યુરોપિયન સંસદે CAA પર મતદાન મુલતવી રાખ્યું

ભારતે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે સિટિઝનશીપ એમેન્ડમેન્ટ ઍક્ટ (CAA) ભારતનો આંતરિક મામલો છે; ભારતની સંસદના બંને ગૃહોમાં તેને બહુમતીથી પસાર કરાયો છે અને તેના વિશેની ચર્ચા લાંબા સમયથી ચાલતી હતી; તેથી તેનો વિરોધ કરવો વિદેશી સરકારો માટે વાજબી નથી. આ ચેતવણી પછી CAA મુદ્દે દાખલ થયેલા ઠરાવો પર મતદાન કરવાનું યુરોપિયન સંસદે મુલતવી રાખ્યું છે. યુરોપિયન સંસદ એટલે કે યુરોપના દેશોએ ભેગા મળીને બનાવેલા યુરોપિય સંઘની સંસદ, જેમાં 6 જુદા જુદા ઠરાવો દાખલ થયા હતા. 29 તારીખે તેને ચર્ચા પર મૂકાયા હતા અને 30 તારીખે તેના પર ચર્ચા થવાની હતી, પણ ભારતતરફી સાંસદોના દબાણ પછી મતદાન મુલતવી રખાયું છે. આગામી માર્ચ સુધી તેના પર હવે મતદાન થશે નહિ.

 

આગામી માર્ચ મહિનામાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બ્રસેલ્સની મુલાકાત લેવાના છે. બ્રસેલ્સમાં જ યુરોપિય સંઘની સંસદ બેસે છે. આ મુલાકાત રદ થાય અને યુરોપિય સંઘ ઉપરાંત યુરોપના જુદા જુદા દેશો સાથે ભારતના સંબંધો પર સીધી અસર થાય તેમ હતી. તેથી આખરે મતદાન ટાળી દેવાયું છે અને ભારતને વધુ એક રાજદ્વારી સફળતા મળી છે. કલમ 370 નાબુદી વખતે પણ ભારતે મક્કમતાપૂર્વક વિશ્વના દેશોને જણાવ્યું હતું કે આ આંતરિક મામલો છે અને તેના વિશે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ ચર્ચા ચલાવી લેવામાં આવશે નહિ.

યુરોપિય સંસદમાં કુલ 751 સભ્યો છે, તેમાંથી 560 તરફથી છ ઠરાવોને ચર્ચા માટે મંજૂર કરાયા હતા. જુદા જુદા જૂથોએ રજૂ કરેલા ઠરાવને મેજ પર મૂકવા આટલું સમર્થન જોયા પછી ભારતે પોતાના રાજદ્વારી પ્રયાસો તેજ કરી દીધા હતા. CAA ઉપરાંત ઠરાવોમાં NRCનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેના કારણે ભારતે આકરું વલણ લીધું હતું અને કહ્યું હતું કે જેની કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ તેની વાત કેવી રીતે થઈ શકે. ઉપરાંત સાર્વભૌમ દેશને પોતાના કાયદા કરવાનો અધિકાર છે. કોને દેશમાં પ્રવેશ આપવો, કોને નાગરિકત્વ આપવું તે દેશનો અધિકાર છે. અમેરિકા ઉપરાંત યુરોપના ઘણા દેશોમાં ઇમિગ્રન્ટ્સ વિરોધી વાતાવરણ ઊભું થઈ રહ્યું છે, ત્યારે ભારતની દલીલ સ્વીકાર્યા સિવાય છુટકો નહોતો. પોતાને ત્યાં ઇમિગ્રન્ટ્સનો વિરોધ અને ભારતની બાબતમાં બેવડા ધોરણ ચાલે તેમ નહોતા.

યુરોપિય સંઘે બધા ઠરાવોને સંયુક્ત રીતે ચર્ચામાં લઈને આખરે તેના પર મતદાન કરવાનું પણ નક્કી કર્યું હતું. છ ઠરાવમાં એક ઠરાવ એવો પણ હતો કે માર્ચમાં ભારતના વડા પ્રધાન બ્રસેલ્મની મુલાકાતે આવે ત્યારે તેમની સાથે આ મુદ્દાઓ પર ચર્ચા કરવી. જોકે હવે મતદાન અટક્યું છે, ત્યારે મુલાકાત વખતે પણ આવા કોઈ મુદ્દાને છેડવામાં ના આવે તે માટે ભારતનું દબાણ રહેશે.

