શ્રીલંકામાં ચર્ચ પર આત્મઘાતી ત્રાસવાદીઓએ હુમલો કર્યો તેમાં 250 જેટલા માર્યા ગયા. શ્રીલંકાની સરકારે આખરે ત્રાસવાદીઓ સામે કાર્યવાહી કરી અને શનિવારે સવારે એક મકાનમાં પૂરાયેલા ત્રાસવાદીઓના જૂથે બોમ્બ ધડાકો કરીને પોતાનું જ મકાન ઊડાવી દીધું. તેમાં ચાર આત્મઘાતી ત્રાસવાદીઓ અને છ એક બાળકો સહિત 15 માર્ય ગયા હોવાનું જણાવાયું હતું. પૂર્વ લંકામાં એક મકાનમાં હુમલાખોરો છુપાયા હોવાની બાતમીને આધારે લશ્કરી દળોએ કાર્યવાહી શરૂ કરી હતી. શુક્રવારે રાત્રે જ મકાનને ઘેરી લેવાયું હતું. સામસામે ગોળીબાર પણ થયા હતા અને તેમાં પણ એક ત્રાસવાદી માર્યો ગયો હતો. બાદમાં શનિવારે સવારે પકડાઈ જશું તેવું લાગવાથી વિસ્ફોટ કરી દેવાયો હતો.
બાતમીના આધારે આ કાર્યવાહી થઈ શકી તો અગાઉ બાતમીના આધારે કેમ કાર્યવાહી ના થઈ તે સવાલ હજી પણ શ્રીલંકામાં પૂછાઈ રહ્યો છે. હકીકતમાં શ્રીલંકામાં જેહાદી આતંકવાદીઓ હુમલો કરવાની ફિરાકમાં છે તેવી માહિતી ગુપ્તચરોને મળી હતી. ભારત માત્ર પાકિસ્તાનમાં જ નહિ, સમગ્ર એશિયામાં જેહાદી તત્ત્વો સક્રિય હોય તેના પર નજર રાખે છે. ભારતને માહિતી મળી હતી કે કેટલાક તત્ત્વો શ્રીલંકામાં બોમ્બ ધડાકા કરવાના છે. આવી પાકી માહિતી નામ અને ફોન નંબર સાથે ભારતે આપી હતી અને છતાં કશું થયું નથી. બાતમી પ્રમાણે બચાવની કોઈ કામગીરી ના થઈ અને વિસ્ફોટોમાં શ્રીલંકાના 250થી વધુ નાગરિકોનો ભોગ લેવાઈ ગયો.
સૌથી મોટો વિવાદ એ ચાલ્યો છે કે કેમ નેતાઓએ બાતમી છતાં કાર્યવાહી ના કરી. ભારતમાં રાષ્ટ્રીય સલામતીના મુદ્દે રાજકીય સર્વસંમતિ ઊભી કરવાની ચર્ચા એટલે જ કરવા જેવી છે. કેમ કે ગુપ્તચર માહિતી મળી હોય અને છતાં હુમલો ના અટકાવી શકાયો હોય તેવું ભારતમાં પણ બન્યું છે. સલામતીના મુદ્દે રાજકારણ વચ્ચે ના આવે, નેતાઓના અહમ આડે ના આવે અને નાગિરકોની સુરક્ષા માટે મામલો સલામતી દળો પર છોડી દેવામાં આવે તેવું કરવું બહુ જરૂરી છે. શ્રીલંકામાં તેનો નમૂનો આપણને મળી ગયો છે.
શ્રીલંકામાં પ્રમુખ અને વડાપ્રધાનને જરાય બનતું નથી. બંને વચ્ચેના અહમના ટકરાવને કારણે પ્રમુખને મળેલી માહિતી વડાપ્રધાન સુધી પહોંચી નહોતી. માહિતી બહુ સચોટ હતી. ત્રાસવાદીઓના નામો, તેમના એડ્રેસ, ફોન નંબર અપાયા હતા. એક શકમંદ મઘરાતે તેની પત્નીને મળવા આવે છે તેની માહિતી પણ અપાઈ હતી. બીજું ઘડાકા થયા તે પછી શ્રીલંકાની પોલીસે ફટાફટ કાર્યવાહી કરીને બે દિવસમાં 40ને પકડી પણ લીધા હતા. તેનો અર્થ એ થયો કે શંકાસ્પદ હિલચાલ કરી રહેલા લોકો વિશે થોડી ઘણી માહિતી પોલીસને પણ હતી. કેટલાક શંકાસ્પદો પર નજર પણ રાખવામાં આવી રહી હતી. પણ પોલીસે ઉદાસીનતા દાખવી કે આ લોકો નાનું મોટું તોફાન કરશે, પણ શ્રેણીબદ્ધ બૉમ્બ વિસ્ફોટ નહિ કરી શકે.
