દિવાળીની બોણી… (હાસ્યલેખ)

‘જી-ચિત્રલેખા’ જૂથના સંસ્થાપક વજુ કોટકે દિવાળી બોણી વિશે લખેલો એક ખટમીઠો હાસ્યલેખ


આ વખતે તો આપણે નક્કી જ કરેલું કે બેસતું વર્ષ કોઈ પણ જાતના ભપકા વિના ઊજવવું છે. કારણ કે દેશની પરિસ્થિતિ ઘણી ખરાબ છે, સારયે દેશમાં દિવાળીને બદલે હોળી  સળગી રહી છે અને ચારેબાજુથી રોજ ખરાબ સમાચારો આવતા રહે છે. મારા મિત્રોને પણ આ વાત પસંદ પડી અને અમે લોકોએ જાહેર કરી દીધું કે કોઈ પણ જાતનો વધારે પડતા આનંદ આ વખતે પ્રગટ કરવામાં નહીં આવે. મેં તો મનમાંથી નવા વર્ષની વાત જ કાઢી નાખી. દર વર્ષે આઠ દિવસ પહેલાં હું ધોબીને કપડાં આપી દેતો કે જેથી બેસતા વર્ષને દિવસે કામ લાગે. પણ આ વખતે તો મને યાદ જ ન આવ્યું. આમ નવા વર્ષના આગમનની વાત મારા મનમાંથી ભૂંસાઈ ગઈ.

એક દિવસ રોજના નિયમ પ્રમાણે ઑફિસમાં પગ મૂક્યો કે તરત જ બહાર ઊભેલા દરવાને ખૂબ જ ઠસ્સાથી મને સલામી કરી, હું રોજ આવું છું ત્યારે એ મને સલામ નથી ભરતો પણ આજે જાણે કોઈ મોટા લશ્કરી અમલદારને સલામ કરતો હોય એવી રીતે તેણે મને સલામ કરી અને મને ખૂબ નવાઈ લાગી. પહેલાં તો મને એમ જ લાગ્યું કે મારી આસપાસ કોઈ માણસને સલામ કરતો હશે. પણ એમ ન હતું. એની લશ્કરી સલામ ઝીલવા માટે હું એકલો જ હતો. કોઈ આપણને સલામ કરે, નમસ્તે કરે, ત્યારે આપણું મહત્ત્વ બે પળ માટે વધી જાય છે એમ આ અનુભવ ઉપરથી મને લાગ્યું. મેં પણ એને સલામ કરી.

ઑફિસમાં દાખલ થયો કે મારો આળસુમાં આળસુ પટાવાળો ટટ્ટાર ઊભો થઈ ગયો અને મને સલામ કરી. મને થયું કે આ માણસે કંઈ ટોનિક લીધું હશે કારણ કે આજકાલ તો રસ્તે ચાલતા ભિક્ષુકો પણ તાકાતની જાતજાતની દવાઓનાં નામ જાણતા હોય છે. ટેબલ ઉપર બેઠો કે બીજો નોકર વગર માગ્યે પાણીનો ગ્લાસ મૂકી ગયો અને સલામ કરીને ચાલતો થયો. મારા જેવા મામૂલી માણસને આ દુનિયામાં કોઈ સલામ ન કરે અને આજે એક પછી એક સલામ મળે એ જાણીને મારું મન મૂંઝવા લાગ્યું. મને થયું કે કાં તો મારા ચહેરા ઉપર એક જાતનું અદ્ભુત તેજ ખીલી ઊઠ્યું હોવું જોઈએ કે જેથી આ લોકો મને જોઈને અંજાઈ જાય છે અને તરત જ સલામ કરી બેસે છે. બાજુના ટેબલ પર કામ કરતા કૃપાશંકરને મેં પૂછ્યું, ‘મારો કંઈ પગાર તો નથી વધી ગયો ને?’

‘ના, તું પગાર વધવાની વાત કરે છે? શરમ નથી આવતી? આ વર્ષે તો શેઠ કોઈ પણ જાતનું બોનસ પણ નથી આપવાના.’

‘કેમ?’

