રોમિયો અકબર વૉલ્ટર: અધકચરું થ્રિલર

ફિલ્મઃ રોમિયો અકબર વૉલ્ટર

કલાકારોઃ જૉન અબ્રાહમ, જૅકી શ્રોફ, અનિલ જ્યૉર્જ, મૌની રૉય, સિકંદર ખેર

ડાયરેક્ટરઃ રૉબી ગ્રેવાલ

અવધિઃ આશરે અઢી કલાક

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત

ફિલ્મોમીટર રેટિંગઃ
★★1/2

ધારો કે ઈન્ડિયન મિલિટરીના જવાનોને ખબર પડે કે એક પાકિસ્તાની જાસૂસ કશ્મીરમાં છે. જવાનો એની દરેક હિલચાલ પર નજર રાખી એક દિવસ એની ધરપકડ કરે છે. થોડો સમય એને જેલમાં રાખીને છોડી મૂકવામાં આવે. થોડા સમય બાદ કોઈ ગંભીર આરોપસર એને ફરી પકડવાનો હોય છે, પણ એ હાથમાં આવતો નથી. જસ્ટ કલ્પના કરો- એ ક્યાં હોઈ શકે? પહેલી વાર એની જ્યાંથી ધરપકડ કરેલી ત્યાં! તમે કહેશો, મજાક કરો છો કે શું? ના, બિલકુલ નહીં. આટલું જ નહીં, એ જાસૂસ બીજા પણ એવા સ્થળે જાય જ્યાં જવાના એના એકસો ને એક ટકા ચાન્સ હોય! પણ એ મિલિટરીના હાથમાં આવતો નથી. આવું જ એક્ઝેક્ટલી ‘રો’માં બને છે.

રાઈટર-ડિરેક્ટર રૉબી ગ્રેવાલ ઈન્ડિયન આર્મીમાં કામ કરતા કેટલાક નામવિહોણા, ચહેરાવિહોણા, દેશ માટે જીવ આપી દેતા અચકાતા નહીં એવા જાંબાઝ જાસૂસોને આદરાંજલિ આપવા માગે છે. ફાઈન. એમનું ઈન્ટેન્શન બહુ જ સારું છે. કાશ, કથાકથનમાં પણ એમણે એટલું જ ગાંભીર્ય દાખવ્યું હોત. બન્યું છે એવું કે ‘રૉ’ ટુકડા ટુકડામાં સારી લાગે છે, પણ એક સળંગ-સુવાંગ ફિલ્મ બની શકી નથી. ફિલ્મ ઓપન થાય છેઃ પાકિસ્તાનની જેલમાં આપણા જાસૂસ રોમિયો (જૉન અબ્રાહમ)ના ચીતરી ચડે એવા ટૉર્ચરથી, લોહીનીંગળતા એના ચહેરાના ટાઈટ ક્લોઝઅપથી. સમયગાળો છેઃ 1971. એ પછી ફિલ્મ ફ્લૅશબૅકમાં જાય છે… સમય છે ભારત-પાકિસ્તાન વૉર (જેમાં ભારતે પૂર્વ પાકિસ્તાનની પાંખ કાપી નાખેલી)ના ભણકારા સંભળાઈ રહ્યાનો, ‘બાંગલા દેશ લિબરેશન વૉર’ની પૃષ્ઠભૂમાં. નૅશનલ બૅન્કનો કૅશિયર રોમિયો તરીકે જાણીતો રેહમતુલ્લા અલી (જૉન અબ્રાહમ) સારો ઍક્ટર પણ છે. એનો એક પરફોરમન્સ જોઈને દેશની જાસૂસી સંસ્થા રૉ (રીસર્ચ ઍન્ડ ઍનાલિસિસ વિંગ)ના વડા શ્રીકાંત રાય (જૅકી શ્રોફ) એને પાકિસ્તાનમાં ભારતના જાસૂસ તરીકે મોકલાવનું નક્કી કરે છેઃ હવાના સિગારનો ધુમાડો છોડતાં એ ધીરગંભીર અવાજમાં રોમિયોને કહે છેઃ “તુમ્હે એક ઐસી પરફોરમન્સ કે લિયે તૈયાર કરના ચાહતા હૂં જો હિંદુસ્તાન કા આને વાલા કલ બદલ દે”! પછી દિલ્હીમાં જાસૂસીની તાલીમ લઈ એ પાકિસ્તાનના કબજાવાળા કશ્મીરથી કરાચી સુધી પહોંચી પોતાનું કામકાજ શરૂ કરે છે.

‘રોમિયો-અકબર-વૉલ્ટર’ એમ ત્રણ ચહેરા ધરાવતા ભારતીય જાસૂસ વિશેની રૉબી ગ્રેવાલની ફિલ્મ આધારિત છે મૂળ રાજસ્થાનના વકીલ રવીન્દ્ર કૌશિકની સત્યકથા પર. રવીન્દ્ર પણ નાટક-બાટકમાં માહેર હતા. 1972માં બાવીસ વર્ષના રવીન્દ્રનો એક શો જોઈ તત્કાલીન રૉના અધિકારીએ એમની પસંદગી કરેલી. બે-ત્રણ વર્ષ તાલીમ આપી, નબી એહમદ શકીર એવું નામ આપ્યું, ઈસ્લામી તૌરતરીકા શીખવ્યા અને 1975માં એમને કરાચી મોકલેલા. કબીર ખાનની ‘એક થા ટાઈગર’નું સલમાન ખાનનું કેરેક્ટર પણ રવીન્દ્ર કૌશિકથી પ્રેરિત હતું.

ફિલ્મ પર પાછા ફરીએ તો, ગયા વર્ષે આવેલી મેઘના ગુલઝારની ‘રાઝી’ સાથે એની સરખામણી અટળ છે, પણ ‘રાઝી’ એક મહિલા જાસૂસની, વળવળાંકવાળી જકડી રાખતી ફિલ્મ હતી, જ્યારે ‘રૉ’ ધીમી ગતિએ ચાલતી, પટકથામાં બાકોરાં ધરાવતી, અમુક સમયે કંટાળાજનક બની જતી ફિલ્મ છે. કેટલાક પ્રસંગ, વળાંક તો એટલા જટિલ છે કે દિમાગની આકરી કસરત થઈ જાય છે.

‘પરમાણુઃ સ્ટોરી ઑફ પોખરાણ’ અને ‘સત્યમેવ જયતે’ બાદ જૉન અબ્રાહમ ઈન્ડિયન સ્પાય બનવા અથાગ મહેનત કરી છે એમાં બેમત નહીં. આ ઉપરાંત જૅકી શ્રોફ, પાકિસ્તાની લશ્કરી અફસર ખુદાબક્ષની ભૂમિકામાં સિકંદર ખેર, પાકિસ્તાનમાં ઈન્ડિયન ડિપ્લોમેટની ભૂમિકામાં મૌનિ રૉય, પાકિસ્તાનમાં ગેરકાયદે શસ્ત્રોનો વેપાર કરનાર ઈસાક અફ્રિદીની ભૂમિકામાં અનિલ જ્યૉર્જ, વગેરે પ્રભાવી. ટૂંકમાં, કમર્શિયલ થ્રિલની કે હાસ્યાસ્પદ લાગે એવી પટકથામાંની ખામીની પરવા કર્યા વિના સ્પાય વિશેની ફિલ્મ જોવાના તલબગારો ‘રૉ’ જોઈ શકે છે.

(જુઓ ‘રોમિયો અકબર વૉલ્ટર’નું ટ્રેલર)

httpss://youtu.be/HSHjC8VdzCM