ફેસ્ટિવ સિઝનમાં સ્ટાઇલિશ લૂક આપશે કોકટેલ રિંગ

હેવારનો સમય હોય અને વસ્ત્રોની ખરીદીની સાથે જવેલરી કે એક્સેસરીઝની ખરીદીમાંથી ફેશનપરસ્ત લોકો કઈ રીતે બાકાત રહી શકે. ઇયરિંગ્સ  અને નેકલેસ બાદ બાદ જો યુવતીઓ સૌથી વધુ ધ્યાન આપતી હોય તો તે છે હેન્ડ જ્વેલરી. હાથમાં પહેરવામાં ઘરેણામાં આંગળીઓની વીંટી સૌથી મહત્વની બની જાય છે. અને આ જ્વેલરીમાં આવનારો ટ્રેન્ડ હવે કોકટેલ રિંગનો છે તેમ કહેવું જરાય અતિશયોક્તિભર્યું નથી. હવે એ જમાનો ગયો કે તમે આંગળીઓમાં નાજૂક નમણી એકાદ ડાયમંડવાળી રિંગ પહેરી લો એટલે ચાલે! હવે ટ્રેન્ડ છે હાઇ એન્ડ જ્વેલરીમાં સ્થાન પામતી કોકટેલ રિંગનો. વળી કોકટેલ રિંગ સિલ્કની સાડીથી માંડીને સ્કર્ટ ટોપ, વનપીસ જેવા તમામ વેસ્ટર્ન વેર સાથે પણ શોભે છે.

શું છે કોકટેલ રિંગ

કોકટેલ રિંગમાં મોટા મોટા સ્ટોન, ડાયમંડ, રૂબી કે જડતરકામ કરેલું હોવાથી તે કોઈ પણ ફંક્શનમાં દૂરથી જ બધાનું ધ્યાન ખેંચે છે. વળી તેની ડિઝાઇન્સ એટલી મનમોહક હોય છે કે કોકટેલ રિંગ પહેર્યા બાદ આંગળીઓની નજાકત જાણે અનેકગણી વધી ગઈ હોય તેમ લાગે છે! જ્વેલરીના નામે તમે ફક્ત આ એક જ રિંગ પહેરી હશે તો પણ ફંક્શન પાર્ટીમાં તમે જ બ્લિંગ થયા કરશો.

ઇમિટેશનથી માંડીને ગોલ્ડ, પ્લેટિનમ, સિલ્વર અને રિયલ ડાયમંડમાં બનતી અલગ અલગ ડિઝાઇન્સથી કોકટેલરિંગ ઇવનિંગ પાર્ટી માટે કે ન્યૂ યર પાર્ટી માટે બેસ્ટ છે. તેમાંય જ્યારે તમે ઇવનિંગ ગાઉન, ટ્રેડિશનલ ચણિયાચોળી કે ડિઝાઇનર સાડી ટ્રાય કરવાના હો ત્યારે તો આવી કોકટેલ રિંગ તમારી એક્સેસરીઝમાં સામેલ કરી જ દેજો. આજકાલ જાણીતી સેલિબ્રિટીઓને પણ કોકટેલ રિંગનો મોહ લાગ્યો હોય તેમ તેમના હાથમાં પણ આવી રિંગ શોભી રહી છે.

કોકટેલ રિંગ ઘણી બધી ડિઝાઇન્સમાં ઉપલબ્ધ છે. તેમાંય કોકટેલની થીમ પર બનેલી રિંગ એકદમ આકર્ષક લાગે છે. ઇમિટેશનમાં આશરે 750 રૂપિયાના બજેટમાં મળતી કોકટેલ રિંગનું બજેટ ગોલ્ડ, સ્ટોન, પ્લેટિનમ અને સિલ્વર કે વિન્ટેજ મટિરિયલમાં 50,000ના બજેટ સુધી પહોંચે છે.  કોકટેલ રિંગમાં તેના મટિરિયલ અને ડિઝાઇન પ્રમાણે બજેટમાં વધઘટ થતી રહે છે.

તો હવે આવી રહેલા લગ્નગાળા તથા ન્યૂ યર માટે એક્સેસરીઝ બોક્સને સજ્જ કરી દો પ્રેશિયસ કોકટેલ રિંગ વડે.