‘યાર, ગઈ પૂના સિઝનમાં શેઠસાહેબે એના ઘોડા ઉપર બે કે ત્રણ લાખ રૂપિયા ગુમાવી દીધા.’

મેં કહ્યું, ‘ત્યારે શું આપણે ગધેડા છીએ? આપણી પાછળ થોડા પૈસા ખરચતાં એમને તાવ આવે છે?’

‘જો ભાઈ, શેઠિયાની જાત જ એવી છે.

આડેઅવળે માર્ગે નુકસાન કરી આવે અને કામ પડે આપણા ખિસ્સા ઉપર. બોનસ માગવું પણ કેવી રીતે?’

મને થયું કે રેસની સિઝન ખરી રીતે દિવાળી પછી જ રાખવી જોઈએ. બન્ને પક્ષને ફાયદો: નોકર પણ રમી શકે અને શેઠ પણ ખેલી શકે. મેં કહ્યું: ‘તો પછી દોસ્ત, આજે બધા મને બહુ જ માનપૂર્વક સલામ ભરે છે એનું શું કારણ? તને મારા ચહેરા ઉપર કોઈ જાતનું દિવ્ય તેજ દેખાય છે? હમણાં હમણાં ગાયત્રીનો જાપ કરું છું અને તેથી કદાચ ફૂટી નીકળ્યું હોય!’

કૃપાશંકર મારા ચહેરા ઉપર તેજ શોધવા લાગ્યો અને પછી કહ્યું: ‘તારો ચહેરો હતો એના કરતાં પણ આજકાલ વધુ કાળો લાગે છે.’

‘કપાળ તારું, તને જીવનમાં ઊજળી વાત દેખાતી જ નથી. મને લાગે છે કે તારા ચશ્માંનો નંબર જરા વધી ગયો હોવો જોઈએ.’

કૃપાશંકરને પડતો મૂકીને મેં મારું કામ શરૂ કર્યું પણ જેવું થોડું લખું છું કે તરત જ ત્રીજો પટાવાળો ટેબલ ઉપર પાન મૂકી ગયો અને સલામ કરતોક ચાલ્યો ગયો. આમ તો ત્રણ વખત બૂમ પાડું ત્યારે એક વાર પટાવાળો હાજર થાય અને આજે વગર હુકમે પાન આવ્યું. હવે મને લાગવા માંડ્યું કે મારા ચહેરા ઉપર પ્રકાશ પથરાયો લાગે છે. ચિત્રમાં જેમ સંત પુરુષોની આસપાસ આવું વર્તુળ હોવું જોઈએ એમ લાગ્યું.

અરીસામાં ચહેરો જોવાનો નિશ્ર્ચય કર્યો, પણ ઑફિસમાં ક્યાંય અરીસો ન હતો.

ઑફિસની બાજુમાં એક રેસ્ટોરાં છે ત્યાં હું અરીસામાં મારું મુખ જોવા માટે ગયો. દાખલ થયો કે હોટેલના છોકરાએ મને સલામ ભરી. હવે તો મને ખાત્રી થઈ ગઈ કે કંઈ ક્રાંતિ થઈ છે. અરીસા સામે હું રૂઆબથી ઊભો રહ્યો, ઝીણવટથી મારા મુખને તપાસતો હતો ત્યાં મેં અરીસામાં બીજાનું મુખ નિહાળ્યું, ભારે રૂપાળું! સામેના મકાનમાં વરંડામાં એક છોકરી ઊભી હતી અને મને તે અરીસામાં નિહાળી રહી હતી. એ જોઈને મને ખાત્રી થઈ કે ચહેરા ઉપર તેજ આવી ગયું છે. પછી ભલે તે મને ન દેખાય.

પછી તો ચા પીતી વખતે વારંવાર મારું ધ્યાન પેલા મકાન તરફ ખેંચાઈ જતું હતું. છોકરી ત્યાં જ ઊભી હતી. હોટેલમાં મળતી પાવડરની ચા મને ભાવતી ન હતી. તે આજે મને વધુ સારી લાગી. હવે તો હું એકીટશે છોકરીના મુખના સૌંદર્યનું પાન કરવા લાગ્યો. ચા ક્યારે ખલાસ થઈ ગઈ એનો ખ્યાલ પણ ન રહ્યો. મારું મન કલ્પનાના રેશમી દોર સાથે પતંગ બનીને ડોલવા લાગ્યું.

