વૉટ્સએપ પર ટેક્સ લાગ્યો અને વડા પ્રધાનની સત્તા ગઈ

લેબેનોનની આ વાત છે, જેના સમાચારો આવ્યા હતા, પણ પછી બહુ ચર્ચા થઈ નહોતી. વૉટ્સએપ પર લેબેનોનની સરકારે ટેક્સ નાખ્યો હતો અને તેનો ભારે વિરોધ યુવાનોએ કર્યો હતો. બીજા કારણોસર પણ લોકો પરેશાન હતા, તેમાં હાથવગું બની ગયેલું વૉટ્સએપ પણ મોંઘું થયું એટલે યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા. સરકાર ભીંસમાં આવી ગઈ અને ટેક્સ પાછો ખેંચી લેવાની જાહેરાત કરી.

મામલો ત્યાં પૂરો થઈ ગયો નહિ. એકવાર રસ્તા પર ઉતરેલા અને સરકારને ભીંસમાં લેનારા લોકોને લાગ્યું કે જનાક્રોશ બહુ અસરકારક સાધન છે. શેરીમાં આંદોલનમાં બીજા લોકો પણ જોડાવા લાગ્યા અને મામલો વધુ વિકટ બની ગયો. તેના કારણે આખરે 29 ઑક્ટોબરે વડા પ્રધાન અલ-હરીરીએ રાજીનામું આપી દેવું પડ્યું. પણ સવાલ એ થાય છે કે લેબેનોનમાં એવી કેવી સ્થિતિ થઈ કે નાના ટેક્સમાંથી વિરોધ જાગ્યો અને સત્તા પરિવર્તન થયું.

લેબેનોન મુસ્લિમ દેશો વચ્ચે એ રીતે અલગ પડી આવે છે કે તેની શાસન વ્યવસ્થામાં બધા ધર્મો અને પ્રંથોને પ્રતિનિધિત્વ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આવી જોગવાઈ અને સત્તાની વહેંચણી પછીય સમસ્યાઓનો અંત આવ્યો નથી. લેબેનોનમાં શિયા અને સુન્ની મુસ્લિમો લગભગ લગભગ સરખી સંખ્યામાં છે. બંનેની થઈને 50થી 55 ટકા જેટલી વસતિ છે. 40 ટકા વસતિ ખ્રિસ્તીઓની છે. પાંચથી સાત ટકામાં પ્રાચીન કબિલા, આદિજાતીના લોકો છે.

વડા પ્રધાન અલ-હરીરી

બધા જ પંથો વચ્ચે સુલેહ જળવાઈ રહે તે માટે એવું બંધારણ કરવામાં આવ્યું છે કે રાષ્ટ્રપ્રમુખ તરીકે ખ્રિસ્તી રહે, વડા પ્રધાન તરીકે સુન્ની મુસ્લિમ અને સ્પીકર તરીકે શિયા મુસ્લિમ રહે. 1975થી 1990 વચ્ચે ગૃહયુદ્ધ ચાલ્યું પછી કાયમી શાંતિ માટે આવી વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે ત્રણ દાયકા પછીય સ્થિતિમાં સુધારો થયો નથી અને સાંપ્રદાયિક શાંતિ રહી છે, પણ વહીવટ ખાડે ગયો છે. તેથી નાગરિકો હવે આ સિસ્ટમને પણ બદલવા માગે છે.

કદાચ દેખાવો આગળ વધ્યા તેની પાછળ પ્રજાની આ લાગણી પણ હતી. દેશના સર્વોચ્ચ હોદ્દાઓ કોમના ધોરણે વહેંચી દેવાથી દેશનો વિકાસ થયો નથી. આ જૂથો મજબૂત થયા અને પોતાની મજબૂતી જાળવી રાખવા પોતાના ટેકેદાર વિદેશીઓની કાયમ ભેર કરતા રહ્યા છે. એવું માનવામાં આવે છે કે સુન્ની કોમના રાજકીય પક્ષો સાઉદી અરેબિયાના ટેકાથી ચાલે છે, શિયાઓની હિઝબુલ્લા અને અમલ એવી પાર્ટીઓ છે, તેને ઈરાનમાંથી ટેકો મળતો રહે છે, જ્યારે ખ્રિસ્તીઓની નજર હંમેશા ફ્રાન્સ અને બીજા ખ્રિસ્તી દેશો તરફ હોય છે. લોકો કહે છે કે આમાંથી એકેયની નજર દેશ તરફ તો હોતી જ નથી.

