શેકેલા સાબુદાણાના ત્વરિત બનતા આ વડા સ્વાદિષ્ટ પણ બને છે.
સામગ્રીઃ સાબુદાણા 1 કપ, શીંગદાણા 50 ગ્રામ, સ્વાદ મુજબ સિંધવ મીઠું, અધકચરા વાટેલા કાળા મરી ½ ટી.સ્પૂન, આદુનો ટુકડો 2 ઈંચ, શેલો ફ્રાય કરવા માટે તેલ, ધોઈને સમારેલી કોથમીર ½ કપ, કાચા બટેટા 2, લીલા મરચાં 3-4,
ચટણીઃ 6-7 લીલા મરચાં, આદુનો ટુકડો 2 ઈંચ, શેકેલા શીંગદાણા, શેકેલા જીરાનો પાઉડર 1 ટી.સ્પૂન, સ્વાદ મુજબ સિંધવ મીઠું, લીંબુનો રસ 2 ટી.સ્પૂન, દહીં 100 ગ્રામ, ધોઈને સમારેલી કોથમીર 1½ કપ
રીતઃ શીંગદાણાને શેકીને ઠંડા કરવા મૂકો. શીંગદાણાનો છોલીને અડધા શીંગદાણા ચટણી માટે વાપરવા માટે અલગ કપમાં મૂકી દો.
સાબુદાણાને એક પાણીએથી ધોઈને થોડા કોરા કરીને એક પેન અથવા કઢાઈમાં ગેસની ધીમી આંચે શેકીને કોરા કરી લો અને ઠંડા કરવા મૂકો.
સાબુદાણાને મિક્સીમાં રવા જેવા કરકરા પીસી લો. એક બાઉલમાં કાઢી લો. શેકેલા શીંગદાણામાંથી અડધા શીંગદાણાનો અધકચરો ભૂકો કરી લો.
હવે મિક્સીમાં ચટણી માટે લીલા મરચાં, કોથમીર, સ્વાદ મુજબ સિંધવ મીઠું, લીંબુનો રસ, આદુના ટુકડા, બાકી રાખેલા શેકેલા શીંગદાણા, જીરાનો પાઉડર ઉમેરીને થોડું પાણી મેળવીને ચટણી પીસી લો. ચટણી તૈયાર થયા બાદ દહીંમાંથી પાણી નિતારીને દહીં ચટણીમાં મેળવી દો.
બટેટા, આદુ તેમજ 1 કપ પાણી મિક્સીમાં પીસી લો. આ મિશ્રણ સાબુદાણાના કરકરા દળેલા પાઉડરમાં મેળવીને લીલા મરચાં સમારીને મેળવો. સાથે કાળા મરીનો ભૂકો, સમારેલી કોથમીર, સ્વાદ મુજબ સિંધવ મીઠું તેમજ શેકેલી શીંગનો અધકચરો ભૂકો મેળવો. મિક્સ કરીને 5-10 મિનિટ માટે રાખી મૂકો. ત્યારબાદ તેના નાના ગોળા વાળી લો.
કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ગેસની મધ્યમ આંચ કરીને સાબુદાણા વડાના ગોળા ઉમેરીને 20-30 સેકન્ડ માટે હલાવ્યા વિના થવા દો. ત્યારબાદ ઝારા વડે હળવેથી વડાને ઉથલાવો. 1-1 મિનિટ આ રીતે ઉથલાવીને તેને સોનેરી રંગના તળી લીધા બાદ કાઢી લો.
આ વડા અપ્પે પેનમાં પણ ઓછા તેલમાં શેલો ફ્રાય કરી શકાય છે.
ફરાળી લીલી ચટણી સાથે તૈયાર સાબુદાણા વડા પીરસો.





