મનુષ્ય જંગલમાં વસતો હતો ત્યારે અચાનક આગ પ્રગટે તેનાથી ભારે મૂંઝાતો હશે. ઉનાળાની ગરમીમાં સૂકા થઈ ગયેલા વનમાં આગ પ્રગટે અને ફેલાવા લાગે. સૂકા ભેગું લીલું પણ બળે, એ ન્યાયે વિશાળકાય લીલાછમ વૃક્ષો પણ આગમાં ભોગ બને. જંગલની વચ્ચે ખાસ્સી મોટી જગ્યા સાફ થઈ જાય. આગળ વધતી આગ નદી, ઝરણા, તળાવ, સરોવરના કિનારે પહોંચે અને સૂકું લાકડું ઓછું થઈ જાય ત્યારે આપોઆપ શમી જાય. કુદરતનો આ ભયાનક ખેલ જોઈને માનવી શું વિચારતો હશે એ આપણને ખબર નથી, પરંતુ આગ બૂઝાઈ જાય પછી મેદાન ખુલ્લું થઈ જાય. તેના પર રાખના ઢગ થયાં હોય. વરસાદ આવે ત્યારે ત્યાં નવેસરથી વનસ્પતિ ઊગી નીકળે. પ્રકૃતિ ફરી ખીલી ઊઠે. માનવી તેમાંથી જ શીખ્યો હતો. આગને પ્રગટાવતાં અને કાબૂમાં લેતો તે શીખી ગયો. તે પછી જાતે જ જંગલોને સાફ કરીને મેદાન કરવાના. તેના પર સૂકું સળગાવીને રાખના ઢગલાં કરવાના અને તેમાં ખેતી કરવાની.
કદાચ તેના કારણે જ સ્થળાંતર પણ વધ્યું હતું. એક જગ્યાએ જંગલ સાફ કરીને રાખમાં ખેતી થાય, પછી બીજા વર્ષે કે ત્રીજા વર્ષે કસ દેખાતો નહીં હોય. તેથી આગળ વધીને વધુ જંગલ સાફ કરવાનું માણસ શીખ્યો હતો. એ વાતને યુગો વીતી ગયાં છે. જંગલો વચ્ચે મેદાનો બનાવનારા માનવીએ એવી સ્થિતિ કરી છે કે હવે મેદાનો વચ્ચે થોડા જંગલો બચ્યાં છે. એમેઝોનના જંગલોમાં છેલ્લાં કેટલાક અઠવાડિયાઓથી દાવાનળ લાગ્યો છે તેની ચિંતા દુનિયાભરમાં થઈ રહી છે. પણ સાચી વાત એ છે કે દાવાનળ માત્ર એમેઝોનમાં નહીં, દુનિયાભરના જંગલોમાં ચિંતા જગાવે છે. હિમાલયની પહાડીઓથી માંડીને નાનામોટા જંગલોમાં લાગતો દવ ચિંતા કરાવે છે.
કારણ કે આ બચી ગયેલા જંગલો પૃથ્વીના છેલ્લાં ફેફસાં જેવા છે. પૃથ્વી તેના કારણે જ શ્વસી રહી છે. આ ફેફસામાં ઠેર ઠેર કાણાં પડી રહ્યાં છે. ઠેર ઠેર એટલે 1.6 કરોડ! અતિશયોક્તિ જેવો લાગતો આ આંકડો સાચો છે. 2019ના નવ મહિનામાં દુનિયાભરમાં જંગલોમાં લાગેલી નાનીમોટી બધી આગનો સરવાળો કરાયો ત્યારે તે આટલો થયો – 1.6 કરોડ આગના બનાવો. દક્ષિણ અમેરિકાના એમેઝોનમાં લાગેલો દવ બહુ વિશાળ છે, પણ આફ્રિકા અને એશિયાના વનોમાં નાનીનાની આગ લાગતી રહી છે. ગુજરાતના ગીરમાં પણ નાની મોટી આગ પ્રગટતી હોય છે, પણ સિંહની રખેવાળી માટે જંગલ તંત્ર સાવધ હોય છે એટલે તરત આગને બૂઝાવવા માટેના પ્રયત્નો શરૂ થઈ જાય છે.