ટેક્સ દૂર કરવાની માગણી કરનારાની જગ્યાએ હવે શેરીઓમાં એવા લોકો ઉતરી આવ્યા છે, જેમની માગણી બંધારણમાં ફેરફારોની છે. સોશ્યલ મીડિયા પર ટેક્સ દૂર કરવા યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા ત્યારે સરકાર ભીંસમાં આવી. લોકોને લાગ્યું કે સરકારને ભીંસમાં લેવાનો આ સારો માર્ગ છે. તેથી યુવાનો સાથે ધીમે ધીમે પ્રજાના બધા વર્ગના લોકો જોડાતા ગયા છે. લોકોને લાગે છે કે હવે સરકાર પરની ભીંસ ઓછી કરીશું તો હતા ત્યાંને ત્યાં પહોંચી જશું. તેથી બંધારણ સહિત આમૂલ પરિવર્તન માટેની અને વર્તમાન બધા જ સત્તાધીશો સત્તા પરથી હટે તેવી માગણી થવા લાગી છે.

મૂળ મામલો શરૂ થયો 17 ઑક્ટોબરે. હજી એક વર્ષ પહેલાં જ સત્તા પર આવેલા સાદ અલ-હરીરીએ સરકારી આવક વધારવા આ નુસખો અપનાવ્યો હતો. આ વખતે ઉનાળામાં લેબેનોનના જંગલોમાં દવ લાગ્યો અને તેને ઠારવો મુશ્કેલ બન્યો હતો. તેના કારણે ભારે આર્થિક નુકસાન થયું હતું. આમ પણ તંગીમાં ચાલી રહેલું અર્થતંત્ર વધારે ભીંસમાં આવ્યું. અધિકારીઓ કહે છે કે સરકારી તીજોરીની સ્થિતિ સુધારવા આવક વધારવી જરૂરી હતી.

બીજી કોઈ જગ્યાએ ટેક્સ નાખવાની ગુંજાઈશ હતી નહિ, તેથી લોકો શોખથી સોશ્યલ મીડિયા વાપરે છે તેમ સમજીને તેના પર ટેક્સનું નક્કી થયું. વૉટ્સએપ યુઝર્સ પર સીધો મહિને ભારતીય રૂપિયા પ્રમાણે 500 રૂપિયા જેટલો ટેક્સ લગાવાયો.

તે સાથે જ 17 ઓક્ટોબરથી દેખાવો શરૂ થયા. અર્થતંત્ર મજબૂત કરવાનો વાયદો કરીને આવેલા અલ હરીરીને સમજ નહોતી કે અર્થતંત્ર મજબૂત કેમ થાય. તેમણે સોશ્યલ મીડિયા પર ટેક્સ નાખ્યો (આ નોટબંધી જેવું કહેવાય, સમજ વિના પગલું લેવાથી બીજે નુકસાન થાય.) અને સામાજિક અસંતોષ જે સોશ્યલ મીડિયામાં બળાપા કાઢીને કે કટાક્ષ કરીને વ્યક્ત થતો હતો તે શેરીઓમાં ઉતરી આવ્યો. 29 ઑક્ટોબરે તેમને રાજીનામું આપી દેવાની ફરજ પડી.

આર્થિક સ્થિતિ આમ પણ ખરાબ હતી. લેબેનોનનું ચલણ પાઉન્ડ તરીકે ઓળખાય છે. એક ડૉલર સામે લેબેનોની પાઉન્ડનું મૂલ્ય 1500નું થઈ ગયું છે. સતત દસ વર્ષથી મૂલ્ય ધસાઇ રહ્યું છે. લેબેનોન પાસે હવે ડૉલર વધ્યા જ નથી એટલે બેન્કોએ ડૉલરને દેશની બહાર જતો અટકાવવો પડ્યો છે. બેરોજગારીનો દર 30 ટકા થઈ ગયો છે. 29 વર્ષ સુધીના દર ત્રણ યુવાનોમાંથી બે બેકાર છે અને એકને રોજગારી મળે છે.

બેકાર યુવાનોએ રાજધાની બૈરુતમાં વિરોધ પ્રદર્શનો કર્યા. બીજા શહેરોમાં પણ દેખાવો ફેલાયા અને 24 કલાકમાં જ ભીંસમાં આવી ગયેલી સરકારે ટેક્સ પાછો ખેંચી લેવાની જાહેરાત કરવી પડી.