આમ થોડો વખત ચાલ્યું. અને છોકરી અંદર ચાલી ગઈ. મને આ ન ગમ્યું. છોકરીની જગ્યાએ કોઈ છોકરો આવ્યો અને તે મને જોવા લાગ્યા. આમાં કઈ આપણને રસ ન પડ્યો, એટલે હું તો ઊઠીને ચાલતો થયો.

જેવો હું ઑફિસ પાસે આવું છું ત્યાં પેલો જુવાન મારી પાસે આવ્યો. એની આંખમાં આગ સળગતી હતી, તેણે ખાદીનાં કપડાં પહેર્યો હતાં અને હાથમાં એક સ્લૅટ હતી, તેણે મને તે સ્લૅટ ગુસ્સામાં આપી અને બીજી બાજુ ઈશારાથી વાંચવાનું કહ્યું: એમાં લખ્યું હતું કે: ‘હરામખોર નંબર વન! તું રોજ હોટેલમાં આ વખતે આવે છે અને મારી બહેન સામે હસ્યા કરે છે. તને શરમ નથી આવતી?’

આ વાંચીને હું તો ગભરાયો અને કલ્પી લીધેલું મારા મુખની આસપાસનું પેલા તેજનું કુંડાળું અદ્રશ્ય થઈ ગયું હોય એમ મને લાગ્યું. મેં માની લીધું આ માણસ જરૂર બહેરો હોવો જોઈએ. જોઈ રહ્યો પણ ત્યાં તો તેણે મારા હાથમાંથી સ્લૅટ ખૂંચવી લીધી અને એમાં લખ્યું કે: ‘હું બહેરો નથી, આજે સોમવાર હોવાથી મેં મૌન પાળ્યું છે.’

‘વાહ, આ મહાત્માજીનો અજબ ભક્ત નીકળી પડ્યો!’ મેં કહ્યું: ‘જનાબ, તમારી બહેન મારી સામે જોતી હતી એટલે હું પણ એની સામે જોતો હતો. કોઈનો સામે જોવામાં શું નુકસાન છે? આંખો હોય તો જોઈએ પણ ખરા. તમારી બહેન રૂપાળી હોય તેથી શું અમારે આંખે પાટા બાંધીને ફરવું?’

પણ મારું વાક્ય પૂરું થયું કે આ મુનિ મહારાજે કોઈ પણ જાતની ચેતવણી આપ્યા વિના મને એક તમાચો ચોડી દીધો અને પાટીમાં લખ્યું: ‘ચૂપ! વધુ બોલ્યો તો મુઓ સમજજે.’

મેં જોઈ લીધું કે આ મુનિ મહારાજની કાયા વર્ધાના આખલા જેવી છે એટલે આ બાબતમાં મૌન રાખવું વધારે સારું છે. વધુ બોલીશ તો દીપડાની જેમ આ ચોંટી પડશે અને દવા ખાઈને ટકાવી રાખેલા મારા શરીરની હવા કાઢી નાખશે. મેં એના હાથમાંથી પાટી ખૂંચવી લીધી અને એમાં લખ્યું કે: ‘નામદાર, હું અહિંસામાં માનું છું. એટલે તમારા ઉપર હાથ ઉગામી શકતો નથી. જેમ તેમ મૌનવ્રત પાળો છો તેમ હું અહિંસાનું વ્રત પાળું છું. જો આમ ન હોત તો આજે તમારું ખૂન કરી નાખત. તમારી બહેન એ મારી બહેન છે. પ્રભુ આપણી બહેનને સદ્દબુદ્ધિ આપે.’

મુનિ મહારાજ આ વાંચવામાં રોકાયા અને હું એકદમ ઑફિસ તરફ ચાલ્યો ગયો. કબૂલ કરવું જોઈએ કે મારો ગાલ બહુ બળતો હતો. ઑફિસમાં આવ્યો કે બહાર બેઠેલો પટાવાળો ઊભો થયો અને સલામ ભરી. વાહ તમાચો ખાધા પછી પણ આપણું વ્યક્તિત્વ જરા પણ ઘટ્યું નથી એ જાણી મને આનંદ થયો.

