ખાધ સામગ્રીના બોક્સને જંતુનાશક કઈ રીતે કરશો?

હાલના કોરોનાગ્રસ્ત વાતાવરણમાં ઘર માટે જરૂરી વસ્તુઓ લેવા કોઈક વાર બહાર નીકળવું પડે. આ વસ્તુઓ જો રેફ્રીજરેટરમાં મૂકવાની હોય તો સહેજે વિચાર આવે કે, ગ્રોસરી સ્ટોરમાંથી લાવેલા અનાજ-કઠોળના કે મસાલાના પેકેજ કે બીજા ખાદ્ય પદાર્થના બોક્સ સીધેસીધા ફ્રીજ માં મૂકી દેવાય? ધારો કે, આ પેકેટ કોઈ કોરોના ગ્રસ્ત વ્યક્તિના હાથમાંથી પસાર થયું હોય તો? આ પેકેટ રેફ્રીજરેટરમાં મૂકવામાં આવે તો તેના પર ચોંટેલા વાયરસ ફ્રીજમાં કેટલા દિવસ સુધી ટકી રહે? આવા ઘણાં બધાં વિચાર આવે અને મગજ ચકરાવે ચડી જાય!

‘કોરોના વાયરસ એ વારસાગત ચીકણો એટલે કે ચોંટી જાય તેવો વાયરસ છે. જે કોઈ પણ સપાટી પર આશ્ચર્યજનક રીતે લાંબો સમય સુધી ચોંટી રહે છે. ત્યારબાદ તે સપાટી પર તેનો નાશ થાય છે.’ આ શબ્દો ડો.વોર્નર ગ્રીનના છે જેઓ સાન ફ્રાન્સિસ્કોમાં આવેલી ગ્લેડસ્ટોન ઇન્સ્ટિટયૂટના સિનિયર વાયરોલોજીસ્ટ અને રિસર્ચ સાયન્ટિસ્ટ છે.

હાલના સમયમાં કોરોનાવાયરસ વિષે સંશોધનો થઈ રહ્યા છે. જેમાં તેનો ઊંડાણથી અભ્યાસ થઇ રહ્યો છે કે, કઈ રીતે આ વાયરસ માનવ શરીરમાં ફેલાઈને કામ કરે છે.

ઘણાં સંશોધકો સાર્સ વાયરસ જે વર્ષ ૨૦૦૨ અને ૨૦૦૩ દરમ્યાન ઉદ્ભવ્યો હતો તેના પર થયેલા સંશોધનોનો અભ્યાસ કરી રહ્યાં છે. કારણ કે, તે વાયરસ, કોરોના વાયરસ ફેમિલીનો હતો. વર્તમાન કોરોના વાયરસ તે વાયરસને મળતો આવે છે.

વર્ષ ૨૦૧૦માં અમેરિકન માઇક્રોબાયોલોજી એસોસિયેશનના રિસર્ચ પ્રમાણે સાબિત થયું હતું કે, આ સાર્સ વાયરસ (SARS) ભેજવાળા તેમજ 4.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળા વાતાવરણ જે રેફ્રિજરેટરમાં હોય છે. એવા વાતાવરણમાં ફળે છે એટલે કે, વધે છે.

જો કે, આ સંશોધન વર્તમાન કોરોના વાયરસ પરનું નથી. પરંતુ માનવામાં આવે છે કે, આ વાયરસ એ જ પરિવારનો હોવાથી આ બાબતો તેને પણ લાગુ પડે છે. તેથી ઘણી સાવચેતી રાખવી જરૂરી છે. આ જ વાતને લઈને ડો.ગ્રીન કહે છે કે, ‘બહારથી લાવવામાં આવેલી કોઈપણ વસ્તુને ફ્રિજમાં મૂકતાં પહેલાં જંતુનાશક કરીને મૂકવી. કોઈપણ જાતના ફૂડપેકેટ્સ, કોઈ પણ ખાદ્ય સામગ્રી જે કાર્ડબોર્ડના બોક્સમાં કે કન્ટેનરમાં હોય તેને disinfect એટલે કે, જંતુનાશક કરી લેવા.

આ ઉપરાંત ડોક્ટર બૅન ચેપ્મેન જેઓ ફુડ સેફ્ટી એક્સપર્ટ છે અને નોર્થ કેરોલિના યુનિવર્સિટીમાં લેક્ચરર છે. તેઓ પણ આ જ બાબત વિશે કહે છે, ‘તમે કોઈપણ ખાધ પદાર્થ કે ગ્રોસરી (કરિયાણા)ના પેકેટ્સ કે બોક્સ ઘરમાં લાવો કે, તરત હાથ સાબુથી ધોઈ લેવા. હું તો ક્યારે પણ કરિયાણાની વસ્તુઓ ઘરે લાવ્યા બાદ હાથ સાબુથી ધોઈ લઉં છું.’ તેઓ વધુમાં ઉમેરે છે, ‘આ વસ્તુઓ ગોઠવ્યા બાદ પણ હું હાથ ધોઈ લઉં છું. હું તો તમને સહુને સલાહ આપીશ કે, તમે રાંધતી વખતે પણ હાથ ધોઈને રસોઈની તૈયારી કરવાનું રાખો.’

ખાધ સામગ્રીના બોક્સને જંતુનાશક કઈ રીતે બનાવશો?

જંતુનાશક પ્રવાહી તૈયાર કરવા માટે એક બાઉલમાં થોડું સાબુવાળું પાણી લેવું. તેમાં થોડું (ચપટી જેટલું) લિક્વિડ બ્લીચ ઉમેરી દો. આ મિશ્રણમાં કોટનનું એક કાપડ ભીંજવીને નીચોવી લો. આ કાપડથી ફુડ કન્ટેનર, બોટલો કે કાર્ડબોર્ડના બોક્સ લૂછીને જંતુનાશક કરી શકો છો.

અને હા, ત્યારબાદ તમારા હાથને સાબુથી 20 સેકન્ડ સુધી ધોયા બાદ પાણીથી ધોઈ લેવા.