દેખરેખ રાખવાનું કામ પહેલાં કરતાં વધારે સહેલું થયું છે. ગાઢ જંગલની વચ્ચે આગ લાગી હોય તો દિવસો સુધી ખબર પણ ન પડે. પરંતુ છેલ્લા કેટલાક દાયકાથી ઉપગ્રહથી જંગલો પર નજર રાખી શકાય છે. નાસાના ઉપગ્રહો આખી દુનિયાના ખૂણેખૂણે નજર રાખે છે. તમારા બંગલામાં પાર્ક કરેલી કારની નંબર પ્લેટ પણ વાંચી શકાય તેટલા પાવરફૂલ કેમેરા સાથેના કેમેરા જંગલના એકએક વૃક્ષ પર થિયરીમાં નજર રાખી શકે તેટલા સક્ષમ છે. અર્થ ઓબ્ઝર્વિંગ સિસ્ટમ ડેટા એન્ડ ઇન્ફર્મેશન સિસ્ટમ (EOSDIS) પૃથ્વી પર થતી પર્યાવરણીય હલચલ પર સતત નજર રાખે છે.
પૃથ્વી પર કોઈ નાનકડા વિસ્તારમાં તાપમાન વધે ત્યારે ઉપગ્રહોથી ચાલતી સ્પેક્ટ્રોરેડિયોમીટરથી તસવીરો તરત મળી જાય છે. ઇન્ફ્રારેડ તસવીરો પણ સતત લેવાતી હોય છે. તસવીરો પરથી ખ્યાલ આવી જાય કે ગરમીનું કારણ માત્ર સૂર્યપ્રકાશ છે કે પછી આગ લાગી છે અને તાપમાન વધી ગયું છે. ગ્લોબલ ફૉરેસ્ટ વૉચ ફાયર્સ જેવી સંસ્થાઓ નાસા સાથે સહયોગમાં કામ કરે છે. આગ લાગે કે તરત તેની ખબર પડી જાય છે. તેની માહિતી પર્યાવરણ સંસ્થાઓ તથા સરકારી વિભાગો સાથે શેર કરવામાં આવે છે. આ કામ સતત ચાલતું રહે છે, પણ આગ બહુ મોટી ન બને તેના કારણે ભાગ્યે જ તેના વિશે નોંધ લેવાતી હોય છે. તેથી જ હોલિવૂડના હીરોએ ————— એમેઝોનની આગ વિશે કેમ સમાચારો આવતાં નથી તેવી ચિંતા વ્યક્ત કરી, પછી દુનિયાભરમાં તે સમાચાર ચમક્યાં.
એમેઝોનના જંગલો હજીય પણ બહુ વિશાળ છે. તેમાં લાગેલી આગ પણ બહુ મોટી છે. આમ છતાં તેના સમાચારો બહુ ચમક્યા નહોતા, કેમ કે દર વર્ષે આ પ્રક્રિયા ચાલતી રહે છે. વર્ષમાં બે કરોડ આગ લાગવાના બનાવો બનતા હોય ત્યારે તે સમાચાર ન બને. પરંતુ સમગ્રતયા જંગલોમાં લાગતી આગ ચિંતાનું કારણ છે. આફ્રિકા ખંડમાં પણ હજીય વિશાળ જંગલો બચ્યાં છે. એમેઝોન પછી સૌથી વધુ આગના બનાવો આફ્રિકાના વનોમાં બન્યાં હતાં. ઉત્તર આફ્રિકામાં જંગલો કરતાંય વિશાળ સહારાનું રણ આવેલું છે. તે વગર આગે તપતું હોય છે, પણ દક્ષિણમાં અને મધ્ય આફ્રિકામાં ગાઢ જંગલો છે. કોંગોમાં આ એક જ વર્ષમાં જુદી જુદી જગ્યાએ 1,10,000 વાર આગ લાગી હતી. અંગોલોમાં 1,35,000, ઝામ્બિયામાં 73,000, મોઝામ્બિકમાં 40,000 અને તાન્ઝાનિયામાં 24,000 જેટલા આગના કિસ્સા બન્યાં હતાં.
