ઈન્સ્ટન્ટ પિઝા બાઈટ્સ

વાહ, આ પિઝા બાઈટ્સ તો ગણતરીની મિનિટોમાં ઝટપટ બની જાય છે! બહેનપણીઓનું ઝુંડ પણ ઓચિંતુ ઘરે આવી જાય તો તેમને જલસો થઈ જાય તેવો આ નાસ્તો છે!

સામગ્રીઃ

  • બ્રેડ 7-8
  • પિઝા સોસ
  • ઓરેગેનો પાઉડર 1 ટી.સ્પૂન
  • ચિલી ફ્લેક્સ 2 ટી.સ્પૂન
  • કાળા મરી પાઉડર ½ ટી.સ્પૂન
  • મોઝરેલા ચીઝ
  • બાફેલા મકાઈના દાણા
  • લાલ તથા લીલું સિમલા મરચું 1-1
  • કાંદા 2
  • માખણ
  • મેયોનિઝ
  • દૂધ 2 ટે.સ્પૂન

રીતઃ બ્રેડના ચોરસ ટુકડા કરી લો. તેને નોનસ્ટીક તવા ઉપર થોડું માખણ નાખીને ગેસની ધીમી આંચ કરીને કડક શેકીને એક પ્લેટમાં કાઢી લો.

એક બાઉલમાં પિઝા સોસ, ઓરેગેનો પાઉડર, ચિલી ફ્લેક્સ, મેયોનિઝ તેમજ દૂધ મેળવીને સોસ તૈયાર કરી લો.

કાંદા તેમજ સિમલા મરચાંને લંબચોરસ સ્લાઈસમાં સમારી લો. કઢાઈમાં માખણ ગરમ કરીને તેમાં કાંદા તેમજ સિમલા મરચાં થોડાં સાંતળીને, મકાઈના દાણા ઉમેરી, કાળા મરી પાઉડર ભભરાવી દો. હવે તેમાં બ્રેડના શેકેલા ટુકડા ઉમેરી દો. સાથે તૈયાર કરેલો પિઝા સોસ મેળવીને મોઝરેલા ચીઝ ભભરાવી દો. ગેસની ધીમી આંચે પાંચેક મિનિટ કઢાઈ ઢાંકીને ચીઝ ઓગળે એટલે ગેસ બંધ કરીને તૈયાર પિઝા બાઈટ્સ ટોમેટો કેચ-અપ અથવા મેયોનિઝ સાથે પીરસો.