બાસમતી ચોખા પલાળીને, દળીને દૂધમાં જે ખીર બને, તો બાસમતી ચોખાની સુગંધ સાથેની ખીરનો સ્વાદ અદ્ભુત રહેશે! સાથે હોળી-ધૂળેટીના તહેવારનો રંગ પણ ખીલી ઉઠશે! ખરું ને?
સામગ્રીઃ
- બાસમતી ચોખા 1 કપ
- દૂધ 2 લિટર
- કેસરના તાંતણા 10-15
- એલચી પાઉડર 1 ટી.સ્પૂન
- કાજુ-બદામ-પિસ્તાની કાતરી 3 ટે.સ્પૂન
કન્ડેન્સ્ડ મિલ્કઃ
- દૂધ 2 કપ
- સાકર 1 કપ
- બેકીંગ સોડા 3 ચપટી
કેરેમલ સાકરઃ
- સાકર ½ કપ
રીતઃ બાસમતી ચોખાને 2-3 પાણીએથી ધોઈને બીજાં ચોખ્ખાં પાણીમાં અડધો કલાક માટે પલાળી રાખો.
સરખી સાફ કરેલી એક મોટી કઢાઈમાં દૂધને ઉકળવા માટે મૂકો.
બાસમતી ચોખા પલળી જાય એટલે તેમાંથી પાણી નિતારી લઈ, મિક્સીમાં બારીક વાટી લો.
દૂધમાં એક ઉભરો આવે એટલે વાટેલા ચોખામાં એક કપ જેટલું દૂધ મેળવીને ચમચી વડે મિશ્રણ એકરસ કરીને ઉકળતા દૂધમાં ઠાલવી દો. તેમાં ગઠ્ઠા ન રહેવા જોઈએ. આ મિશ્રણને ઝારા વડે થોડી થોડી વારે હલાવતા રહેવું. ગેસની આંચ ધીમી કરી દો.
એક ફ્રાઈ પેનમાં કન્ડેન્સ્ડ મિલ્ક માટે દૂધમાં સાકર નાખીને ગરમ કરવા મૂકો. દૂધને ચમચા વડે સતત હલાવતાં રહેવું. દૂધનું પ્રમાણ અડધું થવા આવે એટલે તેમાં 3 ચપટી બેકીંગ સોડા ઉમેરીને ફરીથી ચમચાથી હલાવતાં રહેવું. જ્યાં સુધી દૂધનો રંગ પીળો થઈ જાય અને દૂધ ઘટ્ટ થઈ જાય. ત્યારબાદ ગેસ બંધ કરીને કઢાઈમાંનું કન્ડેન્સ્ડ મિલ્ક હળવેથી ખીર માટે ઉકળવા મૂકેલા દૂધમાં રેડી દો. આ દરમ્યાન ખીરને સતત ચમચા વડે હલાવતાં રહેવું.
કેરેમલ સાકર બનાવવા માટે ફ્રાઈ પેનમાં સાકર નાખીને ગેસની ધીમી આંચે પેનને ગરમ કરવા મૂકો. થોડી વારે સાકર ઓગળશે. ત્યારબાદ તેનો રંગ બ્રાઉન થવા માંડશે. સાકરની આ ચાસણી ઘટ્ટ થઈ ચોકલેટી રંગ પકડે એટલે ગેસ બંધ કરી દો. આ કેરેમલ સાકરને હળવેથી ખીરમાં રેડી દો. અને મિશ્રણને ચમચા વડે એકરસ કરી લો. હવે એલચી પાઉડર તથા સૂકા મેવામાંની કાતરીમાંથી અડધો ભાગ ખીરમાં મેળવી દો. ખીર ઘટ્ટ થવા આવે એટલે ગેસ બંધ કરી દો. ખીર થોડી ઠંડી થાય એટલે તેને અન્ય સ્ટીલના વાસણમાં રેડીને, ઢાંકીને રેફ્રીજરેટરમાં 3-4 કલાક માટે મૂકી દો.
પીરસતી વખતે ઠંડી થયેલી ખીરને ગ્લાસ અથવા બાઉલમાં પીરસીને ઉપરથી સૂકા મેવાની કાતરી ભભરાવી દો.