પોલીસ નેશનલ તૌહિદ જમાત નામના એક જૂથની હિલચાલ પર નજર પણ નાખી રહી હતી. ભારતે પણ માહિતી આપી તેમાં તૌહિદ જમાત આત્મઘાતી હુમલો કરવાની ફિરાકમાં છે તેમ જણાવાયું હતું. 11 એપ્રિલે ચેતવણી આપતો મેમો તૈયાર થયો હતો, તેમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે કેથલિક ચર્ચો પર હુમલો થઈ શકે છે. ભારતે આપેલી માહિતીમાં પણ ચર્ચ પર હુમલો થશે તેવો અણસાર અપાયો હતો. ગત જાન્યુઆરી મહિનાથી આ જૂથના ત્રાસવાદીઓ શસ્ત્રો અને ડિટોનેટર્સ એકઠા કરી રહ્યા હતા તેની પણ પોલીસને ખબર હતી.
આમ છતાં કેમ પગલાં ના લેવાયા? સ્પષ્ટ છે કે પ્રમુખ અને વડાપ્રધાન વચ્ચેની ખેંચતાણમાં નાગરિકોની સલામતીની અવગણના કરાઈ હતી. આ બંને વચ્ચે લાંબા સમયથી ખેંચતાણ ચાલી રહી છે. થોડા મહિના પહેલાં પ્રમુખે વડાપ્રધાનને બરતરફ પણ કરી દીધા હતા. સુપ્રીમ કોર્ટના આદેશથી ફરી તેમને વડાપ્રધાન બનાવવા પડ્યા છે. પ્રમુખ મૈત્રીપદા સિરિસેના પર શાસક અને વિપક્ષ બંનેએ પસ્તાળ પાડી છે. ઘણા બધા પ્રધાનોએ કહ્યું કે સિરિસેનાના હાથ નીચે કામ કરતી સિક્યુરિટી સર્વિસને ગુપ્ત માહિતી મળી પણ તે લોકો ઉંઘતા રહ્યા. તેમણે વડાપ્રધાન વિક્રમાસિંઘેને જાણ કરવાની પરવા ના કરી. એક પ્રધાને કહ્યું કે પ્રમુખને 11 તારીખે મેમો મળ્યો, તેમાં કોણ ત્રાસવાદીઓ છે તેમના નામ પણ હતા અને ફોન નંબર હતા, તો પણ પ્રમુખે સલામતી દળોને આદેશ આપીને તેમને પકડી લેવા જણાવ્યું નહિ.
પ્રમુખ સિરિસેનાના ટેકેદારો પાંગળો બચાવ કરી રહ્યા છે. તેમના સિનિયર સલાહકારે એવું કહીને વાત ટાળી દેવાની કોશિશ કરી કે આવી બાતમી સમયાંતરે આવતી જ રહે છે. વડાપ્રધાન રાણીલ વિક્રમાસિંઘે કહ્યું કે પ્રમુખ સલામતી વિભાગ પોતાની પાસે રાખીને બેઠા છે. તેમણે મને કે મારા પ્રધાનોને ગુપ્તચર બાતમી મળી હોવાની જાણ જ કરી નહોતી. પ્રમુખપદે બેઠેલા સિરિસેના સત્તા પર કબજો જમાવી રાખવા માગે છે. તેઓ રાષ્ટ્રના વડા હોવા ઉપરાંત સંરક્ષણ પ્રધાન પણ છે. પોલીસ વિભાગ તથા સંરક્ષણ દળોના વડા તરીકેની કામગીરી પણ ઇનચાર્જ પ્રધાન તરીકે સંભાળે છે. ગુપ્તચર દળો તથા અને સલામતી સંસ્થાઓની બનેલી નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના અધ્યક્ષ તરીકે પણ સિરિસેના જ કામ કરે છે.
આ રીતે સલામતી બાબતની સંપૂર્ણ સત્તા ધરાવતા સિરિસેના ઊંઘતા રહ્યા અને તેમણે બાતમીને ગંભીરતાથી લીધી નહિ તથા વડાપ્રધાન વિક્રમાસિંઘે કે તેમની સરકારના પ્રધાનોને જાણ પણ ના કરી. નેશનલ સિક્યુરિટી કાઉન્સિલમાં વડાપ્રધાનને પણ સામેલ કરવાની પરંપરા શ્રીલંકામાં રહી છે, પણ સિરિસેનાને વિક્રમાસિંઘે ગમતા નથી. તેથી તેમને દૂર રાખે છે. હુમલા થયા ત્યારે પ્રમુખ સિરિસેના વિદેશમાં હતા. આટલા જીવલેણ હુમલા પછી વિક્રમાસિંઘેની સરકારે સ્થિતિને સંભાળવાની કોશિશ કરી હતી. તેમણે કાઉન્સિલના અધિકારીઓને બોલાવ્યા હતા અને સૂચના આપવાની કોશિશ કરી હતી, પણ તેઓ વડાપ્રધાનનું સાંભળવા તૈયાર નહોતા. સિરિસેનાએ વિક્રમાસિંઘેને વડાપ્રધાન પદેથી બરતરફ કરી દીધા હતા, પણ સુપ્રીમ કોર્ટના હુકમના કારણે ફરી વડાપ્રધાન બનાવવા પડ્યા છે. આમ છતાં તેઓ વડાપ્રધાન કામગીરી ના કરી શકે તેવું વર્તન કરતા રહ્યા છે.
