે પણ. મૈસુરુની દશેરાની શોભાયાત્રા આજેય આકર્ષણ જમાવે છે.

1924માં જન્મેલો સાબૂ દસ્તગીર નાનપણથી જ હાથીને પાળતા અને સાચવતા શીખી ગયો હતો. તેના પિતા મહાવત હતા અને સાબૂ નવ વર્ષનો હતો ત્યારે જ અવસાન પામ્યા હતા. તેના કાકા પણ મહાવત તરીકે મેસુરુ દરબારમાં કામ કરતા હતા એટલે સાબૂના પરિવારને પણ રાજદરબારમાંથી નિભાવ મળતો રહ્યો હતો.

1936માં ઇંગ્લેન્ડના ફિલ્મ નિર્માતા એલેક્ઝાન્ડર કોર્ડાએ ભારતની ડૉક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવવા માટે રોબર્ટ ફ્લેહર્ટીને ભારત મોકલ્યા હતા. મૈસુરુના હસ્તદળ વિના ભારતનું શુટિંગ અધૂરું ગણાય એટલે તેઓ ખાસ મૈસુરુ આવ્યા હતા. મેસુરુના મહારાજા પાસે ત્યારે 200 હાથી હતા. અંગ્રેજો દાયકાઓથી ભારતમાં રહેતા હતા, પણ તોય આવા નજારા તેમને નવાઈ પમાડતા. હાથીઓનું શુટિંગ કરવાનું હતું એટલે હાથીઓ સાથે સાબૂના મહાવત કાકા અને સાબૂ પોતે પણ જોડાયો હતો. બારેક વર્ષનો બાળક હાથીઓને જે રીતે સંભાળતો હતો તે જોઈને ફ્લેહર્ટીને બહુ નવાઈ લાગી હતી.

એલેક્ઝાન્ડર કોર્ડા ધ અલિફન્ટ બૉય નામની ફિલ્મ બનાવવા માગતા હતા. ફ્લેહર્ટીને લાગ્યું કે સાબૂ તેમાં બંધબેસતો આવે છે. તેમણે કોર્ડાને વાત કરી અને સાબૂને ઇંગ્લેન્ડ લઈ જવાનું નક્કી થયું. સાબૂ હાથી સંભાળી શકતો હતો, અને દેખાવે હીરો જેવો હતો, પણ તેને ફિલ્મમાં અભિયન માટે તૈયાર કરવો પડે. સાબૂ પાછળ મહેનત કરીને તેયાર કરવામાં આવ્યો અને તેને એલિફન્ટ બૉય તરીકે ફિલ્મમાં લઈને ફિલ્મ બની પણ ખરી. તે સાથે જ સાબૂના ભાગ્ય સાબુથી થયા હોય તેવા ચકચકિત થઈ ગયા.

1937માં સાબૂ અને તેનો ભાઈ ઇંગ્લેન્ડ પહોંચ્યા. સાબૂ નાનો હોવાથી મોટા ભાઈને સાથે મોકલવામાં આવ્યો હતો. એકાદ વર્ષમાં ફિલ્મ તૈયાર થઈ ગઈ અને તે જ દરમિયાન તેનું કામ જોઈને બીજી પણ એક ફિલ્મ ડ્રમમાં તેને લેવામાં આવ્યો. ફિલ્મ સફળ રહી એટલે નિર્માતા કોર્ડાએ વધુ એક ફિલ્મનું પ્લાનિંગ કર્યું. તે ફિલ્મ બનવાની હતી મશહૂર ધ થીફ ઑફ બગદાદ.

1940માં થીફ ઑફ બગદાદ શરૂ થઈ હતી, પણ તેમાં વિઘ્નો આવવા લાગ્યા. ત્રણેક ડિરેક્ટર બદલાયા અને ત્યાં સુધીમાં વિશ્વ યુદ્ધની શરૂઆત થઈ ગઈ હતી એટલે બીજી મુશ્કેલીઓ પણ શરૂ થઈ. આખરે લાગ્યું કે અહીં ફિલ્મ પૂરી નહિ થાય એટલે અમેરિકા જઈને બાકીનું કામ પૂરું કરવાનું નક્કી થયું. તે રીતે સાબૂ પણ બધાની સાથે હૉલીવૂડ પહોંચ્યો હતો.

ફિલ્મ સુપરહિટ ગઈ હતી અને સાબૂ આઠ દાયકા પહેલાં હૉલીવૂડમાં જાણીતો હીરો બની ગયો હતો. તે એશિયન મૂળનો હતો એટલે તેને ધ્યાનમાં રાખીને બીજી બે ફિલ્મો બે વર્ષમાં બની. અરેબિયન નાઇટ્સ અને જંગલ બૂક. આ બંને ફિલ્મો પણ એગ્ઝોટિક લાગી અને સફળ પણ રહી. 1943માં સાબૂ અને તેનો ભાઈ અમેરિકન નાગરિક બની ગયા. તે વખતે બીજા યુદ્ધને કારણે સેનામાં છૂટથી ભરતી થતી હતી. સાબૂ પણ એર ફોર્સમાં જોડાયો. 11 મહિનાની તાલીમ પછી તેને સેનામાં સ્થાન મળ્યું હતું અને સારી કામગીરી માટે બાદમાં ક્રોસ પણ મળ્યો હતો.