ઓસ્ટ્રેલિયામાં 22,500, ઇન્ડોનેશિયામાં 18,500 જગ્યાએ પણ આગ લાગી હતી. તાપમાનમાં પરિવર્તનને કારણે બરફ પીગળી રહ્યો છે. તેના કારણે એકદમ ઉત્તરમાં આવેલા વિસ્તારોમાં રશિયાના સાયબેરિયા, અમેરિકાના અલાસ્કા, કેનેડાના પ્રદેશો, બ્રિટિશ કોલંબિયા જેવા વિસ્તારોમાં વૃક્ષો આખું વર્ષ બરફ વિના રહે તેવું બનવા લાગ્યું છે. આ વિસ્તારોમાં પણ સૂકા થઈ ગયેલા વૃક્ષોમાં આગ લાગી હોવાનું સેટેલાઇટ તસવીરોમાં જણાયું હતું. નાસા તથા અન્ય દેશોના ઉપગ્રહોની તસવીરો તથા ડેટાને એકઠા કરીને ગ્લોબલ ફૉરેસ્ટ વૉચ ફાયર્સે આઠ મહિનામાં 1.6 કરોડ જગ્યાએ વનમાં દવ લાગ્યાનો આંકડો આપ્યો છે. ઉત્તર ગોળાર્ધમાં ભારત સહિત એશિયામાં હાલ ચોમાસુ છે એટલે આગ કાબૂમાં રહેશે, પણ એમેઝોનની આગ વધારે વ્યાપક બની છે તેની ચિંતા છે.
નાની આગને બૂઝાવી દેવાય ત્યારે ત્યાં ફરી વૃક્ષો ઊગી શકે છે, પણ વ્યાપક આગ લાગે પછી આખું મેદાન સાફ થઈ જાય ત્યાં માનવ વસતી પહોંચી જાય છે. તે પછી જંગલ કાયમ માટે નાશ પામે છે. આગ ઉપરાંત જંગલો કાપવાની પ્રવૃત્તિ (અસંખ્ય કિસ્સામાં ઇરાદાપૂર્વક પણ આગ લગાડાતી હોય છે) ચાલી રહી છે તેનાથી પણ જંગલો ઘટી રહ્યાં છે. પર્યાવરણ સંસ્થાઓના અંદાજ અનુસાર દર વર્ષે ચાર કરોડ ચોરસકિલોમિટર જેટલા વિસ્તારમાં દવ લાગે છે અને તેમાંથી ઘણો હિસ્સો કાયમ માટે જંગલ મટી જાય છે.
ભારતમાં હિમાલયના દુર્ગમ સ્થાનોમાં પણ માનવ વસતીનું દબાણ વધી રહ્યું છે. એક અંદાજ અનુસાર ઉત્તરાખંડમાં 2000થી અત્યાર સુધીમાં 44,554 હેક્ટર જંગલોનો નાશ આગ લાગવાને કારણે થયો છે. શિયાળો ઉતરે એટલે હિમાલયમાં પર્યટકોનો ધસારો થાય છે. ચાર ધામની યાત્રા માટે બારે માસ બસો દોડી શકે તેવા રસ્તા તૈયાર કરવા માટેનો પ્રોજેક્ટ તૈયાર થયો છે. હિમાલયના પહાડોને મળતી ચાર મહિનાની શાંતિ પણ છીનવાઈ જશે. પૃથ્વીના ફેફસાંને આ રીતે બળવા દેવાશે તો પૃથ્વીનો શ્વાસ પણ ગૂંગળાવા લાગશે. ટેક્નોલોજીનો સદુપયોગ અહીં બધા દેશોએ વધારવો પડશે. વનમાં દવ કુદરતી પ્રક્રિયા પણ છે, એટલે સાવ બંધ નહીં થાય, પરંતુ કમ સે કમ બચેલાં જંગલોમાં નાનકડી આગ લાગે કે તરત કાળજી લેવાય એટલું તો કરવું જ પડશે.