ફિલ્મઃ 2.0
કલાકારોઃ રજનીકાંત, અક્ષયકુમાર, એમી જેક્સન
ડાયરેક્ટરઃ એસ. શંકર
અવધિઃ અઢી કલાક
★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત
ફિલ્મોમીટર રેટિંગઃ
★★★
આમીર ખાનની ‘થ્રી ઈડિયટ્સ’માં પ્રોફેસર બનતા કલાકાર અચ્યુત પોતદારનો અતિપ્રસિદ્ધ સંવાદ છે, જેના પરથી ઢગલાબંધ ઠઠ્ઠાચિત્ર (નવી જનરેશનની ભાષામાં મેમ) બન્યાં છેઃ ‘કેહના ક્યા ચાહતે હો’? તમિળ સર્જક એસ. શંકરની ‘2.0’નું એક પાત્ર ઓલમોસ્ટ આવો સવાલ કરે છે. ફિલ્મની બિગનિંગમાં એવું બતાવવામાં આવે છે કે પ્રત્યેક શહેરવાસીના સેલફોન અચાનક હથેળીમાંથી છટકીને આકાશ તરફ ગતિ કરી જાય છે ને પછી… સાવ અદશ્ય…ગૉન. પછી તો સેલફોન ટાવર પણ અચાનક કડડભૂસ થવા માંડે છે, મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર, મોબાઈલ વેચનારા, અમુક રાજકારણી બધાની પાછળ આ અદશ્ય વિલન આદું ખાઈને પાછળ પડી જાય છે. ચિંતિત સરકાર ભેજાબાજ વિજ્ઞાની ડૉ. વસીગરન (રજનીકાંત)ની સલાહ માગે છે તો એ કહે છેઃ આ માટે આપણે રોબો ચિટ્ટી (રજનીકાંત)ની મદદ લેવી પડશે. ત્યાં સુધી, લગભગ સવાકલાક સુધી એકસરખા સીન રિપીટ થયા કરે છેઃ ફોન હાથમાંથી સરકતા જાય, સેલફોન ટાવર નાશ પામતા જાય, વગેરે. છેક ઈન્ટરવલ આવતાં સુધીમાં ચિટ્ટી અને ડૉ. વસીગરનને ખબર પડે છે કે આ ખતરનાક વિલન છે કોણ. ચિટ્ટી અને વિલન પક્ષીરંજન (અક્ષયકુમાર) આમનેસામને થાય છે ત્યારે ચિટ્ટી (‘થ્રી ઈડિયટ્સ’) જેવો સવાલ કરે છેઃ ‘આઈલ્લા, યે સબ તૂમ ક્યૂં કર રહે હો’? એ પછી શરૂ થાય છે એક લાં…બો ફ્લેશબેક, જેમાં આપણને ખબર પડે છે કે પક્ષીરંજનને સેલફોન સામે વાંધો શું છે. ફિલ્મમાં એમી જેક્સન ફીમેલ રોબો નીલાના પાત્રમાં છે. એ ડૉ. વસીગરનની સેક્રેટરી-કમ-આસિસ્ટન્ટ-કમ મદદગાર છે. એ ડૉક્ટરને તથા રોબો ચિટ્ટીને પક્ષીરંજનથી વારંવાર બચાવે છે.
2010માં આવેલી શંકરની જ ‘એન્ધિરન’ અથવા ‘રોબો’ની સિક્વલ ‘2.0’ અઢી કલાકની વિરાટ સ્કેલની ફિલ્મ છે. સાચ્ચું. આશરે પાંચસો કરોડ રૂપિયાના ખર્ચે બનેલી ભારતીય સિનેમાઈતિહાસની સૌથી ખર્ચાળ ફિલ્મ. એટલે જ એમાં 67 વર્ષી સ્ટાર રજનીકાંતની સાથે, ભારતભરના પ્રેક્ષકોને આકર્ષવા અક્ષયકુમારને લેવામાં આવ્યો છે. જો કે અક્ષયના ફૅન્સે એની એન્ટ્રી માટે ઈન્ટરવલ સુધી રાહ જોવી પડશે. ઓક્કે. ‘રોબો’માં શંકરે એક સવાલ રમતો મૂકેલો કે યંત્રમાનવમાં લાગણી જન્મે તો શું થાય? પરિણામે એમાં માનવ અને યંત્રમાનવની લડાઈ હતી. હવે શંકર રજૂ કરે છેઃ મૅન-રોબો વર્સીસ સેલફોન્સ… ઈનફૅક્ટ, શંકર આ ફિલ્મ સાથે ઘણીબધી ચિંતા વ્યક્ત કરે છેઃ માનવીનાં અમર્યાદિત લોભલાલસા, પશુપપક્ષી સાથે માનવીની ભાવશૂન્યતા, કુદરત અથવા નેચર સામે માનવી દ્વારા આચરાતી ક્રૂરતા, વગેરે વગેરે.
જો કે વિરાટ સ્કેલ, ચકરાવામાં પાડી દે એવા સીન્સ-ટેક્નોલોજી, વગેરે વગેરે હોવા છતાં ‘2.0’ અલ્ટિમેટલી નિરાશ કરે છે. ધારો કે કોઈ તમને મોંઘા ભાવે ફાઈવ-જીની સ્પીડવાળું સીમ કાર્ડ વેચે, પણ એમાં સ્પીડ ટુ જીની મળે તો કેવી નિરાશા થાય? બસ, આવી નિરાશા ‘2.0’ જોઈને થાય છે. આનું કારણ છેઃ સુસ્ત લેખન. ભાઈ શંકરે પણ પટકથા, પાત્રાલેખનને નજરઅંદાજ કરી એમનું બધું ધ્યાન વીએફએક્સ અને સિનેમેટોગ્રાફી પર કેન્દ્રિત કર્યે રાખ્યું. તમે ફિલ્મ જોઈને બહાર નીકળો તો કોઈ પણ કેરેક્ટર ન તો યાદ રહે છે ન કોઈને માટે લાગણી થાય છે. અચાનક માનવીની એનર્જી ને ઑરા વિશે ભાષણ આવી જાય, અચાનક એવા સીન આવી જાય, જે અકારણ કોમિક બની જાય. બર્ડલવર, બર્ડએક્સપર્ટ પક્ષીરંજનની બૅકસ્ટોરી અથવા ભૂતકાળ વિઝ્યુઅલી ચમકાવી મૂકે એવો છે, પણ એનું લેખન નબળું છે. એમાંય, હૉસ્પિટલમાં એના જન્મ વખતે જે બાળક બતાવવામાં આવે છે એ રીતસરનો ઢિંગલો દેખાય છે. ઍક્ચુલી, આ સીનની કંઈ જરૂર પણ નહોતી.
કબૂલ કે અમુક સીન્સ તથા સ્પેશિયલ ઈફેક્ટસ કમાલની છે. આવી કલ્પના કરવી અને એનું એક્ઝિક્યૂશન દાદ માગી લે છે. ચિત્રલેખાએ એક વધારાનો સ્ટાર પણ એટલે જ આપ્યો છે, પણ એક આખી ફિલ્મ તરીકે ‘2.0’ નિરાશાજનક છે. અવનવી ટેક્નોલોજી આવકાર્ય, પણ એની સાથે પશુપક્ષીનું અસ્તિત્વ જોખમમાં આવી ન જાય એનું માનવીએ ધ્યાન રાખવું રહ્યું એ સંદેશ વધુ સારી રીતે આપી શકાયો હોત.
(જુઓ ‘2.0’નું ટ્રેલર)
httpss://youtu.be/_qOl_7qfPOM