બદલાઃ ભ્રામક સત્યનો મેજિક… જકડી રાખતી માઈન્ડ ગેમ

ફિલ્મઃ બદલા

કલાકારોઃ અમિતાભ બચ્ચન, તાપસી પન્નૂ, અમૃતા સિંહ

ડાયરેક્ટરઃ સુજોય ઘોષ

અવધિઃ આશરે બે કલાક

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત

ફિલ્મોમીટર રેટિંગઃ
★★★1/2

ફિલ્મના ઓપનિંગમાં ખૂનકેસમાં ફસાયેલી એક જુવાન સ્ત્રી પોતાના વકીલને કહે છે કે “સાચું કહું છું, મેં કંઈ જ કર્યું નથી”…

તો જવાબમાં વકીલ કહે છેઃ “ઘણી વાર કંઈ ન કરવાની પણ સજા મળતી હોય છે… જેમ કે હોમવર્ક”… પછી પોતે જ પોતાના પીજે પર હસતાં એ કહે છેઃ “આઈ નો, ખરાબ જોક હતી”…

બસ, આવા એકાદબે સીન-સંવાદને બાદ કરતાં ‘બદલા’ બે કલાક સુધી સીટ પર જકડી રાખતું રિવેન્જ થ્રિલર છે. ‘બદલા’ના ડિરેક્ટર સુજોય ઘોષ જાણીતા છે ‘ઝંકાર બીટ્સ’, ‘કહાની’, ‘કહાની ટુ’ તથા દસ વર્ષ પહેલાં અમિતાભ બચ્ચનને લઈને ‘અલ્લાદીન’ જેવી ફિલ્મો માટે. હવે એ રિવેન્જ થ્રિલર એટલે ‘બદલા’ લઈને આવ્યા છે, જે 2016માં આવેલી ઓરિઓલ પાઉલોની સ્પેનિશ ફિલ્મ ‘કોન્ત્રેતિએમ્પો’ (અંગ્રેજીમાં ‘ધ ઈન્વિસિબલ ગેસ્ટ’)ની રિમેક છે. એક વધારાની ઈન્ફર્મેશનઃ આ જ સ્પેનિશ ડિરેક્ટરની વધુ એક ફિલ્મ હિંદીમાં આવી રહી છે ‘ધ બૉડી’, જેમાં રિશી કપૂર, ઈમરાન હાશમી છે ને એ ટૂંક સમયમાં રિલીઝ થશે. ઓક્કે, સુજોય દાએ ભારતીય પ્રેક્ષકને ધ્યાનમાં રાખીને એમાં ઘણા ફેરફાર કર્યા છે, પણ મૂળ વાર્તા, પાત્રાલેખન એ જ છે. હા, મૂળ સ્પેનિશ ફિલ્મમાં એક પુરુષ પર ખૂનનો આરોપ હતો ને એને બચાવવા એક મહિલા વકીલ આવે છે. અહીં સ્ત્રી પર ખૂનનો આરોપ છે, જેનો કેસ એક પુરુષ વકીલ હાથમાં લે છે.

વાર્તા આકાર લે છે લંડન અને એની આસપાસના કન્ટ્રીસાઈડમાં. સકસેસફુલ, પરિણીત બિઝનેસ વુમન નૈના સેઠી (તાપસી પન્નૂ) પર એના લવર અર્જુન (મલયાલી અભિનેતા ટોની લ્યૂક)નું મર્ડર કરવાનો આરોપ છે. જે હોટેલ-રૂમમાં એ બન્ને હતાં એ જ હોટેલરૂમમાં અર્જુનનું ખૂન થાય છે. પોલીસ રૂમમાં પહોંચે છે ત્યારે નૈના સિવાય ત્યાં ત્રીજું કોઈ ન હોવાથી નેચરલી, શંકા નૈના પર જ જાય, પણ નૈનાનું કહેવું છે કે આ એને ફસાવવા કરવામાં આવેલું એક સુનિયોજિત કાવતરું છે. એણે ખૂન કર્યું જ નથી. બાદલ ગુપ્તા (અમિતાભ બચ્ચન) બાહોશ વકીલ છે, જે નૈનાનો કેસ હાથમાં લે છે. કોર્ટમાં દલીલ કરવા એ નૈનાની પૂછપરછ શરૂ કરે છે ને રહસ્યનાં પડળ એક પછી એક ખૂલતાં જાય છે.

સસ્પેન્સ થ્રિલર ફિલ્મના સર્જકની જીત ત્યારે થાય જ્યારે ફિલ્મ જોતાં જોતાં હવે શું? કોણ હશે? કેવી રીતે બધું બન્યું હશે? જેવા સવાલ સતત પ્રેક્ષકનાં મગજમાં ઘોળાયા કરે. એ રીતે અહીં સુજોય ઘોષની જીત છે. અજય દેવગનને ચમકાવતી ‘દ્રશ્યમ’ બાદ ઘણા સમયે એક સુવાંગ સસ્પેન્સ થ્રિલર જોવા મળ્યું એમ કહેવામાં અતિશયોક્તિ નહીં ગણાય.

તાપસી પન્નૂ માટે કહેવું પડે કે ‘પિંક’ અને ‘મુલ્ક’નું સાતત્ય એણે જાળવી રાખ્યું છે. નૈના સેઠીની ભૂમિકા એણે પૂરા કન્વિક્શનથી ભજવી છે. એની કરિયરની બેસ્ટ ફિલ્મમાં ‘બદલા’નો સમાવેશ કરવો જ પડે એવો એનો પરફોરમન્સ છે. અમૃતાસિંહ અહીં સાબિત કરે છે કે અભિનયની ધાર બુઠ્ઠી થઈ જ નથી, સક્ષમ અભિનેતા માનવ કૌલ (‘તુમ્હારી સુલુ’માં વિદ્યા બાલનનો હસબંડ યાદ છેને?) વેડફાયો હોય છે. જ્યારે અભિનયસમ્રાટ બચ્ચન સાહેબે અનુભવી વકીલના પાત્રમાં પોતાનો કસબ કામે લગાડી એને (પાત્રને) એક નવું પરિમાણ આપ્યું છે. જો કે એમના સંવાદમાં મહાભારતના સતત, વારંવાર ઉલ્લેખ આવ્યા કરે છે એ ટાળીને એમને વધુ ધારદાર સંવાદ આપી શકાયા હોત. કદાચ સ્પેનિશ ફિલ્મની વાર્તા વધુ ઈન્ડિયન લાગે એ માટે મહાભારત, દ્રૌપદી, સંજય, ધૃતરાષ્ટ્ર, વગેરેના સંદર્ભ રાખવામાં આવ્યા હોય એવું બની શકે.

જો તમે સસ્પેન્સ ફિલ્મના ચાહક હો, ખૂન કોણે કર્યું હશે એ જાણવા આખી રાત જાગીને નવલકથા પૂરી કરતા હો, નાચના-ગાના-રોમાન્સ-કૉમેડીની ખાસ પરવા ન હોય અને (અસીલ-વકીલ વચ્ચે ચાલતી) સતત વાતચીતવાળો ભાગ અટ્રેક્ટ કરતી હોય તો ‘બદલા’ની ટિકિટ બુક કરો.

(જુઓ ‘બદલા’નું ટ્રેલર)

httpss://youtu.be/mSlgu8AQAd4