મને જોઈને કૃપાશંકર બોલી ઊઠ્યો, ‘તારું મોઢું લાલ કેમ લાગે છે?’

‘હું તો તને પહેલેથી જ કહું છું કે મારા ચહેરા ઉપર તેજ આવ્યું છે પણ તને દેખાતું નથી. આ તેજને લીધે બધા સલામો કરે છે.’

‘હવે રાખ, વેવલો થા મા. મને હમણાં જ ખબર પડી ગઈ કે શા માટે બધા સલામો કરે છે.’

‘શા માટે?’

‘આ દિવાળી પાસે આવે છે એટલે આ લોકો પંદર દિવસ અગાઉથી જ સલામો ભરવી શરૂ કરે છે, કારણ કે બેસતા વર્ષને દિવસે એમને બોણી મળે.’

આ વાત મને ગળી ઊતરી ગઈ અને મારા મગજમાંથી તેજનું ભૂત નીકળી ગયું: કૃપાશંકરે ફરી કહ્યું: ‘તું અહીં બેસજે, હું જરા બહાર હોટેલમાં ચા પી આવું.’ છેલ્લા પંદર દિવસથી કૃપાશંકર રોજ ચા ટાઈમે પીવા નીકળી જતો. મેં પૂછ્યું:

‘તું પણ વિચિત્ર છે. પહેલાં ત્રણ વાગે ચા પીવા જતો અને હવે એક વાગે જાય છે. આ તે કંઈ ચાનો વખત છે?’

કૃપાશંકર આ પ્રશ્ર્ન સાંભળીને જરા રંગમાં આવી ગયો અને મને ધીમેથી કહ્યું: ‘કોઈને ન કહેતો એક વાત કહું.’

‘તારા સમ કોઈને નહીં કહું.’

‘તો પછી સાંભળ, ચા પીવાનું તો બહાનું છે. હું તો એક નયનનું અમૃત પીઉં છું.’

વાતમાં રસ પડ્યો એટલે મને જરા વિગત જાણવાનું મન થયું. મેં પૂછ્યું: ‘મને કંઈ સમજાતું નથી. તું શું કહેવા માગે છે?’

‘વાત એમ છે કે રોજ આ વખતે હું હોટેલમાં બેસું છું કે સામેના મકાનના વરંડામાં એક છોકરી આવીને ઊભી રહે છે અને અમારીં તારામૈત્રક રચાય છે. ઈશારાથી અમે ઘણી વાતો કરીએ છીએ.’

કૃપાશંકર તાનમાં આવી ગયો હતો પણ મને તરત જ પડેલા તમાચાનું ભાન થયું. પેલા મુનિ મહારાજે મને ભૂલથી માર્યો એમ મને લાગ્યું. વાતનો તાળો મળી ગયો. કૃપાશંકરને બનાવતા કહ્યું: ‘હું આ વાત જાણું છું. મને હમણાં જ ખબર પડી ગઈ છે.’

‘તને કોણે કહ્યું?’

મેં જવાબ આપ્યો, ‘સાંભળ, હું તને ખુશખબર આપું. હું ઑફિસમાં આવતો હતો ત્યાં જ દરવાજામાં એ છોકરી મને મળી અને તેણે કહ્યું કે તમારી ઑફિસમાંથી પેલા કૃપાશંકરભાઈને મારે ઘેર મોકલજો. હું બારીમાં રાહ નહીં જોઉં. બોલ દોસ્ત તું પણ નસીબદાર છો.’

આ સાંભળીને કૃપાશંકરને બહુ નવાઈ લાગી. તેણે મને પૂછ્યું: ‘સાચું કહે છે? એને મારા નામની ક્યાંથી ખબર પડી?’

‘આંખો વાત કરતાં શીખી જાય પછી નામ શોધતાં કેટલી વાર? આપણા કોઈ પટાવાળાને ખાનગીમાં પૂછી લીધું હશે.’

‘પણ એને ઘેર કેમ જવાય?’

