ગજબ છે! કેન્યામાં હવે ગધેડાઓ ય સલામત નથી….

શિયાળો બરાબર જામે એટલે ચોરીઓ થવા લાગે. લોકો ગોદડાં ઓઢીને સૂઈ ગયા હોય એટલે નાનો મોટો ખખડાટ સંભળાય નહિ. હવે ખાસ કરીને છેવાડેના પરાની સોસાયટીના પરા યુવાનોની મંડળી બને. નક્કી થાય કે રાત્રી ફેરી ગોઠવવી. સૌના વારા નક્કી થાય. 12 વાગ્યા પછી લાકડીઓ લઈને સૌ શેરીમાં ફરે, થાકે ત્યારે તાપણું કરીને થોડીવાર બેસે અને એમ પરોઢ પાડે. કેન્યામાં પણ હમણાં રાત્રે ફેરીઓ નીકળે છે અને લાકડીઓ લઈને ચોર ટોકળી હાથમાં આવે તો ઢીબી નાખવા તત્પર રહે છે. નવાઈની વાત એ છે કે આ ચોકી પહેરો ચોરી અટકાવવા માટે નથી. આ રીતે ચોકી કરવી પડે છે ગધેડાંની ચોરી થતી અટકાવવા માટે. કેન્યા અને આફ્રિકાના બીજા કેટલાક દેશોમાં છેલ્લા થોડા વર્ષેમાં ગધેડાંને ઉપાડી જવાના બનાવો વધવા લાગ્યા છે. તેના કારણે માલધારીઓએ પોતાના ગધેડાંને ચોરટોળકી ઉપાડી ના જાય તે માટે રાત્રી પહેરો ગોઠવવો પડે છે.

કેન્યા સહિતના દેશોમાં ગધેડાંનો ઉપયોગ ખેતીમાં થાય છે. તેમના માટે ગધેડું આપણા વઢિયારા બળદ જેટલું કિમતી છે. ચોરાઇ જાય તો નુકસાન થાય. પણ ગધેડાની ચોરી વધવાનું કારણ શું? કારણ છે ચીન. ચીનમાં ગરોળીને પણ ખાઈ જનારા છે, પણ અહીં ગધેડાને ખાઇ જવાની વાત નથી. એટલે ગધેડાના માંસ માટે નહિ, પણ ગધેડાની ચામડીમાંથી બનતા જીલેટિન માટે આફ્રિકામાં ગધેડાઓની કતલ વધી છે.

2016માં કેન્યામાં ગધેડાંની કતલ કરવા માટે ચાર નવા કતલખાનાં ખૂલ્યાં હતાં. તેનું કારણ એ હતી કે ચીનમાંથી ગધેડાંના ચામડાંમાંથી બનતા જીલેટીનની ભારે માગ છે. કતલખાનાં વધ્યા એટલે વધારે ગધેડા જોઈએ. વધારે ગધેડાં ખરીદવામાં આવે એટલે ભાવ વધે. ભાવ વધ્યા એટલે ગધેડાં કિમતી થયા અને ગધેડાંની ચોરી કરનારી ગેંગ ફરવા લાગી. તેનો સામનો કરવા માટે હવે લોકોએ ચોકી પહેરો કરવો પડે છે.

કેન્યામાં ચાર કતલખાનાં રોજના 1000 ગધેડાંની કતલ થાય છે. ગધેડાંની વધેલી માગને પહોંચી વળવા ચોરી પણ વધી પડી છે. એવું મનાય છે કે ગધેડાંના ચામડાંને ઉકાળીને તેમાંથી જીલેટીન મેળવવામાં આવે તેનો ઉપયોગ સેક્સવર્ધક ઔષધી બનાવવામાં થઈ શકે છે. વાર્ધક્ય અટકાવવાનું કામ પણ આ ઔષધી કરતી હોવાનું મનાય છે. ચીન દુનિયાભરમાં ઇલેક્ટ્રોનિક વસ્તુઓની નિકાસ કરે છે, પણ તેની પાસે પૂરતાં ગધેડાં નથી એટલે આફ્રિકાના ગધેડાં પર નજર પડી છે.

