ઊંધિયું મસાલો

ઊંધિયું બનાવવામાં ઘણી કળાકૂટ છે. પણ આ મહેનત ત્યારે સફળ થાય જ્યારે ઊંધિયું ટેસ્ટી બને! તો ચાલો, ઊંધિયાને સ્વાદિષ્ટ બનાવવા ઊંધિયાનો મસાલો બનાવીએ!

સામગ્રીઃ

  • સુધારેલી કોથમીર 2 ટે.સ્પૂન
  • કળીપત્તાં 10-15 પાન

  • આખા ધાણા 2 ટે.સ્પૂન
  • સૂકા લાલ મરચાં 3-4
  • તમાલપત્ર 2-3
  • તજનો ટુકડો 1 ઈંચ જેટલો
  • લવિંગ 2-3, જીરૂં 1 ટી.સ્પૂન
  • કાળાં મરી ½ ટી.સ્પૂન
  • બાદીયા ફુલ 1
  • વરિયાળી ½ ટી.સ્પૂન
  • દગડ ફુલ 1 ટી.સ્પૂન
  • સૂકું ખમણેલું નાળિયેર 2 ટે.સ્પૂન
  • આમચૂર પાવડર 1 ટી.સ્પૂન
  • હળદર ½ ટી.સ્પૂન
  • લીંબુના ફુલ ¼ ટી.સ્પૂન
  • જાયફળ ખમણેલું ¼ ટી.સ્પૂન
  • સ્વાદ મુજબ મીઠું

રીતઃ સુધારેલી કોથમીર અને કળીપત્તાના પાનને એક પેનમાં ગેસની ધીમી આંચે સૂકાં થાય ત્યાં સુધી (એમાંનું પાણી સૂકાય જાય ત્યાં સુધી) શેકી લો. (પાન કાળાં ના થવા જોઈએ) શેકાઈ જાય એટલે એકબાજુએ મૂકી રાખો.

હવે એ જ પેનમાં આખા ધાણા, સૂકા લાલ મરચાં, તમાલપત્ર, તજનો ટુકડો, લવિંગ, જીરૂં, કાળાં મરી, બાદીયા ફુલ , વરિયાળી તથા દગડ ફુલ બધી વસ્તુઓને ગેસની એકદમ ધીમી આંચે શેકો. બ્રાઉન રંગ થાય અને હલકી સુગંધ આવે એટલે ગેસ પરથી ઉતારીને ઠંડી કરવા મૂકો.

ઉપરની બધી સામગ્રી તેમજ શેકેલાં કોથમીર અને કળીપત્તાના પાન મિક્સીની જારમાં લો. એમાં બાકીની સામગ્રી એટલે કે, આમચૂર પાવડર, હળદર, લીંબુના ફુલ, સૂકું ખમણેલું નાળિયેર, જાયફળ તેમજ મીઠું ઉમેરીને બારીક પાવડર દળી લો.

દળેલો મસાલો તમે એર ટાઈટ જારમાં ભરી લો. આ મસાલો 4-5 મહિના સુધી સારો રહે છે.