પડદા પર છેલ્લે હીરોની સામે વિલન હારી જતો હોય છે, પણ વાસ્તવમાં અનેક ખલનાયકો એવા છે જે લોકપ્રિયતામાં ક્યારેક હીરોથી પણ આગળ નીકળી ગયાના દાખલા છે. આવો, ઈન્ડસ્ટ્રીના કેટલાક ટોચના ખ્યાતનામ વિલનોની વાતો મમળાવીએ.
– અજિત પોપટ
(‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ. આ લેખ છે ૨૦૦૨ દીપોત્સવી અંકનો)
‘વિલન કહો કે બૂરા આદમી કહો, જીવનમાં જે કંઈ આનંદ છે એ ખલનાયકને કારણે છે. જીવનમાં બધું જ સુષ્ઠુ સુષ્ઠુ હોય તો જીવન જીવવા જેવું ન રહે. ‘રામાયણ’માં રાવણ અને ‘મહાભારત’માં દુર્યોધન-શકુનિ ન હોય તો એમાં વાંચવા જેવું શું રહ્યું?’
આ શબ્દ છે રૂપેરી પડદાના અજોડ વિલન પ્રાણના. થોડા મહિના પહેલાં ઝી ટીવી તરફથી પ્રાણને ‘લાઈફટાઈમ અચિવમેન્ટ એવૉર્ડ’ એનાયત થયો એ પછીની ક્ષણોમાં ‘જી’ સાથે બોલતાં આ વયોવૃદ્ધ કલાકારે આ શબ્દો ઉચ્ચારેલા. ‘વિધાઉટ ગ્રે શેડ લાઈફ વૂડ નો મોર બી એન્જોયેબલ’ (રાખોડી ઝાંય વિનાનું જીવન આનંદભર્યું ન રહે).
પચીસ પચીસ વરસ સુધી હિંદુસ્તાનના કોઈ દંપતીએ પોતાના સંતાનનું નામ પ્રાણ નહોતું રાખ્યું એવો તો ખૌફ હતો આ વિલનનો. મુંબઈના વાનખેડે સ્ટેડિયયમમાં કોઈ ટેસ્ટ મૅચ પ્રસંગે એક યુવતી બેટ્સમેનની સિક્સરને બિરદાવવા જતાં ઊભી થઈ ગઈ. એનું પર્સ નીચે પડી ગયું. પ્રાણે એ ઊંચકીને પાછું આપ્યું. પેલીએ થેન્કસ કહેવા પર્સ આપનાર સામે જોયું તો ભયની મારી અવાચક્ બની ગઈ. સામે પ્રાણ ઊભા હતા.
ખલનાયકની કલ્પના તો દુનિયાભરના સાહિત્યમાં છે. હિંદુ ગ્રંથોમાં એને દાનવ-અસુર કે રાક્ષસ કહીએ, ઈસ્લામમાં જિન-ખવીસ કહેશે, કિશ્ર્ચનો શેતાન કહેશે. આમ ખલનાયક વિના ચાલવાનું નથી. જગમશહૂર નવલકથા ‘જેકીલ એન્ડ હાઈડ’માં એક જ વ્યક્તિનાં બે પાસાં નજરે પડે છે. દિવસે સજ્જન, રાત્રે શેતાન.
‘એક્ઝેક્ટલી. આઝાદી પછીની હિંદુ ફિલ્મોમાં શરૂનાં વરસોમાં વિલનો એવા જ હતા.’ પ્રાણ કહે છે: રાજ કપૂર-નૂતનને ચમકાવતી ‘અનાડી’ કે દિલીપકુમાર-રાજકુમારને પહેલીવાર ચમકાવનારી જૈમિનીની ‘પૈગામ’ ફિલ્મ-બન્નેમાં ચરિત્રનટ મોતીલાલ ખલનાયક હતા. ‘અનાડી’માં પરાકાષ્ઠાનાં દૃશ્યોમાં ભરી અદાલતમાં રાજ કપૂર પોતે નહીં કરેલો ગુનો સ્વીકારી લે છે ત્યારે મોતીલાલ કહે છે- ‘ના ના. તારા જેવા અનાડીના હાથે મારે પરાજિત નથી થવું.’ અને મોતીલાલ ગુનો કબૂલી લે છે. ત્યારે ‘પૈગામ’માં અતં ઘડીએ આપઘાત કરવા ઈચ્છતા મિલ માલિકને (મોતીલાલને) હીરો-હીરોઈન ઉગારી લે છે.
