ખાંડવી તો સહુ કોઈને ભાવે! આ જ ખાંડવીમાં પાલકની પ્યુરી મેળવી દો. તો તે સ્વાદ સાથે સ્વાસ્થ્યવર્ધક પણ બની જાય!

સામગ્રીઃ ચણાનો લોટ 1 કપ, પાલક ધોઈને મોટા ટુકડામાં સમારેલી 1 કપ, દહીં 1 કપ, પાણી 2 કપ, આદુ-મરચાંની પેસ્ટ 1 ટે.સ્પૂન, સ્વાદ મુજબ મીઠું, હીંગ ¼ ટી.સ્પૂન, તેલ 1 ટે.સ્પૂન
વઘાર માટેઃ તેલ 2 ટે.સ્પૂન, રાઈ 1 ટી.સ્પૂન, હીંગ ¼ ટી.સ્પૂન, સફેદ તલ 1 ટે.સ્પૂન, લીલા મરચાં 3-4, કળી પત્તાના પાન 8-10, કોપરાની છીણ 2 ટે.સ્પૂન
રીતઃ ધોયેલી પાલકમાં દહીં મેળવીને મિક્સીમાં તેની પ્યુરી બનાવી લો. તેમાં ચણાનો લોટ તેમજ બે કપ પાણી મેળવીને જેરણી વડે એકસરખું મિક્સ કરી લો. તેમજ તેમાં આદુ-મરચાંની પેસ્ટ તેમજ સ્વાદ મુજબ મીઠું પણ મેળવી દો.
એક કઢાઈમાં તેલ ગરમ કરી હીંગનો વઘાર કરી પાલકની આ પ્યુરી રેડીને ઉકળવા દો. થોડીવાર ઉકળ્યા બાદ તે ઘટ્ટ થવા લાગે એટલે એક થાળીને તેલ લગાડીને આ મિશ્રણ તેમાં પાથરીને ઠંડું થવા દો. ઠંડું થાય એટલે ચપ્પૂ વડે તેમાં ખાંડવીની પટ્ટી જેવા કાપાં પાડીને દરેક કાપાનો રોલ વાળી લો. આ રીતે બધા રોલ વાળી લઈને એક પ્લેટમાં ગોઠવી દો.
એક પેન અથવા વઘારીયામાં તેલ ગરમ કરી રાઈનો વઘાર કરો. રાઈ તતડે એટલે તેમાં હીંગ તેમજ લીલા મરચાંને ગોળ કટ કરીને તેમાં વઘારી હીંગ તેમજ કળીપત્તા તેમજ સફેદ તલનો વઘાર કરો. આ વઘાર ખાંડવી ઉપર રેડી દો. તથા ઉપરથી સમારેલી કોથમીર અને કોપરાનું છીણ ભભરાવીને ખાંડવી જમવામાં પીરસો.