જોકે ફિલ્મો છોડીને સેનામાં જવાના કારણે તેની ફિલ્મ કરિયરમાં ગેપ પડી ગયો. અમેરિકામાં ત્યારે પણ બહુ ઝડપથી જમાનો બદલાઈ રહ્યો હતો. સેનામાંથી પરત આવ્યા પછી 1948માં તેમણે મર્લિન કૂપર નામની અભિનેત્રી સાથે લગ્ન કર્યા અને ઠરીઠામ થયો, પણ ફિલ્મોમાં હવે ઠરીઠામ થવાય તેમ લાગતું નહોતું.

ફિલ્મો હવે મળે તેમ લાગતું નહોતું. થીફ ઓફ બગદાદ અને અરેબિયન નાઇટ્સ જેવા વિષયો હવે ખૂટી પડ્યા હતા. સાબૂ ફરીથી ઇંગ્લેન્ડ પહોંચ્યો અને યુરોપના એક જાણીતા સર્કસમાં તે જોડાયો. સાબૂ ફિલ્મ હીરો તરીકે ઠીક ઠીક જાણીતો હતો, એટલે સર્કસમાં તેને જોવા લોકો પડાપડી કરતા હતા. સર્કસના મુખ્ય આકર્ષણ તરીકે સાબૂને પૈસા સારા મળતા હતા, પણ હીરો બનેલા અને સેનામાં કામ કર્યા પછી તેને સર્કસમાં કામ કરવામાં મજા પડતી નહોતી.

ફરીથી હૉલીવૂડમાં કામ કરવા અમેરિકા આવ્યો અને વૉલ્ટ ડિઝનીની ફિલ્મ અ ટાઇગર વૉક્સથી પુનરાગમન થશે તેવી આશા હતી. પણ તે ફિલ્મ આગળ જ વધતી નહોતી. દર્શકોના બદલાયેલા ટેસ્ટથી પ્રાણીજગત અને અજબ દુનિયાની ફિલ્મો બહુ ચાલતી પણ નહોતી. થીફ ઑફ બગદાદ અને અરેબિયન નાઇટ્સ જેવી સફળતા તે પછી બીજી ફિલ્મોને મળી નહી. સાબૂ માટે હવે મુશ્કેલીની શરૂઆત થઈ હતી. તે શ્વેત હિરો તરીકે ચાલે તેમ નહોતો અને એશિયન થીમ સાથેની ફિલ્મો બનતી નહોતી અને બનતી હતી તો ચાલતી નહોતી.

કમાણીનું સારું રોકાણ કરવા અને સ્થિર આવક માટે સાબૂએ મોટા ભાઈને સ્ટોર ખોલી આપ્યો હતો. પણ સ્ટોર પર લૂંટારાએ હુમલો કર્યો અને ભાઈની હત્યા થઈ ગઈ. સાબૂને આ મોટો ફટકો હતો. બીજી બાજુ કોર્ટ કેસનું ચક્કર શરૂ થયું, કેમ કે ઇંગ્લેન્ડની એક અભિનેત્રીએ દાવો કર્યો કે સાબૂ સાથે તેના સંબંધો છે અને તેનાથી તેને એક દીકરી થઈ છે. દાવો સાચો ઠર્યો નહિ, પણ સાબૂ માટે મુશ્કેલીઓ વધી રહી હતી. કમાણી હતી અને નુકસાની થઈ રહી હતી. ભાઈનું ખૂન થયું તે પછી તેના ઘરમાં આગ લાગી. ફરી એકવાર એવો કેસ થયો કે વીમાની રકમ મેળવવા માટે જાતે જ આગ લગાવી હતી.

મૈસુરુના મહાવત પરિવારનો દીકરો 12 વર્ષની ઉંમરે ઇંગ્લેન્ડ ગયો અને ફિલ્મનો હિરો બની ગયો. ત્યાંથી હૉલીવૂડ ગયો અને ત્યાં પણ સફળ થયો. કોઈ ફિલ્મની કલ્પના જેમ જ તેનું જીવન ચાલી રહ્યું હતું, પણ હવે ફિલ્મમાં આવતી ટ્રેજેડી પણ હવે શરૂ થઈ હતી. નાની ઉંમરે સફળતા પછી નાની ઉંમરે જીવનનો અંત પણ આવી ગયો. 39 વર્ષની ઉંમરે 1963માં હાર્ટ એટેકથી સાબૂનું અવસાન થયું. તેના એક વર્ષ પછી ટાઇગર વૉક્સ ફિલ્મ રિલિઝ થઈ, પણ તેના આધારે હૉલીવૂડમાં કારકિર્દી આગળ વધારવા માટે સાબૂ જીવતો નહોતો. હિન્દી ફિલ્મની જેમ જ નાટકીય ચઢાવ ઉતાર સાથેના તેના અસલી જીવનનો અંત આવી ગયો હતો.