ઉનાળાના સમયમાં બગીચાની ઠંડી હવામાં નિરાંતે બેસવું કોને ન ગમે, વળી બગીચામાં રહેલા ફૂલછોડ અને ફુવારા તો જાણે બળબળતી ગરમીમાં જોઇને જ શાંતિનો અને રાહતનો અનુભવ થતો હોય છે તમે પબ્લિક ગાર્ડન કે નાના પાર્કમાં બગીચાની સરસ મજાની સજાવચ જોઈ જ હશે, અદદલ આવી સજાવટ તમે તમારા બગીચાની પણ કરી શકો છો. હાલમાં ઉનાળાના સમયમાં તમે તમારા ટેરેસ ગાર્ડન, બાલ્કની ગાર્ડન કે પછી બંગલોના ગાર્ડનને એક નવો જ આહલાદક લુક આપીન તમારા બગીચાને વધુ સરસ બનાવી શકો છો. જેની પાસે ઓછી જગ્યા હોય અથવા તો બાલ્કની હોય તેમણે ચિંતા કરવાન જરૂર નથી. હાલમાં તો એવી ગાર્ડન એક્સેસરીઝ મળતી હોય છે જેના ઉપયોગથી તમે તમારા મોટા કે પછી નાના બગીચાની શોભા વધારી શકો છો.
તમારે જો તમારા બગીચામાં થોડું વિશેષ આકર્ષણ ઉભું કરવું હોય તો વિવિધ પ્રકારની ગાર્ડન એસેસરીઝનો ઉપયોગ કરી શકો. આજકાલ માર્કેટમાં લેન્ડસ્કેપિંગ માટે ફાઇબર, વૂડન,મેટલના ચબૂતરાથી માંડીને ફુવારા, ખુરશીઓ જેવી ઘણી વસ્તુઓ મળે છે. આમાંથી કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરીને તમે તમારા બગીચાને ખાસ બનાવી શકશો.
ટોપિઅરી: ટોપિઅરી એટલે કે સુંદર, કમનીય કલાકૃતિઓ. તમારો ગાર્ડન નાનો હોય કે મોટો, તેના એક ખૂણામાં સરસ રીતે ગોઠવાયેલી કલાકૃતિ આખાય ગાર્ડનનો ફોક્સ પોઇન્ટ બની રહેશે. આ મૂર્તિઓમાં તમે દેવી દેવતાઓની મૂર્તિઓથી માંડીને શિલ્પ સ્થાપત્યને લગતી મૂર્તિઓની પસંદગી કરી શકો છો. આ કલાકૃતિ તમે મોટા ગાર્ડનમાં વધારે પ્રમાણમાં સજાવી શકો છો અને ટેરેસ કે બાલ્કની ગાર્ડન હોય તો એકાદ ટોપિઅરી પણ ચાલશે. ટોપિઅરીમાં ગાર્ડનના છોડમાંથી પણ વિવિધ આકાર બનાવી શકાતા હોય છે.જોકે તેના માટે નિષ્ણાતની મદદની જરૂર રહે છે.
પેઇન્ટિંગ: અત્યારની હાઇસ્ટાઇલ સજાવટમાં પેઇન્ટિગ ફક્ત ઘરની દીવાલો જ નથી શોભાવતા, પરંતુ ગાર્ડનમાં પણ સરસ મજાના પેઇન્ટિંગ ખૂબ માવજતથી રાખવામાં આવતાં હોય છે. તેમજ ર તમે વિવિધ પત્થર અને અન્ય વસ્તુઓ પર પેઇન્ટ કરીને ગાર્ડનને લાઇવ બનાવી શકો છો.
ફુવારા: ફુવારા વિના તો બગીચા જાણે અધૂરાં જ લાગવાના, ફુવારામાંથી ઝરમર ઝરતું પાણી મોટા નાના સૌને આકર્ષે છે. પબગીચામાં ફુવારા હોય તે નાના બાળકોથી માંડીને મોટેરાઓને પણ ખૂબ ગમે છે. બજારમાં તમારા બજેટ મુજબનાં જુદી જુદી રેન્જ ધરાવતાં નાના મોટા ફુવારા તમને સરળતાથી મળી રહેશે. કેટલાક ફુવારા સાદા હોય છે. ફુવારામાં તમને મેટલનાં ફુવારાથી માંડીને ટેરાકોટની બનાવટના ફુવારા મળી રહેશે. સાથે તમે તેની સાથે લાઇટિંગની પણ પસંદગી કરી શકો છો. ફુવારામાંથી વહેતું પાણી ફરી ફરીને રિસાઇકલ થઈ ફુવારા ચાલુ રાખે તેવા ઇકોફ્રેન્ડલી ફુવારા પણ ઉપલબ્ધ છે જેનાથી તમે ઠંડક પણ માણી શકો છો અને પાણીનો વધારે બગાડ પણ નથી થતો.
ચબૂતરો: આજકાલ લેન્ડસ્કેપિંગ ઇન્ટિરિયરમાં ચબૂતરાનો પણ સમાવેશ કરવામાં આવે છે. લીલાછમ અને રંગબેરંગી બગીચામાં લાકડાથી માંડીને, મેટલ અને ફાઇબરના ચબૂતરા તમે લગાવી શકો છો. ચબૂતરાને સાફ રાખીને તેમાં ચણ નાખશો તો હરિયાળીની સાથે સાથે પક્ષીઓના કલરવનો મધુરો આનંદ માણી શકશો.
રોક ડેકોરેશન: જુદા જુદા પત્થરને કલાત્મક રીતે ગોઠવીને ગાર્ડનની ફૂલોભરી નજાકતમાં થોડો રફ લુક સર્જી શકાય છે. પત્થરો પરથી વહેતું પાણી આંખોને રાહત આપશે.
બગીચામાં ફુવારાના ઠંડા પાણીની વાંછટ ઉડતી હોય, ચબૂતરામાં પક્ષીઓનો કલશોર હોય, તમારી આસપાસ રંગબેરંગી ફૂલો ખીલ્યા હોય- આવા બગીચામાં દિવસભરનો થાક પળવારમાં ઉતરી જશે. તમારે ત્યાં આવનારા લોકો પણ તમારા બગીચાની સજાવટના વખાણ કર્યા વિના નહીં રહે.