ઈન્સ્ટન્ટ ગરમાગરમ નાસ્તો તે પણ સ્વાદસભર જોઈતો હોય તો તે છે પૌઆના ઢોકળા! જે કોઈપણ કળાકૂટ વિના બની જાય છે!
સામગ્રીઃ
- પૌઆ 1 કપ
- ખાટું દહીં 1 કપ
- સિમલા મરચું સમારેલું ½ કપ
- આદુ મરચાં ઝીણાં સમારેલાં 2 ટે.સ્પૂન
- મીઠું સ્વાદ પ્રમાણે,
- કોથમીર ધોઈને સમારેલી ½ કપ
- શેકેલા શીંગદાણાનો ભૂકો ½ કપ
- હળદર ½ ટી.સ્પૂન
- ખાંડ 1 ટી.સ્પૂન
- બાફેલું બટેટું 1
વઘાર માટેઃ
- તેલ 1 ટે.સ્પૂન
- રાઈ 1 ટી.સ્પૂન
- સફેદ તલ 2 ટી.સ્પૂન
- કળીપત્તાના પાન 8-10
- લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
રીતઃ પૌઆને ધોઈને ચાળણીમાંથી પાણી નિતારીને 5 મિનિટ માટે રહેવા દો. પૌઆને એક મોટા વાસણમાં લઈ તેમાં દહીં ઉમેરો. ત્યારબાદ તેમાં સમારેલાં સિમલા મરચાં, આદુ મરચાં, કોથમીર, શીંગદાણાનો ભૂકો, મીઠું સ્વાદ મુજબ મેળવો. બાફેલા બટેટાને ખમણીને ઉમેરો. ત્યારબાદ તેમાં હળદર પાઉડર તેમજ ખાંડ પણ મેળવી દો. આ મિશ્રણને મિક્સ કરશો એટલે તે લોટની જેમ બંધાશે.
એક થાળીમાં તેલ લગાડીને આ લોટને હાથેથી થાપીને ફેલાવી દો.
ઢોકળા બાફવાના વાસણમાં કાંઠો મૂકી તેમાં પાણી નાખીને પાણી ઉકળવા દો. પાણી ઉકળે એટલે તેમાં ઢોકળાવાળી થાળી બાફવા મૂકી ઢાંકીને 10 મિનિટ થવા દો. ત્યારબાદ ગેસ બંધ કરીને થાળી બહાર કાઢી લો.
હવે એક વઘારીયામાં તેલ ગરમ કરી રાઈ તતડાવી દો.ગેસની આંચ ધીમી કરીને તેમાં સફેદ તલ હળવેથી ઉમેરીને ગેસ બંધ કરીને કળી પત્તાના પાન ઉમેરી દો. હવે તેમાં લાલ મરચાંનો પાઉડર ઉમેરીને ચમચી વડે મિક્સ કરીને આ વઘાર તરત જ ઢોકળાની થાળીમાં રેડીને તવેથા વડે ફેલાવી દો.
ઢોકળાને ચોરસ અથવા લંબચોરસ કટ કરીને ખાવાના ઉપયોગમાં લો. પૌઆ ઢોકળા સાથે ચટણી અથવા ટોમેટો કેચ-અપ સારું લાગશે. ચટણી વગર પણ આ ઢોકળા સારાં લાગશે.