બોલીવૂડની ફિલ્મોમાં માતાની ભૂમિકા માટે સૌથી યાદગાર બન્યાં હોય તો એ છે નિરુપા રોય. એમણે કારકિર્દીની શરૂઆતમાં ગ્લેમરસ રોલ પણ કર્યા હતા, પણ માતાની ભૂમિકાઓ એમણે એટલી સરસ રીતે અદા કરી હતી કે એ સૌનાં દિલમાં વસી ગયાં. આ મહાન અભિનેત્રીને એમની પુણ્યતિથિ (13 ઓક્ટોબર) નિમિત્તે એમનાં પ્રશંસકોએ યાદ કર્યાં હતાં.
અમિતાભની માતા, ધાર્મિક ફિલ્મોની દેવી-માતા અને ‘દો બીઘા ઝમીન’ની ગ્રામ્યમાતા એવાં નિરુપા રૉયને અંજલિ
(‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ. આ લેખ છે ૧-૧૫ નવેમ્બર-૨૦૦૪ અંકનો)
નિરુપા રૉય એટલે ફિલ્મોમાં અમિતાભની માતા એવું સમીકરણ નવી પેઢીના મનમાં છે, પણ વાસ્તવમાં એમણે હીરોની મા જેટલી જ લોકપ્રિયતા ધાર્મિક ફિલ્મોમાં દેવીમાતા તરીકે તથા ‘દો બીઘા ઝમીન’ જેવા ફિલ્મોમાં ગ્રામ્યમાતા તરીકે મેળવી હતી.
વલસાડમાં રેલવે કર્મચારીના પરિવારમાં ૪-૧-૧૯૩૧ના રોજ (વલસાડમાં) જન્મેલી કોકિલા કાચી વયે એમની જે મોચી જ્ઞાતિના કિશોરચંદ્ર બલસારાને પરણીને મુંબઈ આવ્યા બાદ એક ગુજરાતી અખબારમાં જાહેરાત જોઈને હીરો માટે ઈન્ટરવ્યૂ આપવા ગયેલા પતિ સાથે ગઈ ત્યારે નિર્દેશક વી.એમ. વ્યાસે પતિને તો ચાન્સ ન આપ્યો, પણ ફક્ત ૧૫ વર્ષની છતાં પ્રભાવશાળી પત્ની કોકિલાને ફિલ્મ ‘રાણકદેવી’માં રોલ આપ્યો અને નવું નામ પણ આપ્યું – નિરુપા રૉય. પતિએ પણ નવું નામ અપનાવ્યું – કમલ રૉય.
જેણે હજુ સુધી એક પણ ફિલ્મ નહોતી જોઈ એવી કિશોરી ૧૯૪૬માં અચાનક અભિનેત્રી બની ગઈ. અલબત્ત, એમનું નામ ઘરે ઘરે ગાજતું થયું ગુજરાતી ફિલ્મ ‘ગુણસુંદરી’ તથા ‘જી-ચિત્રલેખા’ના સ્થાપક વજુ કોટકે લખેલી ફિલ્મ ‘મંગળફેરા’ જેવી ગુજરાતી ફિલ્મોને કારણે એ ફિલ્મનું ગાયન ‘તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે… ‘નો ગરબો હજી લોકો યાદ કરે છે. ત્યાર બાદ એમનો અભિનય ધરાવતી કોટકલિખિત ‘ચુંદડી ને ચોખા’ અને ‘નણંદ ભોજાઈ’ વગેરે ફિલ્મો પણ ખૂબ ચાલી. આ બધી ગુજરાતી ફિલ્મોમાં ધૂમ મચાવ્યા બાદ જયંત દેસાઈની હિંદી ફિલ્મ ‘હર હર મહાદેવ’ (૧૯૫૦)માં ત્રિલોક કપૂર સાથે પાર્વતીની ભૂમિકામાં દર્શકોએ એમને એવાં વધાવ્યાં કે ત્યાર પછી એકલા ત્રિલોક કપૂર સાથે જ એમણે ૧૬ ધાર્મિક ફિલ્મો કરી.
ઢગલાબંધ ધાર્મિક ફિલ્મોમાં દેવી બનનાર નિરુપાની ‘દેવીમાતા’ તરીકેની ઈમેજ એટલી મજબૂત હતી કે એ જમાનામાં એમને મળનારા ચાહકો માત્ર પ્રમાણ જ નહીં, સાષ્ટાંગ દંડવત્ પ્રણામ પણ કરતા.
છતાં બિમલ રૉય જેવા વિચારશીલ નિર્દેશકે ‘દો બીઘા ઝમીન’માં બલરાજ સહાની સાથે ગ્રામીણ નારીની વાસ્તવિક ભૂમિકા માટે એમને પસંદ કર્યા. ત્યાંથી શરૂ થયો ઑફફ બીટ ભૂમિકાનો એક ટૂંકો પણ નોંધપાત્ર દોર, જેમાં એમણે બલરાજ સહાની સાથે કરેલી ‘ગરમ કોટ’ નોંધપાત્ર હતી.
