નવરાત્રિ સ્પેશ્યલ રેસિપી
આ નવરાત્રિ માટે સ્વાસ્થ્યપ્રદ એનર્જી પીણું તેમજ લાડુની ખાસ રેસિપીઃ
ફ્રુટ્સ એન્ડ નટ્સ પ્રોટીન શેક
સામગ્રીઃ
કેળા 1, એપલ ½, ખજૂર 2, અંજીર 1, કાજુ 4-5, બદામ 5, અખરોટ 3-4, કિસમિસ 10, મિક્સ બિયાં 1 ટે.સ્પૂન, પ્રોટીન પાઉડર (optional) / ઓટ્સ 1 ટે.સ્પૂન, દૂધ/દહીં/નાળિયેરનું દૂધ, વેનિલા એસેન્સ 3-4 ડ્રોપ્સ (optional), ચિયા સિડ્સ 1 ટે.સ્પૂન
રીતઃ ખજૂર, અંજીર, નટ્સ અને સિડ્સને આખી રાત માટે પાણીમાં ભીંજવી રાખો. ચિયા સિડ્સને ફક્ત 1 કલાક માટે પ્રોટીન શેક બનાવવા અગાઉ પાણીમાં પલાળી રાખો.
હવે ચિયા સિડ્સ સિવાયની બધી સામગ્રીને મિક્સીમાં ફેરવીને જાડું શેક બનાવી લો. જો તમે ઈચ્છો તો તેમાં બરફના ટુકડા તેમજ મધ પણ મેળવી શકો છો. તૈયાર થયેલા શેકમાં ચિયા સિડ્સ મેળવી દો અને આ શક્તિદાયક પીણું પીને નવરાત્રિમાં આખી રાત ગરબાની રમઝટ જમાવો.
શિંગોડાનો લોટ અને ગુંદરના લાડુ
સામગ્રીઃ શિંગોડાનો લોટ 250 ગ્રા., મિસરી પાવડર 250 ગ્રા., મખાણાના ફૂલ 1 કપ, સૂકા નાળિયેરની છીણ 1 કપ, ગુંદર 4 ટે.સ્પૂન, બદામ ¼ કપ, કાજુ ¼ કપ, પિસ્તા ¼ કપ, એલચી પાવડર 1 ટી.સ્પૂન, મગજતરીના બીજ 2 ટે.સ્પૂન, ઘી 200 ગ્રા.,
રીતઃ બધા ડ્રાય ફ્રુટ્સ તેમજ મખાણાના ફૂલને થોડા ઘીમાં તળી લો.
ત્યારબાદ બાકી રહેલા ઘીમાં ગુંદરને પણ તળીને ફુલાવી લો. આ ફુલેલા ગુંદરને ખાંડણીમાં નાના નાના ટુકડામાં તોડી લો અથવા મિક્સીમાં પલ્સ મોડમાં બારીક ટુકડા કરી લો.
હવે શિંગોડાનો લોટ શેકી લો. અડધો શેકાઈ ગયા બાદ તેમાં નાળિયેરની છીણ ભેળવી દો. લોટ તેમજ છીણ ગોલ્ડન રંગના શેકાઈ જાય એટલે નીચે ઉતારીને એક વાસણમાં કાઢી લો.
ડ્રાય ફ્રુટ્સને ટુકડામાં કટ કરી લો. મખાણાને પણ ખાંડણીમાં નાના ટુકડા કરી લો.
લોટ થોડો ઠંડો થયા બાદ તેમાં મિસરી પાવડર, ડ્રાય ફ્રુટ્સ, મખાણા તેમજ ગુંદરના ટુકડા, એલચી પાવડર તેમજ ઘી ઉમેરીને લાડુ બનાવી લો.
નવરાત્રીમાં રોજ એક લાડુ ગરબા રમવા જવા પહેલાં ખાઈ લો. તમારે કોઈ જંક ફુડ ખાવાની ભૂખ નહીં લાગે અને એનર્જી પણ ભરપૂર મળશે.
(રીના મોહનોત)
(સાયન્સ ગ્રેજ્યુએટ રીના મોહનોતને એમની પેશન રાજસ્થાની રસોઈકળા તરફ દોરી ગઈ અને નિર્માણ થયું ક્લાઉડ કિચન, ધોરા! જે અમદાવાદના સ્વાદ રસિયાઓને પીરસે છે અસલ પરંપરાગત રાજસ્થાની સ્વાદિષ્ટ વાનગીઓ! અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ ક્લાઉડ કિચન ચાલુ રાખવાના મક્કમ નિર્ધારને કારણે રીનાબહેન ટાઈમ્સ ફુડ એવોર્ડ, રાષ્ટ્રવ્યાપી મેરીટ એવોર્ડ અને મહિલાપ્રેન્યોર જેવા અનેક એવોર્ડના સતત વિજેતા રહ્યાં છે!)