આ પ્રકારના વિલનને રૂઢ અર્થમાં વિલન નહીં કહી શકીએ. એ કોઈનું ખૂન કરતા નથી, એ કોઈ પર બળાત્કાર કરતા નથી. પણ એ સમાજને દગો આપે છે. દિવસે સજ્જન થઈને ફરે છે. રાત્રે કાળાં કામ કરે છે, પ્રાણ સમજાવે છે.
આઝાદી પહેલાંની ફિલ્મોમાં પણ વિલન તો હતા. પરંતુ આજની જેમ બેફામ હિંસા નહોતી. પડદા પર જેની આંખો ક્લોઝ-અપમાં રજૂ થતાં જ ભલાભલા ધ્રૂજી ઊઠે એવા ચંદ્રમોહન અને ખલનાયકીને જુદી રીતે પેશ કરનાર યાકુબની બોલબાલા હતી. રાજ કપૂરની ‘આવારા’ ફિલ્મથી કે. એન. સિંઘની એન્ટ્રી થઈ. કદાવર વ્યક્તિત્વ, બિહામણી ત્રાંસી આંખ અને કરડો કંઠ કે. એન. સિંઘની ખૂબી હતી. બી. એ. એલએલ.બી.ની ડિગ્રી ધરાવતા સિંઘ માનતા કે માત્ર ચહેરા પર ક્રૂરતા પાથરીને વગર હિંસાએ ધારી અસર ઉપજાવી શકાય. સિંઘનું વાંચન વિશાળ હતું.
કદાવર વ્યક્તિત્વની વાત કરીએ તો જયંતનું નામ લીધા વિના નહીં ચાલે. આજની પેઢીને એમની ઓળખ ગબ્બર સિંહ, (અમજદ ખાન)ના પિતા તરીકે આપવી પડે પરંતુ એમનો મર્દાના કંઠ અને કસરતી બદન વિલન તરીકેના વ્યક્તિત્વને ઉઠાવ આપતું. દેવ આનંદ (માયા ૧૯૬૧) કે વિશ્ર્વજિત (એપ્રિલ ફૂલ ૧૯૬૪) જેવા સૂકલકડી હીરો જયંતને મારતા દેખાય ત્યારે રમૂજ અનુભવાતી. ઓડિયન્સ હો હા કરીને સિસોટી વગાડતું. જયંતનો ભારે દબદબો હતો. દિલીપકુમાર સાથે ‘મધુમતી’, ‘લીડર’માં જુઓ કે ‘સંઘર્ષ’માં, મનોજકુમાર સાથે વિજય ભટ્ટની ‘હિમાલય કી ગોદમેં’ ફિલ્મમાં જુઓ- પડદા પર જયંત છવાઈ જતા. આ લેખકને ફક્ત એક વાર જયંતને મળવાની અને સાથે ફોટો પડાવવાની તક મળી છે. એ કહેતા ‘અબ ક્યા કરેં, માર ખાકે પૈસા કમાના હમારા પેશા હૈ…’ પઠાણ જાતિનો આ કલાકાર દિલથી બહુ ઋજુ હતો.
હિંદી ફિલ્મોમાં ખલનાયકી સોળે કળાએ ખીલી પ્રાણથી, દલસુખ પંચોલીની ‘યમલા જટ’થી (જોગસંજોગે મહંમદ રફીની પણ એ પહેલી ફિલ્મ હતી) હીરો તરીકે કારકિર્દી શરૂ કરનાર પ્રાણ કહે છે- હીરો તરીકે બે પાંચ ફિલ્મો કરી ત્યાં સમજાઈ ગયું કે ઝાડ ફરતે રાસડા લઈને હીરોઈન સાથે ગાણાં ગાવાનું મારું કામ નહીં હું મનોમન મૂંઝાતો’તો ત્યાં વિલન તરીકે ઈમેજ જામી ગઈ. સંખ્યાબંધ ફિલ્મોમાં પ્રાણે નીત નવા નવા અખતરા કર્યા. કોઈ ફિલ્મમાં હાથમાંનો ગજરો વારંવાર સૂંઘે તો કોઈમાં બીડીનું ઠૂંઠુ ગામડિયાની સ્ટાઈલથી મૂઠી વાળીને ફૂંકે, કોઈ રોલમાં સિગારેટના ધૂમાડાનાં વર્તુળો સર્જે તો કોઈમાં ચૂંચી આંખો કરીને બે હાથની આંગળીઓનું દૂરબીન બનાવીને જુએ. વિલનના રોલમાં પ્રાણ જેટલું વૈવિધ્ય ભાગ્યે જ કોઈએ આપ્યું હશે. લગભગ બધા હીરો સાથે પ્રાણે ખલનાયકી કરી છે.
