આ ફેશન ડિઝાઈનરે ગર્ભવતી સ્ત્રીઓ માટે ખાસ વસ્ત્રો ડિઝાઈન કરીને સ્ત્રીનાં પ્રેગ્નન્સી વખતના ફેશન સંબંધિત પ્રશ્નોને ઉકેલવાનો પ્રયાસ કર્યો છે. |
આથી જ ફૅશન ડિઝાઈનર અર્ચના કોચરે થોડા સમય પહેલાં પ્રેગ કલેક્શન બહાર પાડીને સ્ત્રીના પ્રેગ્નન્સી વખતના ફૅશન સંબંધિત પ્રશ્ર્નોને સુલઝાવવાનો પ્રયાસ કર્યો છે. અર્ચના કોચર ફૅશનજગતનું બહુ જાણીતું નામ છે. છેલ્લા ત્રણેક દાયકાથી ફૅશનની દુનિયા સાથે સંકળાયેલાં અર્ચના કોચર પ્રિયદર્શિની સાથે વાત કરતાં કહે છે:
‘દરેક ઉંમરની સ્ત્રીને બ્યુટિફુલ દેખાવું હોય છે. એમાંય એ પ્રેગ્નન્ટ છે એ વાતની જાણ થાય ત્યારથી જ અંદરખાનેથી એ પોતાનાં વજન અને પેટ વધવાની બાબતે ચિંતિત રહે છે. ડિલિવરી બાદ પણ એને આવી જ ચિંતા રહે છે. આ સમયગાળામાં એ બોરિંગ, નૉટ ગુડ લુકિંગ જેવી નથી બની જવા માગતી. આ જ કારણસર મારા પ્રેગ કલેક્શનમાં મેં એવાંવસ્ત્રો ડિઝાઈન કર્યાં છે, જેમાં એ વધુ સુંદર દેખાઈ શકે. કોઈ પણ પ્રકારનાં કોરસેટ, પૅડિંગ-શરીરના અંદરના ભાગને છુપાડવા માટે પહેરવાં ન પડે એની પણ મેં તકેદારી રાખી છે. અંતે તો ભગવાને બનાવેલી સ્ત્રીને એના છેલ્લા શ્ર્વાસ સુધી સુંદર દેખાવાનો હક છે અને એ માટે હું મારા તરફથી થોડી કોશિશ કરતી રહું છું.’
બોલીવૂડની મોટા ભાગની અભિનેત્રી માટે વસ્ત્રો ડિઝાઈન કરનારાં અર્ચના વિશે એ જાણીને તમને નવાઈ લાગશે કે એમણે ક્યારેય કોઈ પણ ફૅશન ડિઝાઈનિંગ કૉલેજમાંથી ફૅશનની ડિગ્રી લીધી નથી. અમુક વ્યક્તિને જ ભગવાન આવી ટેલેન્ટ આપતા હોય છે, જે અઘરી મહેનતનું પરિણામ હોય છે. એ વ્યક્તિ પડે, ઠોકર ખાય, ભૂલ કરે તો પણ લક્ષ્યને આંબીને જ રહે છે. અર્ચના કોચર પણ આવાં જ ડિઝાઈનર છે. એમનું ધ્યાન બહુ નાની વયથી માત્ર એક જ વાત પર કેન્દ્રિત હતું કે હું મોટી થઈને પોતાની ઓળખ બનાવીશ, બિઝનેસ કરીશ અને દુનિયામાં નામ કાઢીશ.
અર્ચના એમનાં મમ્મી-પપ્પાનાં એકનાં એક દીકરી એટલે લાડકોડ સાથે ઊછર્યાં. એમને સ્વતંત્રતા પણ મળી. નાનપણથી અર્ચનાને દરેક સુંદર ચીજ આકર્ષતી. સરસમજાનાં વસ્ત્રો પહેરીને તૈયાર થવું કે કોઈને તૈયાર કરવું એ અર્ચનાને ખૂબ મતું. ઘણાં વર્ષો એમણે પેન્ટિંગ પણ કર્યું. દસમા ધોરણ બાદ અર્ચનાએ સાયન્સ લીધું, કેમ કે એ ભણવામાં પણ નંબર-વન. અર્ચના જૂના દિવસો યાદ કરતાં કહે છે:
‘રુઈયા કૉલેજમાં સાયન્સ ભણવા તો જતી, પણ મને બહુ બોર થવા લાગ્યું. મારી માનસિક સ્થિતિ એવી હતી કે હું આ તો નથી જ. મારે જિંદગી જીવવી છે. પુસ્તકોમાં માથું નાખીને જુવાની ખતમ નથી કરી નાખવી અને મેં સાયન્સ છોડીને કૉમર્સ ભણવાનો નિર્ણય લીધો.’
એ પછી મુંબઈના વિલે પાર્લે પરામાં આવેલી નરસી મોનજી કૉલેજમાં ભણતાં ભણતાં અર્ચનાએ મિત્રો સાથે મળીને પહેલો ફૅશન ટ્રન્ક શો યોજ્યો, જેમાં એમણે સૌપ્રથમ વાર વસ્ત્રો ડિઝાઈન કર્યાં અને એ લોકોને ખૂબ ગમ્યાં.
