માવા માલપૂઆ

માલપૂઆ સાદા તો સ્વાદિષ્ટ લાગે જ છે. જો તેમાં માવો નાખીને બનાવો તો તેનો સ્વાદ બહુ જ અલગ લાગે છે, વળી રબડી સાથે પીરસો તો તેની જુદી જ વેરાયટી બને છે!

સામગ્રીઃ

  • મેંદો 1 કપ
  • માવો ½ કપ
  • હૂંફાળું દૂધ 2 ટે.સ્પૂન
  • અધકચરી પીસેલી વરિયાળી પાઉડર ½  ટી.સ્પૂન
  • સાકર ½ ટે.સ્પૂન
  • ચપટી મીઠું
  • માલપૂઆ તળવા માટે તેલ અથવા ઘી

ચાસણી માટેઃ

  • સાકર ½ કપ
  • પાણી ½ કપ
  • એલચી પાઉડર ¼ ટી.સ્પૂન
  • કેસરના તાંતણા થોડાંક
  • કાજુ-પિસ્તાની કાતરી સજાવટ માટે

રીતઃ માવાને ખમણીને મિક્સીમાં નાખી, મેંદો તેમજ 2 ટે.સ્પૂન દૂધ ઉમેરી, સાકર તેમજ વરિયાળી પાઉડર તથા ચપટી મીઠું મેળવીને મિક્સીમાં ફેરવી દો. આ મિશ્રણ થોડું ઢીલું રાખવું. તેને 15 મિનિટ માટે બાજુએ રાખી દો.

ત્યાંસુધીમાં સાકરની ચાસણી બનાવી લઈ તેમાં એલચી પાઉડર તેમજ કેસર નાખી દો.

15 મિનિટ બાદ એક કઢાઈમાં તેલ અથવા ઘી ગરમ કરી તેમાં એક ચમચા વડે માલપૂઆનું મિશ્રણ રેડીને માલપૂઆ ચીપિયા અથવા ઝારાની મદદથી બંને બાજુએથી સોનેરી રંગના તળી લો. માલપૂઆ બહાર કાઢી લીધા બાદ તેને સાકરની ચાસણીમાં 2 મિનિટ માટે રાખી લીધા બાદ પ્લેટમાં મૂકીને તેની ઉપર કાજુ-પિસ્તાની કાતરી ભભરાવી દો. જો રબડી સાથે માલપૂઆ પીરસવા હોય તો માલપૂઆ ઉપર રબડી રેડીને કાજુ-પિસ્તાની કાતરી સજાવી દો.

આ માલપૂઆ ગરમાગરમ સારા લાગે છે. તેથી બની શકે તો તે ગરમાગરમ ખાવામાં લેવા.