વધુ એક ભારતીય મૂળ ધરાવતી નારી કમલા હેરિસ 2020ની ચૂંટણી લડવા માટે તૈયાર થઈ ગઈ છે. ગયા અઠવાડિયે તુલસી ગબાર્ડે પણ જાહેરાત કરી હતી કે પોતે અમેરિકાની પ્રમુખ બનવા માટે ચૂંટણી લડવા માગે છે. તુલસીના કિસ્સામાં ફક્ત નામ અને ધર્મ હિન્દુ છે. તુલસીના માતાને ભારતીય સંસ્કૃતિમાં રસ પડ્યો હતો અને ગૌડિય વૈષ્ણવ સંપ્રદાયના મંદિરમાં જતા થયા હતા. તેથી તેમણે હિન્દુ ધર્મ અપનાવ્યો હતો. કમલાને પણ ભારતીય નામ અને ભારતીય મૂળ માતા તરફથી મળ્યા છે. તેમના માતા મૂળ ભારતીય છે, જ્યારે તેમના પિતા આફ્રિકન છે.
કમલા હેરિસ આ રીતે ભારતીય ઉપરાંત અશ્વેત વારસો પણ ધરાવે છે. એથી જ તેમને અમેરિકામાં કેટલાક ફિમેલ બરાક ઓબામા તરીકે પણ ઓળખે છે. અમેરિકામાં બરાક ઓબામા પ્રમુખ બન્યા ત્યારે ઇતિહાસ રચાયો હતો. પ્રથમવાર અશ્વેત પિતા અને શ્વેત માતાનો પુત્ર અમેરિકામાં સર્વોચ્ચ સ્થાને પહોંચી શક્યો હતો. અમેરિકા આવેતુઓનો દેશ છે, ઇમિગ્રન્ટ્સનો દેશ છે. દુનિયાભરના લોકો અહીં આવીને વસ્યા છે. જુદા જુદા મૂળના લોકો વચ્ચે સંમિશ્રણથી નવી પ્રજા તૈયાર થઈ રહી છે, જે પોતાને માત્ર અમેરિકન ગણાવે છે.
કમલા હેરિસ તેમાં બરાબર બંધ બેસતા આવે છે. એથી જ તેમણે પોતાની કેમ્પેઇનનું સૂત્ર પણ કમલા હેરિસઃ ફોર ધ પિપલ એવું રાખ્યું છે.
ફોર ધ પિપલ એ સૂત્ર સરળતાથી સમજાય તેવું છે. તેમણે પોતાનો એક નાનકડો કેમ્પેઇન વિડિયો પણ તૈયાર કર્યો છે, જેમાં કહી રહ્યાં છે કે અમેરિકા માટે કેટલાક મૂલ્યો મહત્ત્વના મૂલ્યો છે – સત્ય, ન્યાય, સંસ્કાર, સમાનતા, સ્વાતંત્ર્ય, લોકતંત્ર. આ મૂલ્યો સામે સવાલ ઊભો થયો છે અને તેની સામે લડત આપવા માટે તમે સૌ અગત્યના છો અને તેથી જ હું પ્રમુખપદ માટે દાવેદારી કરવાનું છે એમ કમલા હેરિસ વિડિયોમાં કહી રહ્યા છે. આમ સામાન્ય લાગતી આ વાત દ્વારા તેમણે વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શાસન સામે સવાલો ઊઠાવ્યો છે. ટ્રમ્પ અમેરિકાને ફરી ગ્રેટ બનાવવાની વાત કરી રહ્યા છે, પણ તેમની દૃષ્ટિ સંકુચિત અને ઇમિગ્રન્ટ્સ વિરોધી છે. તેઓ અમેરિકાને ગ્રેટ બનાવનારા મૂલ્યોને જ તોડી રહ્યા છે તેવી છાપ ઊભી થઈ રહી છે ત્યારે તે મુદ્દાને જ કમલા હેરિસ પોતાના પ્રચારનો મુખ્ય મુદ્દો બનાવવા માગે છે.
