છિછોરે: માણવા જેવી કૅમ્પસ કૉમેડી…

ફિલ્મઃ છિછોરે

કલાકારોઃ સુષાંતસિંહ રાજપૂત, શ્રદ્ધા કપૂર, વરુણ શર્મા

ડાયરેક્ટરઃ નીતિશ તિવારી

અવધિઃ બે કલાક છવ્વીસ મિનિટ

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત

ફિલ્મોમીટર રેટિંગઃ
★★★1/2

ગુજરાતી ભાષામાં છિછોરેની સૌથી નજીક આવતો શબ્દ મેં દક્ષિણ ગુજરાતમાં અવારનવાર સાંભળ્યો છેઃ હલકો. અંગ્રેજીમાં ચીપ. “હારા, એ કોલેજના પોયરા ટો હલકા છે, હલકા. છેવટે હલકાઈ પર ઊતરી આઈવા…”

-તો એવા કેટલાક હલકા અથવા ‘છિછોરે’ની વાર્તા લઈને આવ્યા છે નીતિશ તિવારી. અને એ પણ કેવો ક્યૂટ કો-ઈન્સિડન્સ છે કે હિંદી સિનેમાઈતિહાસની સૌથી વધુ વકરો કરનારી 10 ફિલ્મોની પંગતમાં બેસતી ‘થ્રી ઈડિયટ્સ’ની રિલીઝના 10 વર્ષ બાદ ઑલમોસ્ટ એવા જ કથાનક પર આધારિત છે ‘દંગલ’ના સર્જક નીતિશ તિવારીની ‘છિછોરે’. બન્ને ફિલ્મ વચ્ચે સરખામણી ટાળી શકાય એમ નથી છે, તેમ છતાં, કહી શકાય કે ‘થ્રી ઈડિયટ્સ’માં વધુમાં વધુ માર્ક્સ મેળવીને સફળતા પાછળ દોડવાને બદલે તમને જે ગમે છે, તમે જે સપનું જોયું છે એને સાકાર કરવાની વાત હતી, જ્યારે ‘છિછોરે’ કહે છે કે લૂઝર્સ ખરેખર તો સાચા ફાઈટર હોય છે. પોતે લડાઈ જીતવાના નથી એ ખબર હોવા છતાં પણ ગમેતેવા સંજોગમાં, લીધેલી વાતનો તંત મૂકતા નથી. ફિલ્મ એમ પણ કહે છે કે જીવનના અઘરા પાઠ ક્લાસરૂમની બહાર શીખવા મળે છે. મૂળ વાત કૅમ્પસ પર આકાર લે છે એટલે નીતિશજીએ પરીક્ષા દરમિયાન સ્ટુડન્ટ પર આવતું પ્રેશર તથા માનસિક તણાવને પણ વાર્તામાં વણી લીધાં છે.

તો, આવાં કથાનકવાળી અન્ય ફિલ્મો- ‘જો જીતા વો હી સિકંદર’, ‘હીપ હીપ હુર્રે’, ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’, વગેરેને યાદ કરીને ‘છિછોરે’ની વાત માંડીએ. એક નામાંકિત એન્જિનિયરિંગ કૉલેજમાં ભણતા સ્ટુડન્ટ્સનો લૂઝર્સથી ચૂઝર્સ સુધીનો પ્રવાસ એટલે ‘છિછોરે’. એ કૉલેજનાં સ્ટુડન્ટ અનિરુદ્ધ પાઠક (સુષાંતસિંહ), માયા (શ્રદ્ધા કપૂર) અને સાથે ભણતા ચડ્ડી બડ્ડી અમુક કપરા સંજોગમાં ભેગાં થાય છે અને શરૂ થાય છે હૉસ્ટેલના, કેન્ટીનના, રૅગિંગના, કૉલેજના મેદાન પર રમાતી સ્પૉર્ટ્સ (જનરલ ચૅમ્પિયનશિપ)ના દિવસોની સ્મૃતિસફર. કૉલેજ છોડ્યાનાં વીસ વર્ષ પછી ભેગા થયેલા મિત્રોને ખ્યાલ આવે છે કે એમની દોસ્તી, એમની વચ્ચેનું બૉન્ડિંગ આજે પણ અકબંધ છે.

ફિલ્મની પટકથા વર્તમાન-ભૂતકાળ વચ્ચે આવતીજતી રહે છે ને એ રીતે પ્રેક્ષકને એમાં ઓતપ્રોત રહેવા પ્રેરે છે. આ ફિલ્મની ખૂબી છે એનું લેખન. લેખકો પીયૂષ ગુપ્તા-નિખિલ મેહરોત્રા અને નીતિશ તિવારીએ હ્યુમર-ઈમોશન્સ અને ફિલસૂફી બખૂબી વણી લીધાં છે.

દિગ્દર્શક નીતિશ તિવારીએ વારંવાર કહ્યું છે કે આ ફિલ્મ એટલે એમણે મુંબઈ ‘આઈઆઈટી’માં વિતાવેલાં ચારેક વર્ષના અનુભવનો નિચોડ. શું તેથી જ સુષાંતસિંહ રાજપૂતનો લૂક નીતિશ જેવો રાખવામાં આવ્યો હશે?

ફિલ્મ જોતી વખતે આપણા સ્કૂલ-કૉલેજના દિવસો, મિત્રો તથા એમની સાથેનું પુનઃ મિલન (રિયુનિયન) અચૂક યાદ આવી જશે. એ મિત્રો, એમની સાથે કરેલી ધમાલધિંગામસ્તી, સ્કૂલ-કૉલેજની કેન્ટીન, જેમાં સર્વ થતા ભોજનથી નહીં, પણ યારદોસ્તની કંપનીથી પેટ ભરાઈ જતાં હતાં, દરેકના સ્વભાવ (ક્યારેક શારીરિક ખામી-ખૂબી)ને ધ્યાનમાં રાખીને હુલામણાં નામ આપવામાં આવતા. જેમ કે અહીં હૉસ્ટેલ 4ના સેક્સા-ઍસિડ-મમ્મી-ડેરેક અને બેવડા છે.

અંતે એક-બે વાત ફિલ્મના કલાકારો વિશેઃ સુષાંતસિંહ રાજપૂત, શ્રદ્ધા કપૂર, વરુણ શર્મા ઉપરાંત તાહિર રાજ ભસીન, પ્રતીક બબ્બર, નવીન પોલિશેટ્ટી, તુષાર પાંડે, સહર્ષ શુક્લાના ઉલ્લેખ કરવા જ રહ્યા. બધાએ કમાલનું કામ કર્યું છે.

ટૂંકમાં, ‘છિછોરે’ સ્કૂલ-કૉલેજ ફ્રેન્ડ્સ સાથે, યારબિરાદરો સાથે થિયેટરમાં જઈને માણવા જેવી ફિલ્મ છે.

(જુઓ ‘છિછોરે’નું ટ્રેલર)