શિયાળાની સિઝન લગ્ન પ્રસંગો લઇને આવે છે તેથી ફેશનની જમાવટ તો થાય છે પરંતુ સાથે સાથે ત્વચાનું ધ્યાન રાખવું પણ જરૂરી બની જાય છે જેથી ફેશનેબલ વસ્ત્રોમાં ત્વચા ડલ ન લાગે. ધીરે ધીરે હવે શિયાળાએ જમાવટ કરવા માંડી છે. ત્યારે શરીર પરની ત્વચા ઠંડીને કારણે સૂકાવા લાગી છે અને હોઠ તથા ગાલ અને હાથ પરની પાતળી ત્વચા પર તેની અસર દેખાવા લાગી છે.
ડિસેમ્બર મહિનો આવતા જ ઠંડી ધીરે ધીરે ભરપૂર પકડ જમાવવા લાગશે ત્યારે ત્વચાની સંભાળ રાખવાનું કામ અત્યારથી જ શરૂ કરી દેવું જોઈએ. અને શિયાળામાં ત્વચાની સંભાળ લેવાનો સરળ ઉપાય છે કોલ્ડ ક્રીમ. ઠંડકથી સૂકાતી ચામડી ધીરે ધીરે તરડાઈ જતી હોય છે અને તેની પર કરચલી પડી જાય છે. આમ થતું અટકાવવા માટે શિયાળામાં કોલ્ડ ક્રીમ લગાવવું જ જોઈએ. કારણ કે હોઠની ત્વચા પર તૈલીય ગ્રંથિ નથી હોતી તેથી હોઠ જલદી સૂકાઈ જતા હોય છે. માટે હોઠની તેમજ ત્વચાની સંભાળ રાખવા માટે તમે કોલ્ડ ક્રીમ તેમજ ઘરમાં રહેલી મલાઇનો ઉત્તમ ઉપયોગ કરી શકો છો. પહેલા કોલ્ડ ક્રીમ વિશે વાત કરીએ તો કોલ્ડ ક્રીમના ઘણા બધા ફાયદા છે. તમે તેનો જુદી જુદી રીતે ઉપયોગ કરીને ત્વચાની સંભાળની સાથે અન્ય ફાયદા પણ મેળવી શકો છો.
શિયાળામાં હાથની કોણી તથા પગના ઘૂંટણ અને ઘૂંટીની ત્વચા શિયાળામાં વધારે પડતી કડક અને સૂકી થઈ જતી હોય છે. એટલે ત્યાં પડતી કરચલીઓ અટકાવવા તમે કોલ્ડ ક્રીમની મદદ લઈ શકો. જ્યારે તમારે કાંઇ કામ ન હોય ત્યારે તમે શરીરના એ ભાગ પર કોલ્ડ ક્રીમ લગાવી રાખશો તો તે ત્વચા કુમળી થઈ જશે.
અને વારંવાર હોઠ સૂકાઈ જતા હોય તો કોલ્ડક્રીમ લઇને હોઠ પર લગાવવું જેથી હોઠ ફાટતા અટકે. શિયાળામાં મેકઅપ દૂર કરવા માટે પણ કોલ્ડ ક્રીમનો ઉપયોગ થઈ શકે છે. પગની એડી ફાટતી હોય કે વાઢિયા પડતા હોય તો પણ તેમાં કોલ્ડ ક્રીમની મદદથી રાહત મળશે.
સ્ત્રીઓ દર મહિને હાથે પગે કે ચહેરા પર વેક્સિંગ કરાવતી હોય છે અને શિયાળામાં વેક્સ કરાવ્યા બાદ ત્વચા એકદમ સૂકી થઈ જાય છે અને ત્વચા પણ ખંજવાળ આવે છે આમ ન થાય તે માટે વેક્સ કર્યા બાદ શરીર પર કોલ્ડ ક્રીમ લગાવવું.
રાત્રે સૂતી વખતે ચહેરો તથા હાથપગ સ્વચ્છ કર્યાં બાદ કોલ્ડ ક્રીમ લગાવીને જ સૂવું જોઈએ. આખી રાત ક્રીમ ચહેરા પર તથા હાથ પગ પર રહેશે તો બીજા દિવસે ત્વચા કોમળ જોવા મળશે.
કોલ્ડ ક્રીમ ઉપરાંત જો તમે ઘરગથ્થુ નુસખાથી શિયાળામાં સુંદરતા જાળવી રાખવા ઇચ્છતા હો તો તમે ઘરમાં રહેલી મલાઇની મદદ પણ લઈ શકો છો. તે માટે તમે આ પદ્ધતિ અપનાવી શકો છો. ઘરમાંથી તાજી મલાઈ લો અને તેમાં અડધા લીંબુનો રસ મિક્સ કરો. આ પ્રકારના મિશ્રણને નિયમિતપણે રોજ ચહેરા અને હોઠ પર લગાવો. અને વધુ દસથી બાર મિનિટ ચહેરા પર લગાવ્યા બાદ હૂંફાળા ગરમ પાણીથી ચહેરો ધોઈ નાખતો તમારી ત્વચા અતિશય સૂકી હોય તો તમે આ મિશ્રણ પંદર મિનિટ સુધી લગાવેલું રાખશો તો લાંધો નહીં આવે .
ઉપરાંત શિયાળામાં તમે થોડીક મલાઇ અને એક ચમચી ચણાનો લોટ ભેળવીને ઉબટણ જેવું તૈયાર કરો. તેને નહાતી વખતે સાબુની જગ્યાએ ઉપયોગમાં લો. આ સ્ક્રબનું કામ પણ કરશે અને શરીરની ત્વચા આનાથી મુલાયમ પણ રહેશે. આ ઉપાય વર્ષોથી તમારા મમ્મી, દાદી કે નાની કરતા હશે. ખાસ કરીને નાના બાળકોને આ મિશ્રણથી સ્નાન કરાવાય છે. જોકે શિયાળામાં તો સ્ત્રીઓ કે પુરૂશો કોઈ પણ આ ઉપાય અપનાવી શકે છે.
જો તમારી પાસે મોસંબી અને નારંગીની છાલનો પાઉડર હોય તો તેમાં મલાઇ કે ક્રીમ મિક્સ કરીને સ્ક્રબ બનાવી શકાય જે શિયાળામાં ઉપયોગમાં લઈ શકાય છે.