મેં કહ્યું: ‘છોકરી જ્યારે ઘેર બોલાવે ત્યારે છોકરાએ સમજી લેવું જોઈએ કે તેણે બોલાવવા જેવું હશે ત્યારે જ બોલાવ્યો હશે. વરંડામાં ઊભા રહીને તને બોલાવે તો કોઈ જોઈ જાય એટલે તો તેણે મારી સાથે કહેવરાવ્યું.’

કૃપાશંકર ગેલમાં આવી ગયો. તેણે મને કહ્યું: ‘ભારે હિંમતબાજ છોકરી લાગે છે.’

‘મારી તો એ સલાહ છે કે આવી તક જવા દેતો નહીં.’

મારા શબ્દો પૂરા ન થાય ત્યાં તો કૃપાશંકર પાટલૂનના ખિસ્મામાં હાથ નાખીને, મોઢેથી સીટી બજાવતો ચાલ્યો ગયો.

બીજે દિવસે પણ સલામોની પરંપરા ચાલુ રહી અને મારા મનમાં ફાળ પડી કે શેઠ બોનસ આપવાના નથી અને આ બોણી આ વખતે વધુ પ્રમાણમાં દેવી પડશે. એકાદ મહિનાનો પગાર બોણીમાં જ સાફ થઈ જશે એવું લાગવા માંડ્યું. બીજું તો કંઈ નહીં પણ આજે કૃપાશંકર ઑફિસમાં આવ્યો ન હતો. મને થયું કે જરૂર પેલી છોકરી સાથે નાસી ગયો હોવો જોઈએ, પણ હું કોઈના અંગત જીવનની બહુ પરવા કરતો નથી એટલે મેં કૃપાશંકર વિશે કોઈને કંઈ પૂછ્યું નહીં.

થોડા દિવસ પછી બેસતું વર્ષ આવી પહોંચ્યું અને જે લોકો મને સલામ ભરતા હતા તે એક પછી એક આવવા લાગ્યા. પોસ્ટમૅને આવ્યો, મેં એને એક રૂપિયો આપ્યો. અર્ધા કલાક પછી બીજા પોસ્ટમૅન આવ્યો. મેં કહ્યું:

‘હમણાં જ એક જણ લઈ ગયો છે!’

તેણે કહ્યું: ‘સાહેબ, એ સવારની ટપાલ આપે છે: હું બપોરની આપું છું.’

આમ તે પણ એક રૂપિયો લઈ ગયો. ફરી ત્રીજો પોસ્ટમૅન આવ્યો અને સાંજની ટપાલ મને આપે છે એમ કહીને એક રૂપિયો લઈ ગયો. ઑફિસના પટાવાળા આવી ગયા, દરવાનો આવી ગયા. હોટેલના છોકરા આવી ગયા, મારા એક મિત્રનો રસોયો આવી ગયો અને આપણા ખિસ્સાનો ભાર હલકો થવા લાગ્યો. રહી રહીને એક માણસ આવ્યો અને તેણે જણાવ્યું કે પોતે તારવાળો છે. મેં કહ્યું: ‘મારા ઉપર કોઈના તાર આવતા નથી.’

તે બોલ્યો, ‘કેમ સાહેબ, આઠ મહિના પહેલાં તમને એક તાર આપી ગયો હતો. જેવો ઑફિસમાં આવ્યો કે મેં તમને તરત જ પહોંચાડ્યો, બીજા હોય તો ત્રણ કલાક મોડું કરે?’

મને યાદ આવ્યું કે મારા દૂરના એક કાકા ચણા-મમરા ખાતાં ખાતાં હૃદય બંધ પડવાથી મરી ગયેલા એનો એ તાર હતો! તારવાળાને પણ રૂપિયો આપવો પડ્યો, ખરેખર હું કંટાળી ગયો, બપોરના ત્રણેક વાગે સારાં કપડાંમાં એક બાઈ આવી ઊભી રહી, રૂપરૂપના અંબાર જેવી અને જોતાં એમ જ લાગે કે ચારેબાજુ રોશની પથરાઈ રહી છે.