આફ્રિકાના ખેડૂતો માટે આ નવી સમસ્યા ઊભી થઈ છે. છેલ્લા થોડા વર્ષોમાં જ ગધેડાંની સંખ્યા ઘટીને 45 લાખની થઈ ગઈ હોવાનું અનુમાન છે. નાની ખેતીમાં નાના ટ્રેક્ટરો પણ કામ ના આવે, ગધેડાં જ કામ આવે. સંયુક્ત રાષ્ટ્રસંઘના એક અહેવાલ અનુસાર 1990માં સવા કરોડ ગધેડાં આફ્રિકામાં હતા, પણ હવે માંડ 45 લાખ હશે. ચીનની માંગ ચાલુ રહી તો ગધેડાંનું નિકંદન નીકળી જશે. છેલ્લા 10 વર્ષમાં ગધેડાંના ચામડાંની જીલેટીનની માગ વધીને વર્ષે 6,000 ટન થઈ ગઈ છે. જીલેટીનમાંથી બનતી દવાનો ભાવ 2000માં એક કિલોના 30 ડૉલર હતા, તે વધીને 780 ડૉલર થઈ ગયો છે.

આના કારણે ગધેડાંની કતલનો મોટો ધંધો આફ્રિકામાં વિકસી રહ્યો છે અને ગધેડાંઓની કતલ વધવા લાગી છે. કેન્યામાં ચાર કતલખાના ધમધમવા લાગ્યા છે. બીજા દેશોમાં પણ નવા કતલખાના ખોલવાની તૈયારી છે. બોત્સવાના, ઇજિપ્ત, બુરકિના ફાસો અને દક્ષિણ આફ્રિકામાં પણ ગધેડાંની કતલ વધવા લાગી છે, કેમ કે ચીનમાં તૈયાર મોટું માર્કેટ છે.

માત્ર કેન્યામાં જ છેલ્લા ત્રણ વર્ષમાં 3 લાખ ગધેડાંની કાયદેસર કતલ કરવામાં આવી છે. ગધેડાંની માગ વધી છે એટલે ચોરી પણ વધી છે તેનો અંદાજ સરકારી આંકડાં પરથી આવશે. છેલ્લા ત્રણ વર્ષમાં ગધેડાંની ચોરી થયાની 4000થી વધુ ફરિયાદો નોંધાઈ છે.

ગધેડાંની કતલ વધી તે સાથે હવે સ્થિતિ એ આવી છે કે નવા જન્મદર સામે કતલની સંખ્યા વધી ગઈ છે. એટલે કે હવે ગધેડાંની સંખ્યા ઘટવા લાગશે. કેન્યાના પશુપાલન વિભાગના અંદાજ અનુસાર આ જ ગતિએ ગધેડાંની કતલ ચાલતી રહેશે તો 2023 સુધીમાં જ કેન્યાના ગધેડાં ખતમ થઈ જશે. જોકે હવે ગધેડાંની કતલ રોકવા અને તેના ચામડાંની નિકાસ મર્યાદિત કરવા માગણી પણ થવા લાગી છે. નાઇઝીરિયા, સેનેગલ અને બુરકિના ફાસોમાં નવા કતલખાના ના ખોલવાનો નિર્ણય કર્યો છે.

કેન્યાના નઇવાસામાં નવું કતલખાનું ખૂલ્યું તે પછી થોડા જ મહિનામાં આસપાસના ગધેડાંની કિમત વધવા લાગી અને ચોરી વધવા લાગી. 2017 સુધીમાં ગામના લોકોને ખ્યાલ આવી ગયો કે ગધેડાંને ઉપાડી જવા માટે હવે ગેંગ કામે લાગી છે. બહુ વિરોધ થયો તે પછી નઇવાસાના કતલખાના સામે ગામલોકોએ ધરણાં કરવાનું પણ શરૂ કર્યું હતું અને તે બધી ધમાલને કારણે આતંરરાષ્ટ્રીય મીડિયાનું ધ્યાન ગયું હતું. સ્ટાર બ્રિલિઅન્ટ કતલખાનાના સંચાલકોએ પત્રકારોને ધમકાવ્યા અને કેમેરા તોડી નાખ્યા એટલે હવે મામલો એટલો ચગ્યો છે કે સરકાર પણ દબાણમાં આવી ગઈ છે. ગધેડાંને સાચવવામાં માનવીનું ભલું છે તેવું સરકારમાં બેઠેલા માણસો સમજે કે સરકારમાં બેઠેલા લોકોની બુદ્ધિ તો હોય છે ગધેડાં જેવી – તે જાણવા માટે રાહ જોવી પડશે.