ડોનાલ્ડ ટ્રમ્પના પક્ષમાંથી પણ વિરોધ છે અને વિપક્ષ સિવાયના વર્તુળોમાંથી પણ ટ્રમ્પ સામે પડકાર ઊભો થવા લાગ્યો છે. હાલના અઠવાડિયાઓમાં જ અમેરિકામાં સૌથી લાંબું શટડાઉન ચાલ્યું. શટડાઉન એટલે સરકારી ખર્ચા કરવાની જોગવાઈને કાયદાકીય મંજૂરી ગૃહ તરફથી ના મળે એટલે કર્મચારીઓના પગાર ના થાય. અમેરિકન કર્મચારીઓના પગારની ચૂકવણી અટકી પડી હતી. ટ્રમ્પ અબજો ડૉલર ખર્ચે મેક્સિકો સાથેની સરહદે દિવાલ બાંધવા માગે છે. બાકીના લોકો કહે છે કે આ એક ગાંડપણ છે. આટલી લાંબી દિવાલ બાંધી દેવાથી ઘૂસણખોરી અટકી જશે તેની કોઈ ખાતરી નથી. ઘૂસણખોરી અટકાવવાની ઘણાની ઇચ્છા પણ નથી. અમેરિકાનો સતત વિકાસ થયા કરે છે, કેમ કે દુનિયાભરમાંથી ઇમિગ્રન્ટ્સ અહીં આવતા રહે છે. ઉત્તમ ભેજાં પણ અહીં આવે છે અને મહેનત મજૂરી કરવા માગનારા લોકો પણ આવે છે. તેના કારણે અર્થતંત્ર દોડતું રહે છે અને દુનિયાના અર્થતંત્ર પર વર્ચસ રહે છે. આ કડી તૂટી ના જાય તેમ અમેરિકના સ્થાપિત હિત ધરાવતા ઉદ્યોગપતિઓ ઇચ્છે છે.
ડોનાલ્ડ ટ્રમ્પ બીજી મુદતમાં હારી જશે કે શું?
અમેરિકના પ્રમુખપદની ચૂંટણી નવેમ્બર 2020માં યોજાવાની છે, જેને હજી 22 મહિનાની વાર છે. ભારતમાં એપ્રિલ-મે 2019માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જેને હવે બે જ મહિનાની વાર છે. પણ બંને દેશોમાં ચૂંટણીનો માહોલ એક સરખો જામી ગયો છે. એકસરખો સવાલ પણ બંને દેશોમાં પૂછાવા લાગ્યો છે – ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી ફરીથી જીતશે ખરા? ડોનાલ્ડ ટ્રમ્પ 4 વર્ષ પૂરા કરીને બીજી ટર્મ માટે લડવાના છે, ત્યારે બીજી ટર્મ મળશે ખરી તે સવાલ છે. ત્રીજી ટર્મ બંધારણ પ્રમાણે અમેરિકામાં કોઈ પ્રમુખને મળતી નથી. તેના કારણે મોટા ભાગે કોઈ પ્રમુખ પ્રમાણમાં ઠીકઠાક કામ કરી લે તો બીજી ટર્મ મળી જતી હોય છે. પરંતુ દરેક વખતે જરૂરી નથી કે બીજી વાર જીતવા મળે જ. અમેરિકામાં કુલ 11 વાર એવું બન્યું છે કે જેમાં પ્રમુખ માત્ર ચાર જ વર્ષ માટે રહ્યા હોય. તેમાંથી કેટલાક કિસ્સા 1951માં બંધારણ બદલાયું તે પહેલાંના પણ છે. છેલ્લા 100 વર્ષમાં આવા પાંચ કિસ્સા થયા છે, તેમાંથી ત્રણ બંધારણ બદલાયું તે પછીના છે.