હું રહ્યો એકલો માણસ, કોઈ સ્ત્રી આપણને મળવા આવે નહીં અને આજે આ સ્ત્રીને જોઈને મને ખૂબ નવાઈ લાગી. તે બોલી: ‘ભાઈ, સાલ મુબારક.’

કેવા મીઠા શબ્દો! મેં કહ્યું: ‘આવો બહેન અંદર આવો.’

અને વગર સંકોચે તે અંદર આવી. મેં તો દિવાળી ઊજવી ન હતી એટલે ઘરમાં કંઈ મીઠાઈ તો હતી નહીં પણ આવી વ્યક્તિ ઘર આંગણે આવે અને મીઠાઈ ન હોય તે સારું નહીં, એ વિચારે હું મૂંઝાયો. બાજુમાં રતનબહેન રહેતાં હતાં એને ત્યાંથી મીઠાઈ લઈ આવ્યો અને બહેનને આપી. મીઠાઈ લેતાં જ કહ્યું:

‘ભાઈ, તમે બહુ સારા માણસ લાગો છો. ગાંધીના માણસ છો નહીં?’

મેં કહ્યું ‘હા, વખત પડે અહિંસામાં માનું છું.’

આવી રૂપાળી સ્ત્રી મારાં વખાણ કરે છે એ જાણીને મને આનંદ થયો. મીઠાઈ પૂરી કર્યા પછી તે બોલી: ‘ઠીક ત્યારે, હવે અમને કંઈ બોણી આપો.’

બોણી! આવું રૂપ અને બોણી! હું ચમક્યો. મને થયું કે કંઈ બોલવામાં એની ભૂલ થઈ હશે. મેં પૂછ્યું: ‘તમે શું કહ્યું?’

‘મેં દિવાળીની બોણી માગી.’

હું એના સામે જોઈ જ રહ્યો. તે બોલી: ‘તમે મને ઓળખી નથી લાગતી, હું તમારા માળાની રોજ ગટર સાફ કરું છું. આખો માળો મને રંભલી રંભલી કહે છે. માળાના બધા પુરુષો મને સારી રીતે ઓળખે છે. આજે તો બધાએ બોણી આપી છે.’

આ સાંભળીને મારા તો મોતિયા મરી ગયા! કોઈ જોશે તો શું માનશે, એ વિચારે મને કપાળે પરસેવો આવી ગયો અને તરત જ ખિસ્સામાંથી છેલ્લા પાંચ રૂપિયા કાઢ્યા અને રંભલીના હાથમાં મૂકતાં કહ્યું: ‘લે બાઈ લે તું જલદી જા. મારે ઘણું કામ છે.’

રંભલી રાજી રાજી થઈ ગઈ અને આખા માળામાં કહેતી ગઈ કે મેં તેને ઘરમાં બોલાવીને બોણી આપી અને હું બહુ જ સારો માણસ છું. બાજુમાં રહેતાં રતનબહેન આવ્યાં અને મને ઉધડો લેતા કહ્યું: ‘ભલા માણસ હવે લગન કરી લો તો સારું, ઝાડુવાળીને ઘરમાં બોલાવીને બોણી આપી અને મારે ત્યાંથી એને માટે ખાસ મીઠાઈ લઈ ગયા. તમે પુરુષો તો બસ રૂપ જોયું કે લપસ્યા! નથી કોઈની નાતજાત પૂછતો કે નથી તમારી ખાનદાની તરફ જોતા.’

મેં કહ્યું, પણ રતનબહેન, મને ખબર જ નહીં કે આ બાઈ આપણી ગટર સાફ કરતી હશે.’

રતનબહેન બોલ્યાં, ‘લો હવે રાખો, એ આવે છે ત્યારે તો માળાના પુરુષો વરંડામાં ખાસ દાતણ કરવા ઊભા રહે છે. હલકી જાત અને પાછું રૂપ!’

હલકા વર્ણમાં રૂપ હોવું એ કેમ જાણે પાપ હોય એવી રીતે રતનબહેન બોલ્યાં. મને કંઈ અચાનક યાદ આવ્યું હોય એમ બોલી ઊઠ્યો:  ‘અરે હા, હવે મને યાદ આવ્યું કે મેં રંભલીને ક્યાં જોઈ હતી! રંભલી સાથે જ મારા ભાઈને એક દિવસ સિનેમામાં રાત્રે છેલ્લા ખેલમાં જોયા હતા.’