આ રીતે દેશના બે ટોચના નેતાઓ એકબીજા સામે ઘૂરકિયા કરી રહ્યા છે ત્યારે નાગરિકોનો ભોગ લેવાઈ રહ્યો છે. સમાજના અગ્રણીઓ અને પત્રકારો નિરાશા વ્યક્ત કરી રહ્યા છે. અમલદારશાહી પર પણ માછલા ધોવાઈ રહ્યા છે. સિનિયર પત્રકારો કહી રહ્યા છે કે નેતાઓ આપસમાં લડ્યા કરે, પણ સલામતી અધિકારીઓએ પોતાનું કામ કરવું જોઈતું હતું. ગુપ્તચરોએ સચોટ માહિતી આપી હોય ત્યારે અધિકારીઓએ પગલાં લેવાની જરૂર હતી. તૌહિદના તત્ત્વોને પકડી લેવાયા હોત, જૂથના અડ્ડા પર દરોડો પડાયો હોત તો કદાચ વિસ્ફોટ પદાર્થો મળી પણ આવ્યા હોત.
હવે પ્રમુખ અને વડાપ્રધાનના રાજકીય જૂથો એકબીજાને દોષ દઈ રહ્યા છે, ત્યારે તટસ્થ લોકો કહે છે કે પોલીસ અને સલામતી દળોએ પ્રોફેશનલી કામ કરવાની જરૂર હતી. જોકે દેશના ટોચના નેતાઓમાં જ આવો વિખવાદ હોય ત્યારે કેવી રીતે તંત્ર કામ કરે તે પણ સવાલ છે.
ભારતે પણ આ ઘટનામાંથી શીખ લેવાની જરૂર છે. ભારતમાં આટલી લાપરવાહી નથી, પરંતુ અહીં પણ બાતમી મળી હોય અને પગલાં લેવામાં નિષ્ફળતા મળી હોય તેવી ઘટનાઓ બની છે. ભારતમાં પણ બોમ્બ ધડાકા થાય ત્યારે રાજકીય પક્ષો એક બીજાને ભાંડે છે. વિપક્ષમાં હોય તે સરકારને નિષ્ફળ બતાવે છે. એ જ વિપક્ષ સત્તામાં આવે ત્યારે એવી જ નિષ્ફળતા દાખવે છે. દરેક પક્ષ એવો દાવો કરવાની કોશિશ કરે છે કે પોતે સત્તામાં હોય ત્યારે ત્રાસવાદી હુમલા ઓછા થાય છે. આ દાવો સાચો નથી અને આવા દાવા કરવાનો કોઈ અર્થ નથી. ત્રાસવાદીઓ કોની સરકાર છે તે જોઈને નહિ, પણ મોકો જોઈને હુમલો કરતા હોય છે.
સલામતીની બાબતમાં રાષ્ટ્રીય સર્વસંમતિ ઊભી કરવી જરૂરી છે. ત્રાસવાદી હુમલો થાય ત્યારે તેનો રાજકીય ફાયદો ઉઠાવવાના બદલે એક સ્વરમાં સૌએ વાત કરવી પડે. તેનાથી થનારું વધારાનું નુકસાન ટાળવા કોશિશ થવી જોઈએ. ચૂક શું થઈ તે જાણીને ભવિષ્યમાં તેને નિવારવા માટે સર્વસંમતિ ઊભી કરવી જોઈએ. શ્રીલંકાના નેતાઓ જેવી લાપરવાહી ભારતના નેતાઓ નહિ કરે તેવી આશા રાખીએ. તે આશા કદાચ પૂરી ના પણ થાય, પણ ભારતની પોલીસ, સલામતી દળો અને ગુપ્તચરો પ્રમાણમાં વધારે પ્રોફેશનલ છે. તેઓ કમ સે કમ રાજકીય પક્ષાપક્ષીમાં પડ્યા વિના કામ કરતા રહેશે તેટલી આશા અસ્થાને નહિ ગણાય.