શિયાળાની સિઝનમાં વટાણા સસ્તા મળી રહે છે. ત્યારે તેમાંથી અવનવા નાસ્તા તૈયાર કરી શકાય છે!

સામગ્રીઃ
- બાફેલા લીલા વટાણા 2 કપ
- આદુનો ટુકડો 2 ઈંચ
- લીલા મરચાં 4-5
- લસણની કળી 7-8
- કાળા મરી 8-10 નંગ
- આખા ધાણા 1 ટી.સ્પૂન
- જીરૂ 1 ટી.સ્પૂન
- વરિયાળી 1 ટી.સ્પૂન
- ચણાનો લોટ 1 કપ
- ચોખાનો લોટ 2 ટે.સ્પૂન
- સફેદ તલ 1 ટે.સ્પૂન
- અજમો ½ ટી.સ્પૂન
- હીંગ ½ ટી.સ્પૂન
- ધાણાજીરૂ 1 ટી.સ્પૂન
- હળદર ½ ટી.સ્પૂન
- લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
- કાંદો 1
- ધોઈને સમારેલી કોથમીર 1 કપ
- તેલ તળવા માટે
- સ્વાદ મુજબ મીઠું
રીતઃ આદુ, લીલા મરચાં, લસણને અધકચરા વાટી લો. ત્યારબાદ તેમાં વરિયાળી, આખા ધાણા, કાળા મરી, જીરૂ ઉમેરીને તેને પણ અધકચરા વાટી લો.
બાફેલા વટાણાને મેશર વડે અધકચરા મેશ કરી લો. તેમાં વાટેલો મસાલો ઉમેરી દો. ત્યારબાદ તેમાં અજમો, ચણાનો તેમજ ચોખાનો લોટ, હીંગ, ધાણાજીરૂ, મરચાં પાઉડર, હળદર, મીઠું સ્વાદ મુજબ તથા કોથમીર તેમજ કાંદો સમારીને ઉમેરી, પાણી ઉમેર્યા વગર નરમ લોટ બાંધી લો.
તેલવાળા હાથ કરી વડાના મિશ્રણમાંથી ગોળા લઈ તેને ચપટો આકાર આપી, પ્લેટમાં ગોઠવી દો. બધા ગોળા તૈયાર થાય એટલે કઢાઈમાં તેલ ગરમ કરી, ગેસની મધ્યમ આંચે આ વડા તળી લો.
તૈયાર વડા ચટણી અથવા ટોમેટો કેચ-અપ સાથે પીરસો.