શું કહો છો! રતનબહેન તાડૂકી ઊઠ્યાં અને પછી મને ભાન થયું કે આવું બોલીને મેં ભાંગરો વાટી નાખ્યો છે. રતનબહેન ધુંવાંફુંવાં થતાં ચાલ્યાં ગયાં, પાંચ મિનિટ પછી મેં એમના ઘરમાં ઠામવાસણ પડવાના કર્કશ અવાજો સાંભળ્યા. રતનબહેનના પતિના શબ્દો સંભળાતા હતા કે: ‘હવે તો તું મૂગી મર, આવું તારા મગજમાં કોણે ભૂત ભરાવ્યું?’

‘આટલા દિવસ હું મૂગી મરી જ રહી છું. હવે મને ખબર પડી કે દાતણ કરતાં તમને કેમ વાર લાગે છે, હવે મને ખબર પડી કે શા માટે તમે મને સાથે સિનેમામાં નથી લઈ જતા. તમને લોકોને પારકાં બૈરાં જ ગમે.’

આમ પતિ-પત્ની વચ્ચે મહાભારત જામી પડેલું અને આવું સત્ય ઉચ્ચારી નાખવા માટે મને પશ્ર્ચાતાપ થવા લાગ્યો. કોઈના સંસારમાં મેં ભૂલથી આગ લગાડી દીધી અને હવે મારું હૃદય દાઝવા લાગ્યું, હું ઘરની બહાર નીકળી ગયો. નીચે જ અમારા માળાના હરિરામ ભટ્ટ મને મળ્યા. સનાતન ધર્મ એમને લીધે જ ટકી રહ્યો છે એવો ફાંકો રાખનારા હરિરામભાઈ મને જોઈને બોલ્યા: ‘વાહ, તમે તો હરિરજનોનો ઉદ્ધાર કરી નાખ્યો!’

હું પામી ગયો. કે સનાતન ધર્મ મને શું કહેવા માગતો હતો. મેં કંઈ જવાબ ન આપ્યો. પાછળથી મારે કાને એમના શબ્દો પડ્યા કે: ‘આવા ને આવા પાપી પુરુષોના ભારથી પૃથ્વી રસાતાળ જવાની છે.’

રસ્તા ઉપર હું ચાલ્યો જતો હતો ત્યાં પાછળથી અવાજ સાંભળ્યો: ‘ભાઈ સાલ મુબારક!’

મને થયું કે જો પાછું વાળીને જોઈશ તો વળી કોઈને બોણી દેવી પડશે એટલે મેં તો ઉતાવળે પગે ચાલવા માંડ્યું. ફરી એ જ શબ્દો મારે કાને અથડાયા, અવાજ પરિચિત લાગ્યો એટલે મેં પાછળ જોયું. એ હતો કૃપાશંકર! હાથે પાટા બાંધ્યા હતા. એની પાસે જઈને મેં પૂછ્યું: ‘એલા આટલા દિવસ સુધી ક્યાં મર્યો હતો?’

દયામણું મોઢું કરીને તે બોલ્યો, ‘યાર, તેં પણ મારો ઘડોલાડવો કરી નાખ્યો. તને બીજું કોઈ હાથમાં ન આવ્યું? એવો માર પડ્યો, કે આજ દિવસ સુધી હૉસ્પિટલમાં રહેવું પડ્યું.’

હું હકીકત સમજી ગયો. મેં કહ્યું: ‘કેમ તું તો રોજ નયનામૃતનું પાન કરતો હતો ને?’

‘હા, દૂરથી એ અમૃત જેવું લાગતું પણ પાસે ગયો એટલી લાઠી-અમૃત મળ્યું, આ બધો તારો પ્રતાપ છે.’

મે ફિલસૂફ બનીને કહ્યું, ‘જો દોસ્ત, જ્યાં સુધી જીવનમાં નયનોની રમત ચાલે છે ત્યાં સુધી જ ખરી મજા છે. પાસે જતાં બધું લાકડા જેવું જ છે.’