ભારતે દબાણ ઉપરાંત મિત્રતાનો વ્યૂહ પણ અપનાવ્યો હતો. યાદ હશે કે ત્રણેક મહિના પહેલાં યુરોપના દેશોના, મોટા ભાગે જમણેરી પક્ષોના 22 જેટલા સાંસદોને કાશ્મીરની મુલાકાતે લઈ જવાયા હતા. મુલાકાત સમગ્ર રીતે ગોઠવેલી હતી, પણ ભારતને છે તેવી જ ચિંતા ધરાવતા આ સાંસદોને ભારતે સાધ્યા હતા, જે ડિપ્લોમસીની રીત છે. આ સાંસદો ઉપરાંત થોડા વખત પહેલાં ભારત ખાતેના જુદા જુદા દેશોના રાજદૂતોને પણ કાશ્મીરની યાત્રાએ લઈ જવાયા હતા. યાત્રા ભલે પ્રચારાત્મક હોય, પણ તેનાથી ભારત માહોલ ઊભો કરી શકે છે. તે પ્રવાસમાં જોડાવા માટે યુરોપિય રાજદૂતો તૈયાર થયા નહોતા, પણ તેમને અલગથી કાશ્મીર લઈ જવાની સરકારની ગણતરી છે.

પરંતુ ઠરાવ આવવાનો અને મતદાન થવાનું બાકી હતું, કદાચ તેથી જ રાજદૂતોએ ત્યારે ના પાડી હતી. હવે મતદાન ટળી ગયું છે, ત્યારે કદાચ પ્રવાસ યોજાશે. યુરોપિય રાજદૂતોને અનુકૂળ તારીખો પર વિચાર થઈ રહ્યો છે તેવું વિદેશ મંત્રાલયના વર્તુળોએ જણાવ્યું હતું.

 

કાશ્મીર અને CAA બાબતમાં ભેદભાવ અને ભારતના વલણની ટીકા થઈ હતી. ઠરાવ B9-0077/2020 થી B9-0082/2020 એમ છ ઠરાવો હતા. ઠરાવોને બહુમતી સાથે દાખલ કરાયા ત્યારથી જ ભારતે પ્રયાસો શરૂ કરી દીધા. જોકે આ બાબતમાં સત્તાવાર  રીતે ભારતના વિદેશ મંત્રાલયે કોઈ ટીપ્પણી કરી નહોતી. પરંતુ સત્તાવાર વર્તુળોએ જુદા જુદા મીડિયા સમક્ષ નારાજગી વ્યક્ત કરી હતી કે ભારત પાસેથી હકીકતો જાણ્યા વિના આવા ઠરાવ કરવા યુરોપિય સંસદને શોભે નહિ.

યુરોપિયન કમિશનના વાઇસ-પ્રેસિડેન્ટ જોસેફ બોરેલે ‘ભારતના સિટિઝનશીપ (એમેન્ડમેન્ટ) ઍક્ટ, 2019’ વિશે નિવેદન આપીને ઠરાવોને ચર્ચા માટે મૂક્યા હતા. બધા ઠરાવોને ભેગા કરીને સંયુક્ત ઠરાવ કરવાની ગણતરી હતી, પણ તેમ થઈ શક્યું નથી. અગાઉ કલમ 370ના મુદ્દે પણ સપ્ટેમ્બર 2019માં યુરોપિય સંસદે ચર્ચાઓ કરી હતી, પણ છેલ્લી ઘડીએ મતદાન કરાયું નહોતું.

ભારતે ખાસ કરીને એવી દલીલો કરી હતી કે નાગરિકતા કોને, કેવી રીતે આપવી તે બાબતમાં યુરોપના મોટા ભાગના દેશોમાં આવું જ વલણ લેવાયેલું છે. તેથી ભારત સામે ઠરાવ થશે તો યુરોપનું બેવડું ધોરણ જ ખુલ્લું પડી જશે, એમ ભારતીય વર્તુળોએ જણાવ્યું હતું.

