વધેલી રોટલીના ઢોકળા

રાત્રે વધેલી રોટલીમાંથી ઢોકળા બને છે. જે દાળ-ચોખાના ઢોકળા જેવા જ સ્વાદિષ્ટ લાગે છે!

સામગ્રીઃ

  • વધેલી રોટલીના ટુકડા ¾ કપ
  • છાશ 1 કપ
  • ઝીણો રવો 1 કપ
  • આદુ-મરચાંની અધકચરી વાટેલી પેસ્ટ 1 ટે.સ્પૂન
  • સ્વાદ મુજબ મીઠું
  • 2-3 ચપટી હીંગ,
  • સમારેલી કોથમીર ½ કપ
  • રાઈ ટી.સ્પૂન
  • સફેદ તલ 1 ટી.સ્પૂન
  • તેલ 2 ટે.સ્પૂન
  • ઈનો ફ્રુટ સોલ્ટ 1 ટે.સ્પૂન

રીતઃ રાતની વધેલી રોટલીના નાની સાઈઝના ટુકડા કરી લેવા. ત્યારબાદ તેને 1 કપ છાશમાં પલાળીને 10 મિનિટ માટે રાખી મૂકો. 10 મિનિટ બાદ તેમાં ઝીણો રવો મેળવીને ફરીથી 10 મિનિટ રહેવા દો.

ત્યારબાદ તેમાં આદુ-મરચાંની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું, હીંગ તેમજ સમારેલી કોથમીર મેળવી દો.

ઢોકળા બનાવવાના વાસણમાં પાણી ગરમ કરવા મૂકો.

ઢોકળાના ખીરામાં ઈનો મેળવીને 1 ચમચી તેલ તેની ઉપર રેડી દો અને આ ખીરું ચમચા વડે અડધી મિનિટ માટે ફેંટો. અને તેલ લગાડી થાળીમાં રેડીને આ થાળી બાફવા માટે મૂકી દો. ઢોકળાનું વાસણ ઢાંકીને 10-15 મિનિટ માટે ઢોકળા થવા દો. ત્યારબાદ ગેસ બંધ કરીને તેને ઠંડા થવા દો.

ઢોકળા ઠંડા થાય એટલે તેના ચોસલા પાડી દો. એક વઘારીયામાં બાકી રાખેલું તેલ ગરમ કરી રાઈ તતડાવીને ગેસ બંધ કરીને તેમાં સફેદ તલ ઉમેરીને આ વઘાર ઢોકળા ઉપર રેડી દો.

તૈયાર ઢોકળા ચટણી સાથે અથવા ચા સાથે પીરસો.