સેક્શન 375: લૉ ને જસ્ટિસ વચ્ચે અટવાતું સત્ય

ફિલ્મઃ સેક્શન 375

કલાકારોઃ અક્ષય ખન્ના, રિચા ચઢ્ઢા, રાહુલ ભટ્ટ, પૂજા ચોપરા

ડાયરેક્ટરઃ અજય બહલ

અવધિઃ 123 મિનિટ

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત

ફિલ્મોમીટર રેટિંગઃ
★★★

બોલીવૂડના ચકચારભર્યા રેપ-કેસમાં ફસાયેલા આરોપીનો કેસ હાથમાં લેવા બદલ શહેરના નામાંકિત, હાઈ-પ્રોફાઈલ વકીલને એની પત્ની ઠપકારે છે ત્યારે એ કહે છેઃ આમાં ખોટું શું છે? કન્વિક્ટેડ રેપિસ્ટને પણ પોતાનો બચાવ કરવાનો અધિકાર છે… બીજા એક સીનમાં એ જ લૉયર કહે છેઃ કાયદાનો અર્થ કંઈ ન્યાય થતો નથીઃ લૉ ઈઝ નૉટ અ જસ્ટિસ. કાનૂન તો ઈન્સાફ સુધી પહોંચવાનું એક ઓજારમાત્ર છે

લેખક-દિગ્દર્શક અજય બહલની સેક્શન 375 બે કલાક સુધી ખુરશીમાં બેસાડી રાખે છે ચુસ્ત લેખન તથા આવા અનેક ચોટદાર સંવાદોને કારણે. ભઈ, ત્રણ વર્ષ પહેલાં અનિરુદ્ધ રૉય ચૌધરી પિંક લઈને આવેલા, જેમાં એમણે એવો મુદ્દો કરેલો કે જો કોઈ છોકરી ના કહે તો એનો અર્થ ના જ થાય. જ્યારે સેક્શન 375 કહે છે કે બધા કેસમાં નાનો અર્થ ના ન પણ હોઈ શકે. કેસ કંઈ આવો છેઃ

બોલીવૂડના જવાન, પ્રતિભાશાળી, સફળ ડિરેક્ટર રોહન ખુરાના (રાહુલ ભટ્ટ) પર પોતાની ફિલ્મની કૉસ્ચ્યૂમ આસિસ્ટંટ અંજલિ ડાંગલે (મીરા ચોપરા) પર રેપ કરવાનો આરોપ છે, જેમાં નીચલી અદાલત એને દસ વર્ષની સજા ફટકારે છે. એ પછી, સ્ટેટ વર્સીસ રોહન ખુરાના રેપ-કેસ હાઈ કોર્ટમાં જાય છે. રોહન ખુરાનાનો કેસ હાથમાં લે છે ટૉપ લૉયર તરુણ સલુજા (અક્ષય ખન્ના), જ્યારે પબ્લિક પ્રોસિક્યૂટર બને છે હીરલ ગાંધી (રિચા ચઢ્ઢા). એ પછી બે જજ (અફલાતૂન ઍક્ટર કિશોર કદમ અને કૃતિકા દેસાઈ)ની બેન્ચ સમક્ષ કેસ શરૂ થાય છે અને દાખલા-દલીલ-તેહકીકાત-સબૂતના સથવારે આગળ વધતી ફિલ્મ અંતે જ્યાં પહોંચે છે એ જોઈને મગજ બહેર મારી જાય છે…