ગ્રૅજ્યુએશન પછી રાજીવ કોચર સાથે અર્ચનાનાં અરેન્જ્ડ મૅરેજ થયાં. રાજીવ કોચર એક્સ્પોર્ટ હાઉસ ધરાવતા હતા. લગ્ન બાદ થોડા જ સમય પછી અર્ચના અને એમની એક બહેનપણીએ જુહૂ વિસ્તારમાં જગ્યા ભાડે લઈને પોતે ડિઝાઈન કરેલા ડ્રેસિસનું પ્રદર્શન યોજ્યું, જેમાં અર્ચનાએ ડિઝાઈન કરેલા તમામ ડ્રેસ વેચાયા અને એમની બહેનપણીને જોઈએ એવો રિસ્પોન્સ ન મળ્યો.
અર્ચના કહે છે: ‘મારી બહેનપણીએ કામ છોડી દીધું અને મારી કરિયર ઘડાવાની આ રીતે શઆત થઈ. મને આજે પણ યાદ છે, મારા હસબન્ડની વર્કશૉપમાંથી વધ્યાં-ઘટ્યાં કાપડમાંથી મેં વસ્ત્રો ડિઝાઈન કર્યાં હતાં. બસ, એ દિવસ અને આજની ઘડી, ક્યારેય પાછું વળીને જોયું નથી. મારા હસબન્ડે પણ મને ખૂબ સાથ આપ્યો છે અને હજી પણ આપી રહ્યા છે.’
અનેક પડકાર છતાં આગળ વધનારાં અર્ચના બ્રાઈડલ કલેક્શન માટે પ્રખ્યાત છે. દરેક નવવધૂ સુંદર દેખાય એ માટે અર્ચના દરેક નવા ફૅશન શોમાં નવું કલેક્શન ડિઝાઈન કરે છે. વિશ્ર્વભરમાં એમનાં ડિઝાઈનર બ્રાઈડલ વેર વેચાય છે. અત્યાર સુધી ૩૦,૦૦૦થી વધુ નવવધૂ માટે વસ્ત્રો ડિઝાઈન કરનારાં અર્ચના ઝારખંડનાં મહિલા વણકરો સાથે મળીને અહિંસા સિલ્કના પ્રોજેક્ટ (મેક ઈન ઈન્ડિયા સંબંધિત) સાથે પણ સંકળાયાં હતાં. ન્યુ યોર્ક ફૅશન વીકમાં એમણે આ કલેક્શન પ્રદર્શિત કર્યું હતું.
સામાજિક પ્રશ્ર્નોમાં કંઈ ને કંઈ યોગદાન કરવા માટે સદા તત્પર એવાં અર્ચના કોચરે ઍસિડ વિક્ટિમ રેશમા કુરેશીનો વેડિંગ ગાઉન પણ ડિઝાઈન કર્યો હતો. આ ઉપરાંત, દુનિયાભરની તેર કૉલેજ સાથે પણ એ પ્રત્યક્ષ-પરોક્ષ રીતે જોડાયેલાં છે.
અર્ચના કહે છે: ‘સેલિબ્રિટી, ઍક્ટ્રેસ ક્લાયન્ટ માટે કામ કરવું કોને ન ગમે? વીસ વર્ષ પહેલાં જયા બચ્ચન મારી પાસે પ્રથમ વાર આવ્યાં હતાં. ત્યારથી બોલીવૂડની અનેક અભિનેત્રી મારી પાસે નિયમિત રીતે વસ્ત્રો ડિઝાઈન કરાવે છે. સેલિબ્રિટી ડિમાન્ડિંગ હોય છે. આપણને એ શીખવે છે. મારા હિસાબે કોઈ પણ સેલિબ્રિટી મારાં ડિઝાઈન કરેલાં વસ્ત્ર પહેરે ત્યારે વધુ સુંદર દેખાય છે. હકીકતમાં એમના પર વસ્ત્રો વધુ સુંદર દેખાય એ મારા માટે વધુ સંતોષકારી વાત છે. બાકી, સામાન્ય લોકો સાથે કામ કરવાની વધુ મજા આવે છે, કેમ કે એ લોકો અસલી છે, ફેક નથી હોતા.’
અર્ચના પોતાની કંપનીને વધુ પ્રોફેશનલ બનાવવા માગે છે. એમને ટેક્ધોલૉજી સાથે સુમેળ વધારવો છે, કેમ કે એ જ સમયની માગ છે. વધુ ને વધુ સારું કામ કરતાં રહેવું છે. ફૅશનજગતમાં પોતાની કારકિર્દી બનાવનારા નવયુવાનો માટે અર્ચના માર્ગદર્શન આપતાં કહે છે:
‘ફૅશન ગમતી હોય તો ડિઝાઈનર જ બનવું એવું ફરજિયાત નથી. તમે સ્ટાઈલિસ્ટ, ફૅશન બ્લોગર, ફૅશન ફોટોગ્રાફર, ફૅશન ઈવેન્ટ પ્લાનર બનીને પણ ફૅશન સાથે સંકળાયેલા રહી શકો છો. આ ક્ષેત્રમાં હાર્ડવર્કનો વિકલ્પ નથી. સ્માર્ટ રીતે કામ કરીને તમે તમારું નસીબ ચોક્કસપણે બદલાવી શકો છો. સપનાં જુઓ તો એને પૂરાં કરવાની હિંમત પણ રાખો.’
અર્ચના અને રાજીવ કોચરને એક દીકરી છે, જે હાલમાં અમેરિકામાં ભણી રહી છે. ફ્રી સમયમાં અર્ચના વાંચન, ટ્રાવેલિંગ અને મિત્રોને મળવાનું પસંદ કરે છે.