ડોનાલ્ડ ટ્રમ્પ ભારે વિવાદાસ્પદ પ્રમુખ સાબિત થયા છે. હકીકતમાં તેમની ચૂંટણી થઈ ત્યારે જ વિવાદો થયા હતા. તેમની સામે હિલેરી ક્લિન્ટન લડ્યા હતા. અમેરિકાને પ્રથમ મહિલા પ્રમુખ મળે તેવો ઇતિહાસ રચાવાની શક્યતા જણાઈ રહી હતી. હિલેરી ક્લિન્ટન ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટનના પત્ની તરીકે વગદાર પણ જણાતા હતા, છતાં ભારે વિવાદો વચ્ચે ટૂંકી લીડથી ટ્રમ્પ જીતી ગયા. હવે ટ્રમ્પ સામે કેટલાક મહિલાઓ ઉમેદવારો ખડા થઈ રહ્યા છે અને ચાર વર્ષ પછી તેમને બીજી ટર્મ ના મળે અને મહિલા પ્રમુખ દેશને મળે તે માટેનો માહોલ ઊભો કરવાની કોશિશ થઈ રહી છે. તુલસી ગબાર્ડ પછી કમલા હેરિસે પણ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે તેઓ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ઝંપલાવશે. નિકી હેલી અને અન્ય એક કે બે મહિલા ઉમેદવારો પણ કદાચ સ્પર્ધામાં જોડાય તેવી શક્યતા છે.
તુલરી ગબાર્ડ અને કમલા હેરિસના કારણે ભારતમાં પણ અમેરિકાની ચૂંટણી વધારે રસપ્રદ બની છે, કેમ કે બંનેનું ભારતીય અને હિન્દુ કનેક્શન નીકળે છે. તુલસીના માતા ગૌડિય વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયી બન્યા હતા. તેમના સંતાનોએ પણ હિન્દુ ધર્મ અપનાવ્યો એટલે તુલસીને અમેરિકાના પ્રથમ હિન્દુ સાંસદ ગણવામાં આવે છે. તેમના પરિવારના તે સિવાય કોઈ મૂળિયા ભારતમાં નથી, જ્યારે કમલા હેરિસના માતા શ્યામલા ગોપાલન મૂળ ભારતના હતા. અમેરિકામાં હતા ત્યારે જમૈકાના ઇમિગ્રન્ટ્સના પ્રેમમાં પડ્યા હતા અને લગ્ન કર્યા હતા. તેથી કમલા હેરિસ પાસે આફ્રિકન-એશિયન બંને મૂળિયા છે.
દરમિયાન સ્ટારબક્સ કૉફી ચેઇનના ભૂતપૂર્વ સીઈઓએ કહ્યું કે પોતે પણ ટ્રમ્પ સામે સ્પર્ધામાં ઉતરવા માગે છે. સ્ટારબક્સને લોકપ્રિય બનાવનાર હૉવાર્ડ શુલ્ત્ઝ અમેરિકન પદ્ધતિ પ્રમાણે સફળ ઉદ્યોગ સાહસિક છે. તેમણે સ્ટારબક્સ બ્રાન્ડને દુનિયાભરમાં ફેલાવી હતી. સામાન્ય પરિવારમાંથી આવતા હૉવાર્ડે વેપારમાં મેળવેલી સફળતા રાજકારણમાં પણ મેળવવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
હૉવાર્ડે જાહેરાત કરી છે કે પોતે 2020માં અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી લડશે. પોતે અપક્ષ તરીકે ચૂંટણી લડી શકે છે એમ તેમણે કહ્યું છે. ગયા અઠવાડિયે એક ટીવી શૉમાં તેમણે કહ્યું કે પોતે ગંભીરપણે ડોનાલ્ડ ટ્રમ્પ સામે ઊભા રહેવા માટે વિચારી રહ્યા છે. ટ્રમ્પની જેમ જ બિઝનેસમાં સફળ થઈને અબજપતિ બનેલા હૉવાર્ડ પોતાને ડેમોક્રેટ પાર્ટીના ટેકેદાર ગણાવે છે, પણ કહે છે કે પોતે સેન્ટ્રીસ્ટ નેતા, મધ્યમ માર્ગી નેતા તરીકે ચૂંટણી લડવા માગે છે. 65 વર્ષના હૉવાર્ડને લાગે છે કે વર્તમાન સમય અમેરિકા માટે બહુ નાજુક છે. દેશ માથે 21.5 ટ્રીલિયન ડૉલરનું દેવું થઈ ગયું છે તે માટે રિપબ્લિક અને ડેમોક્રેટ બંને પક્ષો જવાબદાર છે એમ તેમને લાગે છે.