૫૦ના એ દાયકામાં ઉંમર તો યુવતીની જ હોવા છતાં એમના ચહેરા પરની પક્વતા, મક્કમતા અને ભદ્રતાને કારણે ૨૪ વર્ષની ઉંમરે એમને પોતાનાથી આઠ વર્ષ મોટા દેવ આનંદની માતાની ભૂમિકા ફિલ્મ ‘મુનિમજી’માં મળી. એમણે રોલ સ્વીકાર્યો પણ ખરો અને ફિલ્મફેરનો ‘બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસ’નો એવૉર્ડ પણ એ ભૂમિકા માટે જીત્યો.
અલબત્ત, રૂપેરી પડદે માતા બન્યા પછી ૫૦ના દાયકાના છેલ્લા વર્ષોમાં ફરી ‘જનમ જનમ કે ફેરે’ (જેનું ગીત ‘જરા સામને તો આઓ છલિયે’ યાદ છે ને!) ‘સમ્રાટ ચંદ્રગુપ્ત’, ‘રાની રૂપમતિ’, ‘કવિ કાલિદાસ’ જેવી ફિલ્મોમાં નાયિકા તરીકે ઉત્કૃષ્ટ અભિનય આપ્યો.
પરંતુ ૬૦ના દાયકાના પ્રારંભ સાથે એમને ફક્ત માતાની ભૂમિકાઓ મળવા લાગી. ખાસ તો, ૧૯૬૧માં હૃષિકેશ મુખર્જીની ફિલ્મ ‘છાયા’માં આશા પારેખની માતાની ભૂમિકા કર્યા બાદ એ માતૃભૂમિકાઓ સહજભાવે સ્વીકારવા લાગ્યા. હા, ત્યાર પછીના એક તબક્કે, ૧૯૬૭માં એમણે ‘રામ ઔર શ્યામ’માં દિલીપ કુમારની બહેનની પણ યાદગાર ભૂમિકા ભજવી.
૧૯૭૩-૭૪માં યશ ચોપરા ‘દીવાર’ બનાવી રહ્યા હતા ત્યારે એમણે અમિતાભ-શશીની માતાની ભૂમિકામાં વૈજયંતિ માલાને પુનરાગમનની તક આપવાનું નક્કી કર્યું, પણ વૈજયંતિએ રોલ સ્વીકાર્યો નહીં અને એ ભૂમિકા મળી નિરુપા રૉયને, ફિલ્મમાં પરવીન બાબી અને નીતુ સિંઘ જેવી ફુલગુલાબી હીરોઈનો હતી, પરંતુ નિરુપાનો રોલ એ બન્ને કરતાં અનેક ગણો વધુ મજબૂત હતો.
‘દીવાર’માં શશી કપૂરે અમિતાભને સંભળાવેલો ડાયલૉગ – ‘મેરે પાસ માં હૈ’ – આજે ત્રણ દાયકા પછી પણ તમામ હિંદી સિનેચાહકોને બરાબર યાદ છે. એ ફિલ્મમાં એક દીકરો પોલીસ, બીજો દાણચોર અને વચ્ચે ભીંસાતી માતાની ભૂમિકામાં નિરુપાએ સ્ત્રીની મક્કમતા અને કોમળતા એકસાથે દર્શાવીને દર્શકોને આંસુ અને તાળીઓ એકસાથે મેળવ્યાં.
ખોળામાં મરી રહેલા મોટા દીકરા અમિતાભને નાના બાળકની જેમ ગળે લગાડનાર નિરુપાની વિદાય બાદ અમિતાભ ગળગળા સ્વરે કહે છે: ‘મેં જાણે મારી માતા ગુમાવી હોય એવું લાગે છે.’
‘દીવાર’થી માંડીને ‘લાલ બાદશાહ’ (૧૯૯૯) સુધીની અનેક ફિલ્મોમાં અમિતાભની માતાનું પાત્ર ભજવી ચૂકેલા નિરુપા રૉય વિશે અમિતાભનું કહેવું છે કે એ શાંત સ્વભાવનાં છતાં ઉત્કટ લાગણીઓ ધરાવતાં હતાં અને શારીરિક રીતે એટલા મજબૂત હતા કે ‘દીવાર’ના એક દૃશ્યમાં એમણે કચકચાવીને મને મારેલી થપ્પડ હું આજે પણ નથી ભૂલ્યો.
એવી જ રીતે નિરુપા રૉયના ચાહકો પણ પડદા પરના એમના પાત્રોને આજે પણ નથી ભૂલ્યા અને કદાચ ક્યારેય ભૂલી નહીં શકે.
હૃદયરોગના હુમલાને કારણે નિરુપા રૉય ૨૦૦૪ની ૧૩ ઑક્ટોબરે (મુંબઈમાં) આપણા બધાની વચ્ચેથી સાવ અચાનક સરકી ગયાં, પણ હિંદી ફિલ્મજગતના ઈતિહાસમાં નિરુપા રોય નામનું એક અમીટ પૃષ્ઠ મૂકતાં ગયાં છે.