ઘઉંના લોટના લાડુમાં નખાતા ખડીસાકર તેમજ મગજતરીના બીને લીધે અસહ્ય ગરમીના દિવસોમાં તે બાળકો માટે શીતળ તેમજ રાહતભર્યા રહે છે! બાળકોનું વેકેશન પણ ચાલુ છે, તો બનાવી લો આ લાડુ!
સામગ્રીઃ
- ઘઉંનો લોટ 1½ કપ
- ઝીણો રવો ½ કપ
- ખડીસાકર 1½ કપ
- ઘી 1 કપ
- દૂધ ½ કપ
- એલચી પાઉડર 1 ટે.સ્પૂન
રીતઃ જાડા તળિયાવાળી કઢાઈમાં અડધો કપ ઘી ગરમ કરીને તેમાં ગેસની મધ્યમ આંચે રવો 2 મિનિટ સુધી શેકી લો. ત્યારબાદ તેમાં ઘઉંનો લોટ ઉમેરીને ગેસની ધીમી આંચે આ મિશ્રણ સતત હલાવતા રહો. થોડીવાર બાદ તે સૂકું થવા લાગે ત્યારે બીજું થોડું ઘી ઉમેરી દો. દસેક મિનિટ બાદ લોટ શેકાયા બાદ તે થોડો ઢીલો થવા લાગશે. હવે તેમાં 3-4 ટે.સ્પૂન દૂધ મેળવીને હલાવો. થોડીવાર બાદ બાકીનું દૂધ પણ મેળવી દો. આ લોટને ત્યાં સુધી તવેથા વડે સતત હલાવતા રહો. જ્યાં સુધી તે રવા જેવો છૂટ્ટો દાણેદાર ન થઈ જાય. લોટ શેકાઈ જાય એટલે તેને કઢાઈમાંથી એક થાળીમાં કાઢીને ઠંડો થવા દો.
ખાલી થયેલી કઢાઈમાં મગજતરીના બી ગેસની ધીમી આંચે શેકીને તે પણ લોટમાં મેળવી દો.
ખડીસાકરના ટુકડા એક ખાંડણીયામાં ખાંડીને તેને મિક્સીમાં બારીક પીસી લો.
લોટ ઠંડો થાય એટલે ખડીસાકરનો ભૂકો, મગજતરીના બી તેમજ એલચી પાઉડર મેળવી લો. જો લોટ સૂકો લાગે તો તેમાં થોડું ઓગાળેલું ઘી મેળવી લો અને તેમાંથી જોઈતી સાઈઝના લાડુ વાળી લો.