રાબેતા મુજબ ઠરાવોમાં માનવ અધિકારોના આંતરરાષ્ટ્રીય ધોરણોનો ભારતમાં થતો ભંગ, કાશ્મીરમાં રાજકીય નેતાઓની અટકાયત, સંદેશવ્યવહાર પર પ્રતિબંધો, CAAના વિરોધમાં દેખાવો કરનારા પર ઉત્તર પ્રદેશમાં પોલીસનો ગોળીબાર વગેરે ઉલ્લેખો કરીને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (NRC) લવાશે તો મોટી સંખ્યામાં લોકો રાષ્ટ્રીયતા ગુમાવશે અને મુશ્કેલીમાં મૂકાશે વગેરે ચિંતા વ્યક્ત થઈ હતી. ઠરાવોની ચર્ચાની શરૂઆતમાં નિવેદન આપનારા બોરેલ આ મહિને જ ભારત આવ્યા હતા.

રાઇસીના ડાયલોગ્ઝ પરિષદમાં ભાગ લેવા આવ્યા હતા. તે દરમિયાન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ પ્રધાન જયશંકર સાથે તેમણે અલગથી મુલાકાતો કરી હતી. તે દરમિયાન આ મુદ્દાઓ ચર્ચાયા હતા અને ભારતનું વલણ સ્પષ્ટ કરાયું હતું તેમ રાજદ્વારી વર્તુળો જણાવે છે.

ઠરાવોમાં CAA સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો સાથે ચર્ચા કરવી જોઈએ, કાશ્મીરમાંથી પ્રતિબંધો હટાવી લેવા જોઈએ તથા સમાનતાની ભાવનાને ધ્યાનમાં રાખીને CAA વિશે પુનઃવિચાર કરવો જોઈએ તેવા સૂચનો પણ હતા, પણ હવે મતદાન નથી થયું ત્યારે આ ઠરાવોનો કોઈ અર્થ રહ્યો નથી.

બીજું 13 માર્ચે યુરોપિયન યુનિયન-ભારતની શીખર પરિષદ મળવાની છે, તે પહેલાં ભારત પોતાના રાજદ્વારી પ્રયાસો તેજ કરીને હજી પણ ઘણા યુરોપિય સાંસદોને અલગ પાડી દેવાની કોશિશ કરશે. માર્ચ પહેલાં કદાચ કેટલાક યુરોપિય રાજદૂતોની કાશ્મીરની મુલાકાત પણ યોજાશે. દરમિયાન સુપ્રીમ કોર્ટના આદેશ પછી ટુજી ઇન્ટરનેટ શરૂ કરાયું છે. માર્ચમાં આકરો શિયાળો પૂરો થશે તે સાથે કાશ્મીરમાં વાહવવ્યવહાર પણ ફરીથી ચાલતો થશે તે બધી બાબતોની રજૂઆત ભારત કરી શકશે.

નરેન્દ્ર મોદી બ્રસેલ્સમાં આ શીખર પરિષદમાં ભાગ લેવા જાય તે પહેલાં યુરોપના બીજા દેશો સાથે પણ ડિપ્લોમેટિક પ્રયાસો થતા રહેશે. બ્રેક્ઝિટનો નિર્ણય લેવાઈ ગયો છે અને બ્રિટનમાંથી યુરોપિય સંઘમાં ગયેલા સાંસદ અને ઠરાવ લાવનારા એક સાંસદની વિદાય પણ કદાચ થઈ ગઈ હશે. એક ઠરાવમાં ભારત અને યુરોપિય સંઘ વચ્ચેની શીખર પરિષદ વખતે બ્રસેલ્સમાં ભારતની પીએમ સાથે ચર્ચા કરવાની વાત પણ હતી. ભારત આ મુદ્દે અલગથી ચર્ચા નહિ સ્વીકારે તે સ્પષ્ટ છે. યુરોપના દેશોને ભારત સાથે સારા સંબંધો, વેપારી સંબંધોમાં રસ હોય ત્યારે આ પ્રકારના બેવડાં ધોરણો ભારત સ્વીકારી શકે નહિ.