ન્યૂ યોર્કના મધ્યમ વર્ગીય મહોલ્લામાં મોટા થયેલા હૉવાર્ડે સ્ટારબક્સને મલ્ટિનેશનલ બનાવી હતી. તેથી જ તેઓ કહે છે કે પોતે ઇચ્છે છે કે અમેરિકા ફરી જીતે, ફરી તેનો દબદબો જામે. જોકે તેઓ અપક્ષ તરીકે ઊભા રહે તો ડોનાલ્ડ ટ્રમ્પ વિરોધી મતો વહેંચાઈ જાય અને સરવાળે ટ્રમ્પને જ ફાયદો થાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. ડેમોક્રેટિક પક્ષમાંથી ચૂંટણી લડવા માગતા જુલિયન કેસ્ટ્રોએ આ જ વાત કરતાં કહ્યું છે કે તેમના કારણે ઉલટાનો ટ્રમ્પને જ ફાયદો થશે. ટ્રમ્પને ફાયદો થાય તેવી કોઈ વાત દેશના હિતની નથી એમ કેસ્ટ્રોએ કહ્યું હતું. અમેરિકામાં મોટા ભાગે બે મુખ્ય પક્ષો વચ્ચે જ સ્પર્ધા થતી હોય છે, પણ કેટલાક કિસ્સામાં ત્રીજા સ્વતંત્ર ઉમેદવારે કારણે કોઈ એકને નુકસાન થતું હોય છે. 1992માં અબજપતિ રોસ પેરટ ચૂંટણી લડ્યા હતા. તેઓ રૂઢિચૂસ્ત મનાતા હતા અને તેથી રિપબ્લિકન મતોમાં ગાબડું પડ્યું. તેનો ફાયદો ડેમોક્રેટ બિલ ક્લિન્ટનને થયો હતો અને તેમણે જ્યોર્જ બુશને હરાવી દીધા હતા. આ અગાઉ બુશને પોતાને પણ એ જ ફાયદો થયો હતો. 2000ની ચૂંટણી વખતે ગ્રાહક હિતોમાં કેસ લડનારા વકીલ રાલ્ફ નાડેર ચૂંટણી લડ્યા ત્યારે ડેમોક્રેટ ઉમેદવાર અલ ગોરે હારી ગયા અને બુશ જીતી ગયા.
ટ્રમ્પ જો હારી જાય તો બીજી ટ્રમ ના જીતી શકેલા પ્રમુખોની યાદીમાં તેમનો સમાવેશ થશે. આ યાદીમાં આ સદીમાં છેલ્લો યાદગાર કિસ્સો જ્યોર્જ બુશનો જ છે. ઉપર જણાવ્યું તે પ્રમાણે 1992માં તેઓ ચાર વર્ષ પછી રિઇલેક્ટ થવા માટે ચૂંટણીમાં ઊભા રહ્યા ત્યારે બિલ ક્લિન્ટન સામે હારી ગયા હતા. બુશ 1989માં 41માં પ્રમુખ તરીકે જીત્યા હતા, પણ બે ટર્મ પૂરી કરી શક્યા નહિ.
તેના આગલા દાયકામાં જિમ્મી કાર્ટર પણ બીજી વાર જીતી શક્યા નહોતા. ડેમોક્રેટ પાર્ટીના કાર્ટર 1977માં અમેરિકામાં 39માં પ્રમુખ બન્યા. તેમને એક બનાવને કારણે ભારે નુકસાન થયું. અમેરિકાની ઇરાન ખાતેની રાજદૂત કચેરીના કર્મચારીઓને બાનમાં લેવાયા હતા. તેમણે બીજી વાર ચૂંટણી લડવાની હતી, તેના પહેલાંના 14 મહિના આ મામલો અમેરિકામાં ગાજતો રહ્યો હતો. લાંબો વિવાદ ચાલ્યો, જેનો ઉકેલ કાર્ટર લાવી શક્યા નહિ અને હારી ગયા. તેમની સામે રોનાલ્ડ રેગન જીતી ગયા. રેગન જીત્યા તે સાથે જ ઇરાનમાં ઊભી થયેલી કટોકટીનો અંત આવ્યો હતો અને કર્મચારીઓને મુક્ત કરાયા હતા.
