મેરે પ્યારે પ્રાઈમ મિનિસ્ટરઃ છોટી ફિલ્મ…મોટી વાત…પણ…

ફિલ્મઃ મેરે પ્યારે પ્રાઈમ મિનિસ્ટર

કલાકારોઃ અંજલિ પાટીલ, ઓમ કનોજિયા, અતુલ કુલકર્ણી, મકરંદ દેશપાંડે

ડાયરેક્ટરઃ રાકેશ ઓમપ્રકાશ મેહરા

અવધિઃ આશરે પોણા બે કલાક

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત

ફિલ્મોમીટર રેટિંગઃ
★★★

મુંબઈની એક ગીચ ઝૂંપડપટ્ટીમાં આઠેક વર્ષનો કન્હૈયા અથવા કનુ આવતાંજતાંને કોન્ડોમ (મફત) વહેંચી રહ્યો છે. ત્યાં એની માતા આવે છેઃ “આ તું શું કરી રહ્યો છે”?

બાળક કહે છે કે “એનજીઓની ઈવા મૅડમે કહ્યું એટલે વહેંચી રહ્યો છું”.

“અરે આ કંઈ પ્રસાદ છે તે બધાને વહેંચી રહ્યો છે? તને ખબર છે આ શેના માટે વપરાય છે”?

“ના નથી ખબર… સમજાવ”.

ત્યાર બાદ, કૉન્ડોમથી વસતિવધારો અટકે એવી સમજણ માતા આપે છે કે નહીં એ કહી વાત લંબાવવાનો ઈરાદો નથી, પણ મૂળ વાત એ કે દેશ અને એ રીતે મુંબઈ વસતિથી ફાટફાટ થઈ રહ્યાં છે. દર મિનિટે છવ્વીસ બાળકો ઉંવા ઉંવા કરતાં અવતરી જાય છે. આવા સવાસો-દોઢસો કરોડની આબાદીના પ્રધાનમંત્રી કોનું, કેટલું ધ્યાન રાખે? પણ મુંબઈની ઝૂંપડપટ્ટીમાં મા સાથે રહેતો કનુ કહે છે એની (કનુની) મુશ્કેલીને પ્રાઈમ મિનિસ્ટરે પ્રાયોરિટી આપવી જ પડશે.

રાકેશ ઓમપ્રકાશ મેહરા આઠ વર્ષના કનુ (ઓમ કનોજિયા)ના દષ્ટિકોણથી વાર્તા કહે છે. કનુની સમસ્યા છે ટૉઈલેટ અથવા ટૉઈલેટ ન હોવું તે. મુંબઈની અનેક ઝૂંપડપટ્ટીની ઘોલકી જેવી ઓરડીઓમાં ફ્રિજ-ટીવી-એસી છે, પણ ટૉઈલેટ નથી. ઝૂંપડાં ગેરકાયદે છે એટલે મહાપાલિકા સંડાસ બાંધી આપતી નથી. કૉમન સંડાસ છે, પણ ઝૂંપડપટ્ટીથી દૂર છે, પાણીનાં ધાંધિયાં છે. આને લીધે કનુની પચીસ વર્ષી સિંગલ મધર સરગમ (અંજલિ પાટીલ)ને બીજી બહેનોની જેમ, સૂમસામ જગ્યાએ, ખુલ્લામાં શૌચ કરવા જવું પડે છે. એક દિવસ એ શૌચકાર્ય નિપટાવી ઘેર પાછી આવતી હોય છે ત્યારે એની પર બળાત્કાર થાય છે… એ પછી માની સેફ્ટી એ કનુના જીવનનું એકમાત્ર ધ્યેય બની જાય છે. એ માતા માટે ટૉઈલેટ બાંધવાના જાતજાતના પ્રયાસ કરે છે, પણ બધા નિષ્ફળ. ત્યાર બાદ દેશના વડા પ્રધાનનું ધ્યાન આ સમસ્યા તરફ દોરવાનું નક્કી થાય છે. વડા પ્રધાન કનુની અરજ સાંભળે ને તાત્કાલિક ટૉઈલેટ બાંધી આપે… આવી અરજી લખી વડા પ્રધાનને એ હાથોહાથ આપવા મિત્રો સાથે દિલ્હીનો પ્રવાસ ખેડે છે.

જો ફિલ્મપ્રેમીઓને યાદ હોય તો, 1957માં આર.કે. બૅનરની ‘અબ દિલ્લી દૂર નહીં’ આવેલી, જેમાં કનુ જેવો જ મુંબઈની ઝૂંપડપટ્ટીનો એક બાળક પોતાના પિતા (મોતી લાલ)ની ફાંસીની સજામાંથી મુક્તિ કરાવવા પોતાના મિત્ર સાથે જવાહરલાલ નેહરુને મળવા દિલ્હીનો પ્રવાસ ખેડે છે. જો કે ‘અક્સ’, ‘દિલ્હી-6’, ‘રંગ દે બસંતી’ તથા ‘ભાગ મિલ્ખા ભાગ’ જેવી ફિલ્મના સર્જક રાકેશ ઓમપ્રકાશ મેહરાની ‘મેરે પ્યારે પ્રાઈમ મિનિસ્ટર’ ટૉઈલેટ વિશેની નહીં, પણ સ્ત્રીસુરક્ષા વિશેની ફિલ્મ છે. મહિલા અધરાત-મધરાત ટૉઈલેટ જાય છે અને એ સેફ નથી, એની પર બળાત્કાર થાય છે. આનું કંઈ કરવું જ રહ્યું એવો મુદ્દો રાકેશજીએ ઉઠાવ્યો છે.