ફોર ધ પિપલ શબ્દ દ્વારા તેઓ સરકારી વકીલ છે તે વાત પણ સ્પષ્ટ થાય છે. અમેરિકામાં પ્રથા છે કે સરકારી વકીલ અદાલતમાં ઊભા થાય ત્યારે પોતાનું નામ લીધા પછી બોલતા હોય છે – ફોર ધ પિપલ. જોકે હજી આ શરૂઆત જ છે અને પ્રાયમરી માટેની તૈયારીઓ છે. પ્રાયમરીમાં જીતવાનું હોય છે, પછી સામે સ્પર્ધામાં કોણ છે અને ત્યાં સુધીમાં કયા મુદ્દા મહત્ત્વના બનશે તે પ્રમાણે ફાઇનલ કેમ્પેઇન નક્કી થશે.
અત્યારે એક વાત નક્કી લાગે છે કે 2020માં ડોનાલ્ડ ટ્રમ્પ સામે ફરી એકવાર મહિલા ઉમેદવાર મેદાનમાં હશે. કદાચ ટ્રમ્પની પાર્ટી રિપબ્લિકન પાર્ટીમાંથી પણ સ્પર્ધા થશે, કેમ કે તેમના પક્ષના સિનિયર મિટ રોમનીએ હાલમાં જ ટ્રમ્પની જોરદાર ટીકા કરતો લેખ વૉશિંગ્ટન પોસ્ટમાં લખ્યો છે. ઓહાયોના ગવર્નર જ્હોન કેસિચ, પૉલ રેયન અને નિકી હેલીના નામો બોલાઈ રહ્યા છે. આ ઉપરાંત મહિલા દાવેદારોમાં લીઝા મુરકોવસ્કિ, સુસાન કોલિન્સ પણ છે. નિકી હેલીએ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં અમેરિકાનું પ્રતિનિધિત્વ કર્યા પછી રાજીનામું આપી દીધું હતું. તે વખતે જ ચર્ચા થઈ હતી, ત્યારે નિકી હેલીએ સ્પષ્ટતા કરી હતી કે પોતે ટ્રમ્પને 2020માં ટેકો આપશે. જોકે બદલાયેલા સંજોગોમાં નિકી હેલી પણ દાવેદારી કરી શકે છે.
ઓબામા આઠ વર્ષ પ્રમુખ રહ્યા તે પછી અમેરિકા હવે પ્રથમ મહિલા પ્રમુખ માટે પણ તૈયાર છે તેમ લાગતું હતું. હિલેરી ક્લિન્ટને જોરદાર લડત પણ આપી, પરંતુ જીતી શક્યા નહિ. તેના કારણે 2020 અને 2024ની ચૂંટણીમાં મહિલા ઉમેદવારો મહત્ત્વના બનશે તેમ જાણકારો કહી રહ્યા છે. ભારતીયોને, બિનનિવાસી ભારતીયોને રસ પડે તેવી વાત એવી છે કે મહિલા દાવેદારોમાં આ ત્રણેય નામ એવા છે જેમનું આડકતરું કનેક્શન ભારત સાથે છે.
તુલસી ગબાર્ડ, કમલા હેરિસ અને નિકી હેલી આ ત્રણેય નામોને કારણે ભારતમાં ચર્ચા થતી રહેશે. તુલીસ ગબાર્ડના પરિવારના કોઈ મૂળિયા ભારતમાં નથી, પણ તેમની માતાએ હિન્દુ ધર્મ, ગૌડિય વૈષ્ણવ પંથ સ્વીકાર્યો હતો. કમલા હેરિસના માતા મૂળ ભારતીય છે, જ્યારે પિતા જમૈકાના છે. નિકી હેલીના માતાપિતા બંને મૂળ પંજાબના છે, પણ નિકી હેલીએ શ્વેત સાથે લગ્ન કરીને ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો છે.
કમલા હેરિસના માતા શ્યામલા ગોપાલનનો જન્મ ભારતમાં થયો હતો, જ્યારે તેમના પિતા ડોનાલ્ડ હેરિસનો જન્મ જમૈકામાં થયો હતો. શ્યામલાના પિતાએ ભારતના આઝાદી જંગમાં હિસ્સો લીધો હતો. અમેરિકામાં ડૉક્ટરીનું ભણવા આવેલા શ્યામલા અહીં જ સ્થાયી થયા. તેઓ બ્રેસ્ટ કેન્સરના સ્પેશ્યલિસ્ટ છે. કમલાના પિતા સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર હતા. કમલાની એક બહેન પણ છે, જેનું નામ પણ માયા એવું ભારતીય રખાયું છે.
