ઈરાન તુર્કી પાકિસ્તાન અને ચીનની એક ધરી બની રહી હતી. ઉત્તર કોરિયાની જેમ ઈરાન પણ અણુશસ્ત્રો બનાવવા માટે કોશિશમાં લાગ્યું હતું અને લાગેલું પણ છે. ચીન તરફથી મદદ મળે તે શક્ય હતું, પણ અમેરિકાએ પ્રતિબંધો મૂકીને આ કામમાં વિઘન આવે તેવી કોશિશ ચાલુ રાખી હતી. ઇઝરાયલ તુર્કીની નજીક હોવાથી તેના પર વધારે જોખમ હતું. વચ્ચે એવા સમાચારો તમે વાંચ્યા હશે કે ઈરાનના અણુકેન્દ્રો પર હુમલો કરવા માટે ભારતની મદદ મગાઈ હતી.
દરખાસ્ત એવી હતી કે ઇઝરાયલના વિમાનો ત્યાંથી ઊડીને ઈરાનના અણુકેન્દ્રો તોડી પાડે અને પછી ભારતમાં કોઈ એર પોર્ટ પર ઉતરાણ કરીને ફ્યુઅલ લઈને પરત જતું રહે. જોકે ભારત તૈયાર થયું નહોતું. ત્યારબાદ અમેરિકાએ વેપારી પ્રતિબંધો મૂકીને ઈરાનને પરેશાન કરવાનું ચાલુ રાખ્યું હતું. મધ્યપૂર્વના બીજા દેશો ક્રૂડ ઑઇલ વેચીને અઢળક કમાણી કરે છે. તે કમાણીમાંથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈમારતો, ટુરીઝમ પાછળ રોકાણ થયું છે. ઈરાન શસ્ત્રો અને ટેક્નોલૉજી પાછળ ખર્ચ કરીને મજબૂત ના થાય તે માટે પ્રતિબંધો મૂકાયા હતા.
આમ છતાં ઈરાન કેવી રીતે શસ્ત્રો મેળવતું રહ્યું અને અમેરિકા સામે બાથ ભીડવાની હિંમત કેમ કરી તે સવાલ ઘણાને થશે. જોકે હાલ યુદ્ધની સ્થિતિ ટળી ગઈ છે, કેમ કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ટ ટ્રમ્પને પણ વિશ્વમાં કોઈએ સાથ આપ્યો નહોતો. સુલેમાનીની ડ્રોનથી હત્યા કરીને અમેરિકાનું અને ટ્રમ્પનું કામ પતી ગયું છે એટલે તેને યુદ્ધની બહુ જરૂર નથી. ઈરાન માટે મુશ્કેલ સ્થિતિ છે અને પ્રજાના રોષને ખાળવા માટે અમેરિકા સામે કશીક કાર્યવાહી કરવી જરૂરી છે. ઈરાને થોડા હુમલા કર્યા પણ છે, પણ આખરે ઈરાન તરફથી પણ અણસાર મળ્યો છે કે સીધા યુદ્ધમાં નહિ ઉતરે.
પરંતુ ઈરાન કેવી રીતે મજબૂત બનતું રહ્યું છે અને અમેરિકાના સૈનિકો ઘૂસે તો સામનો કરવા કેવી રીતે તૈયાર થયું હતું? બ્રિટિશ અખબારોએ દેશની જાસૂસી સંસ્થાના સ્રોતોને ટાંકીને જણાવ્યું છે કે પ્રતિબંધો વખતે ઈરાને સૌથી વધુ ધ્યાન સેનાને મજબૂત કરવા માટે આપ્યું હતું. ઈરાનના પ્રમુખ હસન રુહાનીએ ધાર્મિક આગેવાનોની મંજૂરી સાથે સૌથી વધુ ખર્ચ શસ્ત્રો પાછળ કર્યો છે. આધુનિક યુદ્ધ સાયબર યુદ્ધ કહેવાશે અને તેમાં ડ્રોન અને સેટેલાઇટ અને ઇન્ટરનેટથી હુમલા થશે તે સ્પષ્ટ છે. ઈરાને સાયબર સિક્યુરિટી માટે તૈયારીઓ કરીને તેની પાછળ 140 કરોડ રૂપિયા વાપર્યા હોવાનું માનવામાં આવે છે.
