દિવાળીના તહેવારમાં ખાસ બનાવવામાં આવતી ગુજરાતની પારંપરિક મીઠાઈ કેસર મણિ, જે બનાવવામાં ઘણી જ સહેલી છે!
સામગ્રીઃ
- ઘી 3 ટી.સ્પૂન
- દૂધ 2 ટી.સ્પૂન
- ચણાનો લોટ 1 કપ
- કાજુ-બદામના ટુકડા 70 ગ્રામ
- ગુંદર 30 ગ્રા.
- ઘઉંના લોટની સેવ 50 ગ્રા.
- દૂધનો પાઉડર ½ કપ
- દેશી ઘી ¾ કપ
- ખાંડનો પાઉડર ½ કપ
- એલચી પાઉડર 1 ટી.સ્પૂન
- કેસરના તાંતણા 8-10
રીતઃ એક કઢાઈમાં 3 ટી.સ્પૂન ઘી તેમજ 3 ટી.સ્પૂન દૂધ સહેજ હૂંફાળું કરીને ચણાના લોટમાં મેળવી દેવું. બંને હાથ વડે આ મિશ્રણને મિક્સ કરતાં જવું. જયારે તેમાં કણી પડવા લાગે એટલે ધાબો તૈયાર થઈ ગયો સમજવો. આ ધાબાને 10-15 મિનિટ રહેવા દો. ત્યારબાદ તેને સ્ટીલની ચાળણીમાં ચાળી લો.
એક કઢાઈમાં 3 ટે.સ્પૂન ઘી ગરમ કરી, ગેસની આંચે કાજુ-બદામના ટુકડા શેકીને એક પ્લેટમાં કાઢી લો. ત્યારબાદ તેમાં થોડા થોડા ગુંદરને ઉમેરીને તળો. જેવા ગુંદર ફુલી જાય એટલે ઝારા વડે એક પ્લેટમાં કાઢતા જાઓ. ત્યારબાદ ઘઉંની સેવના નાના ટુકડા કરીને તે પણ ગુલાબી રંગના શેકીને પ્લેટમાં કાઢી લો.
કઢાઈમાં બાકી રાખેલું ઘી ઉમેરીને ગરમ થાય એટલે ધાબો દીધેલો ચણાનો લોટ ગેસની ધીમી આંચે શેકો. ઝારા વડે હલાવતાં રહો. લોટ બ્રાઉન રંગનો થાય ત્યારપછી પણ સહેજ વધુ લાલાશ પડતો થાય એટલે તેમાં કેસરના તાંતણા તેમજ એલચી પાઉડર અને થોડા કાજુ-બદામના ટુકડા મેળવી દો. દવે તેમાં દૂધનો પાઉડર મેળવીને ઝારા વડે હલાવતાં રહો. તેમાં ગઠ્ઠા ના પડવા જોઈએ. મિશ્રણ બધું એકસરખું મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો અને તેમાં થોડા કાજુ-બદામના ટુકડા તેમજ તળેલી સેવમાંથી થોડી સેવ મેળવી દો. મિશ્રણ ઠંડું થવા દો. લગભગ અડધા કલાક બાદ મિશ્રણ ઠંડું થઈ જાય એટલે તેમાં સાકરનો પાઉડર મેળીને એક ઘી લગાડેલી થાળીમાં મિશ્રણ પાથરી દો. ઉપરથી બાકી રાખેલાં કાજુ-બદામના ટુકડા ભભરાવીને તળેલી સેવ પણ ભભરાવી દો. આ મિશ્રણના ચપ્પૂ વડે ચોસલા પાડી દો અને થાળીને 2 કલાક માટે સેટ થવા દો.
ત્યારબાદ કેસર મણિ મીઠાઈ ખાવાના ઉપયોગમાં લો.