કાર્ટરની આગળના રિપબ્લિક પાર્ટના પ્રમુખ જેરાલ્ડ ફોર્ડ પણ ચાર વર્ષ પછી હારી ગયા હતા. તેમની સામે જ જિમ્મી કાર્ટર જીત્યા હતા. જોકે ફોર્ડ અમુક સંજોગોના કારણે પ્રમુખ બન્યા હતા. તેમની આગળના પ્રમુખ રિચર્ડ નિક્સન હતા. તેમની સાથે જીતેલા ઉપપ્રમુખે 1973માં રાજીનામું આપ્યું તેથી તેમની જગ્યાએ ઉપપ્રમુખ તરીકે ફોર્ડ આવ્યા. ત્યાર બાદ નિક્સન સામે પણ વૉટર ગેટ કૌભાંડ બહાર આવ્યું. નિક્સન સામેના આ કૌભાંડ કારણે સંસદમાં તેમને હટાવવા માટે ઇમ્પિચમેન્ટ મોશન દાખલ થઈ હતી. તેમાં પોતે હારી જશે તેવું લાગતા નિક્સને રાજીનામું આપવું પડ્યું હતું. પ્રમુખ રાજીનામું આપે ત્યારે ઉપપ્રમુખ તેમનું સ્થાન લે છે. તે રીતે ફોર્ડ પ્રમુખ બની શક્યા હતા. નિક્સનની બાકી રહેલી મુદત તેમણે પૂરી કરી અને ત્યારબાદ 1976માં તેઓ પોતાની રીતે જીતવા માટે મેદાનમાં ઉતર્યા હતા. જોકે કાર્ટર સામે તેઓ હારી ગયા હતા.
આ ત્રણેય દાખલા 1951માં બંધારણીય સુધારા પહેલાંના છે. તે સિવાયના ઉદાહરણો એવા છે, જેમાં વિવિધ કારણોસર ચાર જ વર્ષ માટે પ્રમુખપદ રહ્યું હોય. છેલ્લી એક સદીના, વીસમી સદીની શરૂઆત પછીના બે ઉદાહરણો પણ ઘણી વાર યાદ કરતાં હોય છે, જેમાં પ્રમુખ એક મુદત પછી હાર ગયા હોય.
રિપબ્લિક પાર્ટીના વિલિયમ ટેફ્ટ 27માં પ્રમુખ તરીકે 1909થી 1913 સુધી રહ્યા હતા.તેમના કાર્યકાળમાં વેરાના દરો ઘટાડવા માટેની માગણી થઈ રહી હતી, પણ તેમણે ઘટાડ્યા નહોતા. વેરાના ઊંચા દરોનો વિરોધ તેમના જ પક્ષમાં હતો. કેટલાક રિપબ્લિક સભ્યો નારાજ થઈને અલગ થઈ ગયા અને તેમણે પ્રોગેસિવ પાર્ટી બનાવી હતી. આ વિવાદના કારણે બીજી મુદતમાં તેમનો પક્ષ નબળો પડ્યો હતો અને તેઓ હારી ગયા હતા.
1930ના દાયકાની અમેરિકાની મહામંદીને આજે પણ યાદ કરાય છે. વેપાર ધંધાનો ભોગ લેનારી એ મંદીએ રાજકીય ભોગ પણ લીધો હતો. તે સમયગાળામાં 1929થી 1933 સુધી રિપબ્લિકન હર્બર્ટ હૂવર 31મા પ્રમુખ હતા. તેમણે મંદીમાંથી અમેરિકાને બહાર કાઢવા ઘણા પગલાં લીધા હતા, પણ મંદીને કારણે પ્રજા એટલી પરેશાન થઈ હતી કે તેમને બીજી વાર જીતાડ્યા નહોતા.
આર્થિક મંદીને કારણે ગરીબ અને મધ્યમ વર્ગને ભારે ફટકો પડ્યો હતો. ભારતમાં પણ નોટબંધી અને તે પછી જીએસટીના અયોગ્ય અમલને કારણે વેપારધંધાને ભારે ફટકો પડ્યો હતો. ખેડૂતો પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં જીડીપીમાં ફરી સુધારો થયો છે, પણ જીડીપીમાં સુધારો થયો તેની સામે રોજગારી વધી નથી. બીજું છેલ્લે ઓક્સફામનો રિપોર્ટ આવ્યો તે આમ આદમીને નારાજ કરે તેવો છે. 2018ના વર્ષમાં દેશના 50 ટકા ગરીબોની સ્થિતિમાં સુધારો અવશ્ય થયો, પણ માત્ર 3 ટકાનો. ત્રણ ટકા આવક વધી, પરંતુ દેશના ધનવાન એક ટકા લોકોની આવક અધધધ 39 ટકા વધી ગઈ. દેશના અમીરો રોજની 2200 કરોડ રૂપિયાની કમાણી કરતા રહ્યા હતા. દેશ સમૃદ્ધ થયો પણ નાગરિકો ત્યાંના ત્યાં રહ્યા તે સ્થિતિમાં તેમનો રોષ કોના પર ઉતરશે તે જોવાનું રહ્યું.