જોકે 24 કલાક પણ મોડું થઈ ગયું કહેવાય, કેમ કે લોકોનો રોષ બરાબરનો પ્રગટ થયો હતો. હવે બીજા મુદ્દા પણ તેમાં ભળવા લાગ્યા. બેરોજગારી અને શાસકોના ભ્રષ્ટાચારનો મુદ્દા પણ સૂત્રોમાં દેખાવા લાગ્યા. મુદ્દા ભળ્યા તે રીતે દેખાવો કરવામાં બધા વર્ગના લોકો પણ ભળવા લાગ્યા.

29 ઑક્ટોબરે વડા પ્રધાને રાજીનામું આપ્યું ત્યારે ખ્રિસ્તી રાષ્ટ્રપ્રમુખ મિશેલ એવોને એવો વાયદો કર્યો હતો કે બધા જ મુદ્દા પર વિચાર કરાશે. જોકે લોકો હવે રસ્તા પરથી હટવાનું નામ નથી લઈ રહ્યા. જનતાની માગણીઓ વધી રહી છે. અલ હરીરીએ રાજીનામું આપવું પડ્યું તેથી જનતાને લાગે છે કે સાથોસાથ પરિવર્તનની જરૂર છે તેની માગણીઓ પણ હવે મનાવી લેવી પડે. હવે વડા પ્રધાનની સાથે રાષ્ટ્રપ્રમુખ અને સ્પિકરને પણ રાજીનામાં આપી દેવાની માગણીઓ થઈ રહી છે.

પ્રદર્શનકારીઓને લાગે છે કે આ બધા એકના એક છે. જો ઢિલું મૂકવામાં આવશે તો થોડા વખતે પછી આ જ સ્થાપિત હિતો પાછા સત્તામાં બેસી જશે. નવો વડા પ્રધાન આવશે, પણ તે સ્થાપિત હિત ધરાવતા જૂથમાંથી જ હશે. તેથી બધા જ વર્તમાન સત્તાધીશો રાજીનામાં આપે અને વચગાળામાં સત્તા એક સંયુક્ત સમિતિને સોંપવામાં આવે તેવી માગણી થઈ રહી છે.

રાજકીય પક્ષોના બદલે સમાજના અગ્રણીઓ, વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોની એક સમિતિ બને, દેશની સ્થિતિ સુધારવા માટે બંધારણમાં સુધારા લાવે, ટોચના હોદ્દો કોમની રીતે વહેંચી દેવાયા છે તે બંધ કરીને લોકોની પસંદગી જેના પર ઉતરે તે નેતા સર્વોચ્ચ હોદ્દા પર બેસે વગેરે જેવી માગણીઓ થઈ રહી છે. સાથે જ દેશને આર્થિક કટોકટીમાંથી બહાર લાવવા માટેની લાંબા ગાળાની યોજના બને, પાણી અને વીજળી જેવી માળખાકીય સુવિધા માટેની યોજનાઓ પણ સમિતિ ઘડે અને ભવિષ્યના નેતાઓ તેને અનુસરે તેવી માગણીઓ પણ થઈ રહી છે.

વૉટ્સએપ પર ટેક્સને કારણે જાગેલા તોફાનોમાંને કારણે અત્યારે તો વડા પ્રધાને રાજીનામું આપવું પડ્યું છે. સત્તા પર હજીય રહેલા નેતાઓ પણ ભીંસમાં છે, કેમ કે શેરીમાં વ્યક્ત થઈ રહેલો પ્રજાનો રોષ હજીય શમી રહ્યો નથી. જોકે સત્તા પર ચૂસ્ત રીતે બેસેલા સ્થાપિત હિતો આ બળવાને સફળ થવા દેશે કે કેમ તે નક્કી નથી. વિરોધ પ્રદર્શનોને હમણાં મહિનો થવા આવશે. કેટલો લાંબો સમય જનતા રસ્તા પર દેખાવો કરતી રહેશે. બીજું બધા જ રાજકીય પક્ષોનો વિરોધ છે અને તદ્દન નવી નેતાગીરી ઊભી થાય તે માટેના પ્રયાસો છે, તે પણ મુશ્કેલ સાબિત થઈ શકે છે. પરંતુ અત્યારે સોશ્યલ મીડિયા પરનો વેરો સામાજિક અસંતોષનું કારણ બન્યો છે અને રાજકીય હલચલ મચાવી રહ્યો છે એટલું નક્કી.