વચ્ચે થોડો સમય ચરિત્રભૂમિકા કરી ત્યારે ય પ્રાણ બધાથી અલગ તરી આવ્યા. ‘ઉપકાર’ ફિલ્મના મનોજકુમારના મહત્ત્વના સંવાદો તમને યાદ નહીં હોય પણ પ્રાણ (મલંગચાચા)ના ડાયલોગ નાનું છોકરુંય ફટાફટ બોલી જાય. ‘જંજિર’ના પ્રિમિયર જ્યાં જ્યાં થયા ત્યાં અમિતાભ જેટલી જ ડિમાન્ડ પ્રાણની હતી. પ્રાણે એક વાત સરસ કરી: કોઈ પણ સામાજિક પ્રસંગે લોકોને, ખાસ કરીને સ્ત્રી-બાળકોને મારાથી ડરતાં જોઉં ત્યારે મારામાં રહેલો કલાકાર પોરસાતો. પરંતુ મારાં પોતાનાં સંતાનો વારંવાર કહેવા લાગ્યા કે ‘ડેડી આપ ઐસા ક્યૂં કરતે હો’ ત્યારે થોડો સમય મેં સજ્જનગીરી કરી લીધી. પછી છોકરાઓએ જ કંટાળીને કહી દીધું કે ‘ડેડી આપ જો કરતે થે વહી અચ્છા હૈ’, એટલે ફરી વિલન બની ગયો.
અહીં એક આડવાત. ‘મુખ મે રામ બગલ મેં છૂરી’ જેવા નેગેટિવ શેડવાળાં પાત્રો તો ટોચના કલાકારોએ પણ કર્યાં છે! પરંતુ મારફાડ, ગુંડાગરી, બળાત્કાર, છેતરપીંડી બધાને સદી નથી. રાજ કપૂરની શરૂઆતની ફિલ્મો જુઓ: ‘આવારા’, ‘શ્રી ૪૨૦’… દેવ આનંદની આરંભની ફિલ્મો ‘પોકેટમાર’, ‘કાલા બાજાર’, ‘બમ્બઈ કા બાબુ’, શમ્મી કપૂરની ‘બ્લફ માસ્ટર’, ‘ચાઈના ટાઉન’, સુનિલ દત્તની ‘મધર ઈંડિયા’, ‘મુઝે જીને દો’, ધર્મેન્દ્રની ‘ફૂલ ઔર પત્થર’, ‘લોફર’ વગેરે. ટૂંકમાં, નેગેટીવ શેડની ભૂમિકા ટોચના બધા કલાકારોએ કરી છે.
સમાજ જેને ટપોરી, ગુંડા કે અસામાજિક તત્ત્વો કહે છે એવી ભૂમિકામાં પ્રાણ જેવી લોકપ્રિયતા એમની પહેલાં કે પછી ભાગ્યે જ કોઈને મળી. નહીં તો પ્રાણના સમયમાંય વિલનો ઓછા નહોતા: જયંત, તિવારી, અન્સારી, જીવન, હીરાલાલ, મદન પુરી, કે.એ. સિંહ, નરગિસનો ભાઈ અનવર, ‘જ્હૉની મેરા નામ’થી વિલન બનેલો પ્રેમનાથ અને શરૂમાં ડઝનબંધ ફિલ્મો હીરો તરીકે કરીને વિલન બની ગયેલો અજિત. પરંતુ આ ડઝનબંધ કલાકારોની વચ્ચેય પ્રાણે પોતાનું નંબર વન વિલનનું સ્થાન જમાવી રાખેલું, એ ય ત્રણ પેઢી સુધી. પૃથ્વીરાજ કપૂરથી શરૂ કરીને છેક રિશિ કપૂર અને અમિતાભ સુધી પ્રાણ ટકી રહ્યા. અમિતાભ આજેય પ્રાણને મળે ત્યારે વાંકો વળીને પ્રણામ કરે છે. અમિતાભે એક કરતાનં વધુ વખત કહ્યું છે કે પ્રાણ જેવા કલાકાર સદીમાં એકાદવાર જ જન્મે છે.