ઈરાને શસ્ત્રો ખરીદવા કરતાંય શસ્ત્રોના ઉત્પાદન પર ધ્યાન આપ્યું હતું. તે મોટા પાયે શસ્ત્રો બનાવીને બીજા દેશોને ઉલટાનું વેચતું થયું હતું. ઈરાને શિયા દેશોનું સંગઠન તૈયાર કરીને સાઉદીના સુન્ની વહાબી પંથ સાથે મોરચો તૈયાર કર્યો છે. ઈરાક, સીરિયા, લેબેનોન જેવા દેશના શિયા જૂથોને તેમણે શસ્ત્રસજ્જ કર્યા છે. આ બધા દેશોને શસ્ત્રો પૂરા પાડવાનું કામ ઈરાને કર્યું હતું. તેના કારણે બે ફાયદા થયા. ઈરાન પોતે પણ શસ્ત્રસજ્જ થઈ શક્યું અને મોટા પાયે શસ્ત્ર ઉત્પાદનને કારણે આર્થિક રીતે પરવડે તેવી સ્થિતિ પણ આવી. બીજું છેક તુર્કી સુધી એવા સંગઠનો તૈયાર કર્યા હતા કે સીધું યુદ્ધ નહિ, પણ ગેરીલા યુદ્ધ કરીને અમેરિકાને પણ ભારે પડી શકે. અમેરિકા સામે કાર્યવાહી કરી છે તેવું પ્રજાને દેખાડવા માટે ઇરાકમાં રહેલા અમેરિકી અડ્ડાઓ પર બેલેસ્ટિક મિસાઇલ્સ છોડવામાં આવી હતી. આવી બેલેસ્ટિક મિસાઇલ્સ મોટા પાયે ઈરાન બનાવે છે. ઈરાનની સેના ઉપરાંત આ સાથી દેશોની સેનાને પણ બેલેસ્ટિક મિસાઇલ્સ આપવામાં આવી છે.
હોર્મુઝની સામુદ્રધાનીમાંથી પસાર થતા જહાજો પર ઈરાને હુમલા કરેલા છે. તેના પરથી ખ્યાલ આવે છે કે ઈરાને સબમરીન પણ ઘણી બનાવી છે. બહુ આધુનિક નહિ પણ ઘણા અંશે અસરકારક થાય તેવી સબમરીન ઈરાન બનાવે છે. નૌકા દળને મજબૂત બનાવવા માટે લડાયક જહાજો પણ બનાવ્યા છે. ભૂમિ દળ માટે ટેન્કો મોટા પાયે બનાવી છે, જેથી અમેરિકા અફઘાનિસ્તાનમાંથી ઘૂસવા કોશિશ કરેતો સામનો થઈ શકે. તે જ રીતે ડ્રોન બનાવવા પર ધ્યાન અપાયું છે. આ રીતે ઈરાને પ્રતિબંધો વચ્ચે બીજા વેપારની ચિંતા કર્યા વિના શસ્ત્ર ઉત્પાદન અને સેનાને મજબૂત કરવા પર જ ધ્યાન આપ્યું હતું. અમેરિકા સામે લડવાની સજ્જતા ભલે ના મળી હોય, પણ ઈરાનની આ તાકાત સામે સાઉદી અરેબિયા સહિતના કોઈ દેશ લડી શકે તેમ નથી.
આસપાસના દેશોમાં શિયાઓના સંગઠનો ઊભા કરીને તેને લશ્કરી તાલીમ આપવાનું કામ ઈરાને કર્યું છે. આઈએસ સામે લડવામાં ઈરાનની ભૂમિકા ઘણી અગત્યની છે, પણ તેની ચર્ચા ઓછી થઈ છે. એક તબક્કે આઈએસ બહુ મજબૂત બનીને ફરી વળ્યું, પણ તે પછી તેની સામે શિયા લડાયકોની ફૌજ તૈયાર કરીને ઈરાને વળતા હુમલા કરાવ્યા હતા.
અમેરિકા ઈરાનને પરેશાન કરવા માટે ઘણા દાયકાથી કોશિશ કરી રહ્યું છે, પણ સદ્દામ હુસૈન સામે લડાઈ કરીને અમેરિકાએ ઉલાટની તેને મદદ જ કરી છે. સદ્દામ હુસૈનની લોખંડી પકડ ઈરાક સામે હતી, ત્યારે ઈરાન માટે સરહદે સૌથી મોટું ટેન્શન હતું. સદ્દામ સામે લાંબી લડાઈ પણ ઈરાન લડી ચૂક્યું હતું. અમેરિકાના પ્રમુક બુશે અમેરિકા સેના મોકલીને સદ્દામનો ખાતમો બોલાવ્યો તેનાથી સૌથી વધુ ફાયદો ઈરાનને જ થયો છે.
સદ્દામ ખતમ થયો તે સાથે જ ઇરાકમાં શિયા જૂથોની હિંમત આવી હતી. શિયા જૂથોને એક કરવાનું અને તેમને શસ્ત્રસજ્જ કરવાનું કામ ઈરાન માટે આસાન થઈ ગયું હતું. અમેરિકાએ બીજી મદદ અફઘાનિસ્તાનમાં કરી. આ તરફ ઈરાકનું દબાણ હતું, બીજી બાજુ સાઉદી અરેબિયાના કાળા ઘનની મદદથી કટ્ટરવાદી તાલીબાનોએ અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો હતો. ઈરાન માટે તે તરફથી પણ જોખમ હતું. અમેરિકાએ અફઘાનિસ્તાનમાં ઘોંસ બોલાવી અને તાલીબાનોને ખતમ કર્યા. ઓસામા બિન લાદેનને પણ ઠાર કર્યો. તે પછી ઈરાન માટે તે તરફનું ટેન્શન ઓછું થયું હતું.
અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈનિકોની સંખ્યા ઓછી કરવાનું પણ સતત ચાલી રહ્યું છે. તેનો ફાયદો પણ ઈરાનને મળ્યો છે. અમેરિકા આઈએસ સામે અને આ તરફ અફઘાનિસ્તાનમાં વ્યસ્ત હતું ત્યારે ઈરાને તૈયારીઓ કરી લીધી હતી. શસ્ત્ર ઉત્પાદન વધાર્યું અને છેક સીરિયા સુધી શિયા જૂથોને તાલીમ આપીને તૈયાર કરી લીધા હતા.
ઇરાક સામેની લડાઈમાં ભલે હાર નહોતી થઈ, પણ ઈરાનને મોટું નુકસાન થયું હતું. તેથી જ સુન્નીઓના વધતા જોર સાથે શિયાઓનું સંગઠન તૈયાર કરવાનું કામ પણ ઈરાને કર્યું હતું. છેલ્લા બે દાયકા દરમિયાન ઈરાને કરેલી તે તૈયારી અત્યારે તેને કામ આવી રહી છે. ઇરાકમાં આજે ઈરાન તરફી શિયા જૂથોનું મોટું નેટવર્ક તૈયાર થઈ ગયું છે. તેના કારણે પણ યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થાય તો ઇરાકમાં રહેલા અમેરિકી થાણા પર ગેરીલા હુમલાનું જોખમ વધી જાય તેવું છે.
સદ્દામ હુસૈને ઇરાકમાં શિયાઓને દબાવીને રાખ્યા હતા. પરંતુ તેનો ખાતમો બોલ્યો તે પછી તેમની હિંમત ખુલી છે. રાજકીય રીતે પણ શિયા સક્રિય બન્યા છે અને ચૂંટણીઓ લડીને હવે સત્તાસ્થાને પણ બેસવા લાગ્યા છે. સીરિયામાં પણ પ્રમુખ બશર અલ અસદ અરબ પણ શિયા હતા. તેથી અસદનું સમર્થન કરીને સીરિયામાં પણ મજબૂત સ્થાન ઈરાને બનાવ્યું હતું. લેબેનોનમાં હિઝબુલ્લા સંગઠનને પણ ઈરાન વર્ષોથી મદદ કરતું આવ્યું છે.તેનો અર્થ એ થયો કે ઈરાન સામે લડવું હોય તો ઈરાનની બહાર પણ તેના સમર્થનમાં ઊભા થયેલા જૂથો સામે લડવું પડે. ઈરાક, સીરિયા, લેબેનોનમાં ઈરાનની બેલેસ્ટિક મિસાઇલ્સ ગોઠવાયેલી છે. અમેરિકા અને તેના સાથી દેશોના હિતો પર મિસાઇલ્સથી હુમલા કરીને અમેરિકા પર દબાણ લાવી શકાય છે. ઈરાનમાં ઘૂસવા માટે અમેરિકા પાસે એક માત્ર રસ્તો અફઘાનિસ્તાનનો છે. ઇરાક તે માટે સમર્થન આપશે નહિ. અફઘાનિસ્તાન માર્ગે સેનાની કામગીરી અમેરિકાની સ્ટ્રેટેજીમાં ગૂંચ ઊભી કરી શકે છે. અમેરિકા અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળવા માગે છે અને તે માટે ભારત સહયોગ કરવા તૈયાર છે, પણ ઈરાન સામેની કાર્યવાહીની વાત આવે ત્યારે ભારત મદદ કરે નહિ.
અમેરિકાની મધ્ય પૂર્વમાં દખલથી રશિયા પણ બહુ રાજી નથી. ચીન જાણે છે કે અફઘાનિસ્તાનમાં અમેરિકાની હાજરી મજબૂત થાય તો ત્યાંથી ચીન બહુ દૂર નથી. પાકિસ્તાનમાં તેણે બનાવેલો વેપારી હાઈવે પણ જોખમમાં આવે. એક હદથી વધુ અમેરિકાની સક્રિયતા ઈરાન સામે વધે ત્યારે રશિયા અને ચીન પણ પ્યાદાં ગોઠવશે. આ વાત ઈરાન જાણતું હોવાથી તેણે અમેરિકા સામે દમ ભર્યો છે. જોકે અત્યારે વાત શાંત પડી ગઈ છે, કેમ કે અમેરિકા કે ઈરાન અને બંને દેશના વર્તમાન નેતાઓને યુદ્ધ ખપતું નથી. પ્રતિબંધો વચ્ચે ઈરાને મજબૂત તૈયારીઓ કરી લીધી હતી, તેથી ઇરાક કે સીરિયાની જેમ અમેરિકા દેશમાં આવી જાય તેવું પણ જોખમ નથી. ભારત માટે આ સ્થિતિ ફાયદાકારક છે, કેમ કે યુદ્ધની સ્થિતિમાં ક્રૂડ ભડકે બળે અને લાખો લોકો મધ્યપૂર્વમાં રોજગારી મેળવી અબજો ડોલર ભારત મોકલે છે તેમાં પણ નુકસાન થાય.