પાંચ વર્ષ પહેલાં ચર્ચાસ્પદ બીએ પાસ ફિલ્મ સર્જનાર  ડિરેક્ટર અજય બહલની ‘સેક્શન 375’ના લેખક છેઃ ચકચારભર્યા આરુષી તલવાર-હેમરાજ ડબલ મર્ડર કેસ પર આધારિત ફિલ્મ ‘રહસ્ય’ના લેખન-દિગ્દર્શન સંભાળનાર મનીષ ગુપ્તા. ઊંડા સંશોધન બાદ લખેલી એમણે લખેલી કથા-પટકથા જડબેસલાક છે, પણ ડિરેક્શન કદાચ કોઈને ડૉક્યૂમેન્ટરી ફિલ્મની યાદ અપાવી દે. જેની પર આખ્ખો કેસ ઊભો થયો એ રેપ પણ ફિલ્મમાં રીપીટ થયા કરે છે, એવી જ રીતે વિક્ટિમના શરીર પર થયેલા જખમના ક્લોઝઅપ્સ. લેખક-દિગ્દર્શક સતત લૉ અને જસ્ટિસ વચ્ચેની પાતળી ભેદરેખા પર કટાક્ષ કર્યા કરે છે. જેમ કે તરુણ સલુજાના મોંમાં મૂકવામાં આવેલો આ સંવાદ ફિલ્મની ટેગલાઈન છેઃ “લૉ ઈઝ અ ફૅક્ટ, જસ્ટિસ ઈઝ ઍન ઍબ્સ્ટ્રેક્ટ”. આ જ તરુણ સલુજા એક સીનમાં કહે છેઃ “વી આર નૉટ ઈન ધી બિઝનેસ ઑફ જસ્ટિસ- વી આર ઈન ધી બિઝનેસ ઑફ લૉ”. આ અને આવા અગણિત સંવાદ, કાયદાની ભાષામાં થતી દલીલો, વગેરે અંગ્રેજીમાં છે, જે કદાચ ઘણા પ્રેક્ષકના માથા પરથી જતી રહેશે. આ છે ફિલ્મનાં કેટલાંક નરસાં પાસાં. ફિલ્મમાં ટિ્વટર, ફેસબુક, ટીવીચેનલ દ્વારા યોજાતી સમાંતર કોર્ટ અને એના ચુકાદા પર તથા જાતીય સતામણીની જાગરૂકતા માટે દેશદુનિયામાં ચાલેલી #MeToo મૂવમેન્ટના દુરુપયોગ પર ધારદાર કટાક્ષ છે.

સબળ પાસાં જોઈએ તોઃ અક્ષય ખન્ના ફુલ ફૉર્મમાં છે, જ્યારે રિચા ચઢ્ઢા પાવરફુલ નહીં એવા પબ્લિક પ્રોસિક્યૂટરના રોલમાં ખાસ જામતી નથી. રાહુલ ભટ્ટ, પૂજા ચોપરાના મોટા ભાગના સીન્સ કોર્ટમાં બેસી રહેવાના છે. કોર્ટ બહારના સીન્સમાં બન્ને ઠીકઠાક છે. અહીં ખાસ ઉલ્લેખ મરાઠી રંગમંચ-ફિલ્મઍક્ટર કિશોર કદમ (જજ)નો કરવો રહ્યો. ‘પિંક’ના જજ (ધૃતિમન ચેટરજી)ની જેમ કિશોર કદમ પોતાની છાપ છોડી જાય છે. એક સીનમાં તરુણ સલુજા આગલો એક ચુકાદો ટાંકી પોતાના અસીલ (રાહુલ)ને છોડી મૂકવાની વિનંતી કરતાં કહે છેઃ “સર, એ કેસમાં આરોપીને છોડી દેનારા જજ આપ જ હતા” ત્યારે એ કહે છેઃ “વન સાઈઝ ફિટ્સ ઑલની મારી પાસેથી અપેક્ષા ન રાખશો” અર્થાત દરેક કેસમાં કંઈ ચુકાદો એકસરખો ન હોય. જો કે આ આખ્ખી કસરતમાં એક વાત ઓલમોસ્ટ વિસારે પાડી દેવામાં આવી છે કે રેપ કંઈ હંમેશાં સેક્સ માટે જ થતો નથી. અનેક કિસ્સામાં એ શક્તિપ્રદર્શન હોય છે.

ઈન શૉર્ટ, ફિલ્મની નબળી બાજુ દર્શાવી એને નજરઅંદાજ કરીને એક પાવરફુલ કોર્ટરૂમ ડ્રામા તમારી પસંદગી હોય તો ‘સેક્શન 375’ જોવામાં વાંધો નથી.

(જુઓ ‘સેક્શન 375‘નું ટ્રેલર)