આ ફિલ્મ તમને એ હકીકતથી રૂબરૂ કરાવે છે કે આપણે માટે જે જરૂરિયાત છે એ સમાજના એક વર્ગ માટે લક્ઝરી છે. ફિલ્મમાં એક સ-રસ સીન છે, જેમાં કનુ પોતાની સરખામણી ઝૂંપડપટ્ટીની આસપાસ ઊભેલી ગગનચુંબી ઈમારતના રહેવાસીઓ સાથે કરે છેઃ “સાલું, આવી એક બિલ્ડિંગમાં રહેતા 300-400 લોકો માટે પોતપોતાનાં ટૉઈલેટ (કદાચ એક ફ્લૅટમાં બે પણ હશે) છે, જ્યારે ઝૂંપડપટ્ટીમાં રહેતા લાખો લોકો પાસે એક પણ નથી”.

મેહરાજીએ ફિલ્મ રિયલ લોકેશન પર શૂટ કરી છે. એમણે કલ્પેલાં દશ્યો-શૉટ્સને જડબેસલાક ટેકો મળ્યો છે પૉવેલ ડાયલ્લસના કૅમેરાનો. અનેક વેળાએ ડેની બૉયલની ‘સ્લમડૉગ મિલિયોનેર’ની યાદ અપાવી જાય છે.

‘મેરે પ્યારે પ્રાઈમ મિનિસ્ટર’ માતા-પુત્રના સંબંધ વિશેની ફિલ્મ પણ છે. બલકે વિકરાળ સામાજિક સમસ્યા (ટૉઈલેટ, બળાત્કાર)ને રાકેશજીએ આ લાગણીનીતરતા સંબંધ સાથે આપણી સામે મૂકી છે. માર્ક કરો મધર-સન દ્વારા ભજવવામાં આવેલું “આતી ક્યા ખંડાલા”… સોંગ. જો કે વચ્ચે વચ્ચે વાર્તા લથડિયાં ખાય છે. વાર્તાનો પીએમને દિલ્હી મળવા જવાનો ભાગ ઉતાવળે કહી દેવામાં આવ્યો છે અને અંત સગવડપૂર્વક ગોઠવી કાઢવામાં આવ્યો હોય એવું લાગે.

આમ છતાં ફિલ્મ જોવાનાં કેટલાંક કારણ છેઃ માતા-પુત્રના સંબંધ ઉપરાંત કનુના પડોશી, સરગમનો પપ્પુ (નીતિશ વાધવા) સાથે રોમાન્સ, કનુ અને એના ગોઠિયા (રિંગટોન-નિરાલા-મંગલા)ની ધિંગામસ્તી, એમની દોસ્તી, વગેરે. શંકર એહસાન લૉયે સ્વરબદ્ધ કરેલું “કાન્હા રે” સોંગ યાદ રહી જાય એવું છે.

અંજલિ પાટીલને તમે રાજકુમાર રાવ અભિનિત ‘ન્યૂટન’માં નક્સલવાદ-ગ્રસ્ત વિસ્તારની ઈલેક્શન ઑફિસર માલ્કો નેતામની ભૂમિકામાં જોઈ હશે (જે માટે એને નેશનલ એવૉર્ડ મળેલો). એ ફિલ્મની જેમ અહીં પણ એણે કમાલનું કામ કર્યું છે, મકરંદ દેશપાંડેની ટૂંકી ભૂમિકા નિરાશ કરી જાય છે. અંજલિની પડોશણ બનતી રસિકા આગાષે, એકાદ સીનમાં ચમકી જતો (દિલ્હીમાં) અતુલ કુલકર્ણી અને સૌથી મજેદાર ઓમ કનોજિયા તથા અન્ય બાળકોની ઈનોસન્સ આ ફિલ્મને જોવાલાયક બનાવે છે.

રાકેશ ઓમપ્રકાશ મેહરાની મોટી વાત કહી જતી એક નાના બજેટની ફિલ્મ ઉત્કૃષ્ટ કૃતિ બનતી રહી ગઈ છે, વચ્ચે વચ્ચે નબળી પડતી સ્ક્રિપ્ટને લીધે. એક વણમાગી સલાહઃ ઝાઝીબધી અપેક્ષાવિના ‘મેરે પ્યારે પ્રાઈમ મિનિસ્ટર’ જોવા જજો. તો જ એ માણી શકશો.

(જુઓ ‘મેરે પ્યારે પ્રાઈમ મિનિસ્ટર’નું ટ્રેલર)

httpss://youtu.be/vIa2XyG5mIY