૧૯૬૦ના ઉત્તરાર્ધમાં એક સાથે ત્રણ-ચાર નવી પ્રતિભા ઊભરી આવી: મનોજકુમારની ‘શહીદ’, ‘ઉપકાર’થી પ્રેમ ચોપરા આવ્યો તો ગુલઝારની ‘મેરે અપને’થી એક સાથે ડેની, વિનોદ ખન્ના, શત્રુઘ્ન સિંહા વગેરે ઉપસી આવ્યા. એમાં ખૂંખાર વિલન તરીકે જામ્યો ડેની, શત્રુઘ્ન અને રણજિત. એ બધાની વચ્ચેય પ્રાણના નામના સિક્કા તો પડતા જ રહ્યા. બી. આર ચોપરાની ‘ધુંદ’ ફિલ્મથી ડેની રાતોરાત ટોચના વિલન બની રહ્યો. પ્રેમ ચોપરાએ મીઠાબોલા પણ દિલમાં કપટ ભરેલા શિયાળ જેવા સોફિસ્ટિકેટેડ વિલનને વધુ પેશ કર્યા. ક્યારેક મંત્રી બને તો ક્યારેક માલેતુજાર વેપારી-ઉદ્યોગપતિ. પરંતુ એનું પાત્ર ખલનાયકનું જ છે એ જોનારને તરત સમજાઈ જાય. એવું જ રણજિતનું રહ્યું. અમિતાભ સાથેની રણજિતની ફિલ્મો (લાવારિસ, નમકહલાલ) જોઈએ ત્યારે ગમે તેવા સૂટબૂટમાં રણજિત વિલન જ લાગે. બળાત્કારનાં સૌથી વધુ દૃશ્યો પણ રણજિતે ભજવ્યા.
વચ્ચેના સમયગાળામાં ટૂંક માટે પ્રતિભા દાખવી જનારા વિલનોમાં રૂપેશ કુમાર, અતિ ટૂંક સમય વિલન રહેલો વિનોદ ખન્ના, અમજદનો નાનો ભાઈ ઈમ્તિયાઝ ખાન, રઝા મુરાદ, પ્રેમનાથ અને કોમેડિયન રાજેન્દ્રનાથનો નાનો ભાઈ નરેન્દ્રનાથ અને રઝા મુરાદનાં નામો છે. એમાંય પિતાનો કંઠ જેને વારસામાં મળ્યો છે એ રઝા મુરાદનો ઠસ્સો ઓર રહ્યો. રાજ કપૂર માટે રઝા મુરાદને ખૂબ આદર છે. રઝા કહે છે કે ‘રાજસાહબે મારી ડૂબતી કારકિર્દીને એમની ‘પ્રેમરોગ’ ફિલ્મ દ્વારા તારી દીધી અને રાતારાતો મારી ગણના મોખરાના વિલનોમાં થવા માંડી. એ પછી મેં કદી પાછું વળીને જોયું નથી.’
શત્રુઘ્ન સિંહા અને વિનોદ ખન્નામાં વિલન તરીકેની જબરદસ્ત પ્રતિભા હતી પરંતુ એ બન્નેને તો હીરો બનવું’તું. સુનિલ દત્તની ‘મન કા મીત’થી વિલન બનેલો વિનોદ કારકિર્દી જામતી હતી ત્યાં રજનીશનો ચેલો બનીને ચાલ્યો ગયો. દેવઆનંદની ‘ગેમ્બલર’થી ચમકેલા શત્રુએ વિલન તરીકે થોડી ફિલ્મો આપી. પછી એ હીરો બનવા માંડ્યો, આ બન્નેએ અમિતાભ સાથે પેરેલલ હીરોની ભૂમિકાય કરી. વિનોદ ખન્નાએ ‘મુકદર કા સિકંદર’, ‘પરવરિશ’ અને ‘અમર અકબર એન્થની’ કરી તો શત્રુએ ‘દોસ્તાના’ અને ‘કાલા પત્થર’. પરંતુ બન્નેમાંથી કોઈ ટોચના હીરો બની શક્યા નહીં એ હકીકત છે.
અમિતાભથી નેગેટીવ શેડવાળા હીરો ફરી શરૂ થયા. સંજોગો માણસને સજ્જનમાંથી શેતાન બનાવી દે છે એવા રોલ ‘દીવાર’, ‘ડોન’, ‘અમર અકબર એન્થની’, ‘નટવરલાલ’ વગેરે ઘણી ફિલ્મોમાં અમિતાભ કર્યા. એવા જ નેગેટીવ શેડનું એક જાજરમાન પાત્ર દાદામુનિ અશોકકુમારે દેવ આનંદની ફિલ્મ ‘જ્વેલથીફ’માં કરેલું. અગાઉ એવું એક પાત્ર થોડા જુદા સંદર્ભમાં અશોકકુમારે ‘ઉસ્તાદોં કે ઉસ્તાદ’ (૧૯૬૩ પ્રદીપકુમાર, શેખ મુખ્તાર વગેરે)માં કરેલું. સંવાદોના શહેનશાહ રાજકુમારે બી. આર ચોપરાની ‘વક્ત’ ફિલ્મમાં એવું પાત્ર કરેલું.