શ્યામલા અને ડોનાલ્ડ બંને ઇમિગ્રન્ટ્સ તરીકે અમેરિકામાં આવ્યા હતા અને પ્રેમમાં પડીને લગ્ન કર્યા હતા. જોકે ઓબામાના કિસ્સામાં બન્યું હતું, તેમ માતાપિતાના છુટ્ટાછેડા થયા હતા અને ઉછેર માતાએ કર્યો હતો. કમલાનો ઉછેર પણ તેમની માતાએ કર્યો છે. પિતા આફ્રિકાના હોવાથી કમલા અશ્વેત નેતા તરીકે વધારે ઓળખ ધરાવે છે. સાથે જ એશિયન અને ભારતીય મૂળ તેમના નામમાં છે. આફ્રિકન અને એશિયન વારસો ઉપરાંત મહિલા નેતા તરીકેની અપીલ તેમના ફાયદામાં છે. અમેરિકામાં સેનેટર બનનારા પ્રથમ સાઉથ એશિયન નેતા તરીકે તેમની ઓળખ ઊભી થઈ હતી.
અમેરિકાની ચૂંટણીમાં ડોનર તરીકે ભારતીય જૂથનું મહત્ત્વ વધ્યું છે. કેમ્પેઇનમાં મૂળ ભારતીયોને મહત્ત્વ મળતું આવ્યું છે. અમેરિકાના બિઝનસ અને કોર્પોરેટ ક્ષેત્રમાં ભારતીયોની આગવી ઓળખ ઊભી થઈ છે. તે પછી હવે અમેરિકન રાજકારણમાં પણ એનઆરઆઈ ગ્રુપ્સની અવગણના કોઈ પણ ઉમેદવારો કરી શકતો નથી.
કમલા હેરિસને ઓબામાને ટેકો આપનારા જૂથોનો ટેકો મળી શકે છે, કેમ કે તેમની ઓળખ આફ્રિકન પણ છે. બીજું હિલેરી ક્લિન્ટન પ્રથમ મહિલા પ્રમુખ ના બની શક્યા, પણ પોતાના પક્ષ ડેમોક્રેટ્સની દાવેદાર દેશની પ્રથમ મહિલા પ્રમુખ બને તે માટે મદદરૂપ થઈ શકે છે. ક્લિન્ટન પરિવારને એનઆરઆઇ વર્તુળો સાથે સારા સંબંધો રહ્યા છે તેનો ફાયદો પણ કમલાને મળી શકે છે.
જોકે હજી તો શરૂઆત જ છે. તેમણે હજી તો પોતાના પક્ષમાં આંતરિક દાવેદારી નોંધાવી છે. હવે પ્રાઇમરી શરૂ થશે તેમાં તેમણે જીતવું પડશે. પોતાના પક્ષમાં સમર્થન મેળવ્યા પછી 2020માં ડોનાલ્ડ ટ્રમ્પનો સામનો કરવાનો રહેશે. બીજી બાજુ ડોનાલ્ડ ટ્રમ્પના બદલે રિપબ્લિક પાર્ટી અન્ય કોઈ દાવેદાર પસંદ કરશે કે કેમ તે પણ જોવાનું રહેશે. નિકી હેલી કદાચ 2024 માટે રાહ જોશે, પણ જો તે ઝુકાવે અને રિપબ્લિક પાર્ટીને પણ લાગતું હોય કે દેશ મહિલા પ્રમુખ માટે તૈયાર છે તો ચિત્ર બદલાઈ શકે છે.
શું એવું થશે ખરું કે અમેરિકામાં 2020ની ચૂંટણીમાં બે મહિલા ઉમેદવારો આમનેસામને હોય? શું એવું શક્ય બનશે ખરું કે બંને મહિલા ઉમેદવારોનું વળી કશુંક ભારતીય કનેક્શન પણ હોય? થોડા મહિના રાહ જુઓ, પ્રાયમરીના પરિણામો પરથી અંદાજ આવશે. દરમિયાન ભારતમાં પણ લોકસભા ચૂંટણીનો માહોલ તૈયાર થઈ ગયો છે એટલે કદાચ એવું બને કે ભારતમાં દેશની અને અમેરિકાની ચૂંટણીની પણ એટલી જ ઉત્સુકતા હોય.