અમરીશ પુરી પાસે ખરજનો ઘેરો બુલંદ કંઠ છે અને પરેશ રાવલની જેમ રંગભૂમિનો સમૃદ્ધ અનુભવ છે. સની દેઓલને ચમકાવતી ‘અર્જુન’ ફિલ્મમાં રતન ખત્રીનો રોલ કરીને વિલન બનેલા પરેશ રાવલે પણ ખલનાયકીમાં ઘણા રંગ પૂર્યા છે. વૈવિધ્ય આપવાનો પુરુષાર્થ કર્યો છે. જો કે અમરીશ પુરી દૃઢપણે માને છે કે ‘ખલનાયકી અને કૉમેડી બન્ને ભેગાં ન કરવા જોઈએ. તમારો ગેટપ કે મોગામ્બો ખુશ હુઆ જેવા સંવાદોથી રમૂજ પેદા થાય એ જુદી વાત છે. બાકી કરડો-કડપવાળો વિલન કૉમેડી કરવા જાય તો બાવનાં બેઉં બગડે.’
અમરીશ પુરીની ઓર સિદ્ધિ સ્ટીવન સ્પીલબર્ગની ‘ઈન્ડિયાના જોન્સ’ ફિલ્મની તાંત્રિકનો રોલ ગણી શકાય. એમાં એ ‘કાલી મા શક્તિ દે…’ જેવા બહુ ઓછા શબ્દો બોલ્યો પરંતુ પાત્ર યાદગાર બની રહ્યું.
કદાચ એજ કારણે સદાશિવ અમરાપુરકર કે કાદર ખાન યા મોહન જોશી વિલનનાં યાદગાર પાત્રો ઓછાં આપી શક્યાં છે. અમજદ ખાનને સમગ્ર કારકિર્દીમાં ગબ્બરસિંહ જ નડ્યો. ગબ્બર સિંહ જેવું પાત્ર જીવનમાં વારે વારે સર્જાતું નથી. એક યાદગાર પાત્ર આખી કારકિર્દીમાં અવરોધ બની જાય એ પ્રકારની અમજદખાનનો એકમાત્ર દાખલો છે.
પરેશ રાવલ પાસે ભલે અમરીશ પુરી કે રઝા મુરાદ જેવો કંઠ નથી. પરંતુ પાત્રમાં ઓતપ્રોત થવાની એની પ્રતિભા એના રોલને બળ આપી જાય છે. ‘સર’નો વેલજીભાઈ હોય કે ‘કબજા’ (સંજય દત્ત-અમૃતા સિંઘ)નો વેલજીભાઈ-પરેશના બન્ને વેલજીભાઈ અલગ છાપ પાડી જવાના. ઘણી ફિલ્મોમાં એક કરતાં વધુ ખલનાયકો હોય તો પણ પરેશ પોતાના અભિનય દ્વારા પ્રેક્ષકના ચિત્તમાં અલગ ઓળખ ઊભી ગરી જવાનો.
શક્તિ કપૂર અને ગુલશન ગ્રોવર પણ ખલનાયક તરીકે ચમક્યા છે ખરા. અમરીશ પુરીની જેમ ગુલશન ગ્રોવરને પણ હૉલીવૂડની ફિલ્મોમાં તક અને શાબાશી મળ્યાં છે. પરંતુ પાંચ દાયકાની સમગ્ર ખલનાયકીની તવારીખ પર ઊડતી નજર કરીએ ત્યારે ઈતિહાસકારે નોંધ લેવી જ પડે એવું એનું પ્રદાન બહુ ઓછું મળે.
બાકી, અમરીશપુરી કહે છે એમ સર્જનહારે માણસમાં અચ્છાઈ અને બૂરાઈ બન્ને મૂકેલાં છે એટલે જ્યાં સુધી માણસજાતનું અસ્તિત્વ છે ત્યાં સુધી જીવનમાં તેમ જ નાટક-ફિલ્મો કે સિરિયલમાં વિલન તો રહેવાનો જ.